Get The App

ખુશી કપૂર સફળતા ક્યારે જોશે? સો મણનો સવાલ!

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
ખુશી કપૂર સફળતા ક્યારે જોશે? સો મણનો સવાલ! 1 - image

- 'લોકો હવે થિયેટરમાં જવાને બદલે ફિલ્મ ઓનલાઈન રજૂ થાય તેની પ્રતિક્ષા કરે છે. ઓટીટીએ અવનવી વાર્તાઓ કહેવા માટે ફિલ્મસર્જકો માટે ઘણા દરવાજા ખોલી નાખ્યા છે એ તો સ્વીકારવું જ પડે...' 

- 'પહેલી ફિલ્મના શૂટિંગ દરમિયાન મને ખાસ્સો ગભરાટ થતો હતો. રિહર્સલની શૈલી હોય, દ્રશ્યોનું વિશ્લેષણ હોય કે વર્કશોપ હોય, પ્રત્યેક દિગ્દર્શકની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. મેં સૌની સાથે એડજસ્ટ થવાની ભરપૂર કોશિશ કરી છે.'  

ખુશી કપૂરની ફિલ્મી દુનિયાની સફર ભાગ્યથી ઘડેલી તેમજ સ્વનિર્મિત બંને રહી છે. ફિલ્મી આઈકનોના પરિવારમાં ઉછરેલી ખુશીએ હજુ સુધી ભલે સફળતા જોઈ નથી, પણ નાની વયથી જ એ વાર્તાઓ, સેટ અને રચનાત્મક ઊર્જાથી ઘેરાયલી રહી છે. આ વિરાસતથી પર થઈને પરફોર્મ કરવા માટે તેની સહજ ઉસ્તુકતા, ઘરે દ્રશ્યો ભજવતી વખતે થતો રોમાંચ, સાડીની જગ્યાએ દુપટ્ટા લપેટવા અને ફિલ્મોની મનપસંદ પળો ફરી રજૂ કરવી, આવી બાબતોએ તેનામાં અભિનય કરવાની પ્રેરણા આપી. બાળપણમાં જે રમત તરીકે શરૂ થયું હતું તે ક્રમશ: ગંભીર ઈચ્છા બની ગઈ, જે હવે ખુશી આત્મવિશ્વાસ, જિજ્ઞાાસા અને રચનાત્મક ભૂખથી હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી છે.

ખુશી કપૂર તેની નાનપણની પ્રેરણાઓ, પ્રારંભિક ફિલ્મોમાં મળેલા અનુભવો અને પરિવારના ભાવનાત્મક સમર્થન વિશે ખુલીને વાત કરે છે. ડિજિટલ યુગમાં એક જાહેર વ્યક્તિ હોવાના જોખમ, સિનેમાના બદલાતા પરિપ્રેક્ષ્ય અને તેની મનપસંદ ભૂમિકા વિશે પણ વાત કરી.

'આર્ચિસ'થી લઈને 'લવયાપા' અને 'નાદાનિયાં' સુધી ખુશીની ફિલ્મોગ્રાફીમાં પ્રયોગો અને પ્રગતિ નજરે પડે છે. ખુશી પોતાના પ્રત્યેક પ્રોજેક્ટને વિશિષ્ટ ક્લાસરૂમ તરીકે ગણે છે, જે તેને અવનવા બોધપાઠ શીખવે છે. ખુશી કહે છે કે રિહર્સલ શૈલી હોય, દ્રશ્યોનું વિશ્લેષણ હોય કે વર્કશોપ ટેકનીક હોય, પ્રત્યેક દિગ્દર્શકની કામ કરવાની પદ્ધતિ અલગ હોવા છતાં તે તમામ સાથે અનુકૂલન સાધી લેતી હતી. તેને પ્રથમ ફિલ્મમાં થોડો ગભરાટ જરૂર થયો હતો, તેણે સિનેજગતમાં સાવધાનીપૂર્વક ડગ માંડયા, પોતે કેવું પર પરફોર્મ કરશે તેના વિશે અનિશ્ચિતતા હતી. પણ પ્રત્યેક પ્રોજેક્ટ સાથે, તેનામાં થોડો સુધારો આવતો ગયો. તેને પોતાનો રચનાત્મક અવાજ મળી ગયો, વિચારો શેર કરવાનો આત્મવિશ્વાસ મળી ગયો અને સમાન પરફોર્મર તરીકે સામેલ થવાનું શીખી લીધું. આજે તેને માત્ર પરફોર્મ કરવાના સ્થાને ભાગીદારી નોંધાવવા માટે પણ તૈયાર હોવાની લાગણી થાય છે.

નવા કલાકારો ઈબ્રાહિમ અને જુનૈદ સાથે કામ કરવાની તક તેની સફરનો વધુ એક આશ્વાસન આપનારો હિસ્સો હતો. ખુશી માને છે કે ઉત્તમ ફિલ્મ માટે સેટ પર મૈત્રીભર્યું વાતાવરણ જરૂરી છે, અને બંને નવા કલાકારો સાથે તેના અનુભવો આરામદાયક, મનોરંજક અને રચનાત્મક રહ્યા હતા. જુનૈદ સાથે તેનું સંક્ષિત શૂટીંગ શેડયુલ રમતિયાળ અને વિચિત્ર દ્રશ્યોથી યુક્ત હતું જેનાથી ફિલ્મ માટે એક યાદગાર વાતાવરણ બની શક્યું. બંનેનો સાથે મર્યાદિત સમય હોવા છતાં તેઓ તેમના પાત્રો બાની અને ગૌરવ વચ્ચે ગતિશીલ સંબંધ બનાવવામાં સફળ  રહ્યા.

પણ આજના સમયમાં એક કલાકાર હોવું એટલે ઝડપી વિકલ્પોના વિશ્વમાં અસ્તિત્વ ધરાવવું, પછી તે સોશિયલ મીડિયા હોઈ શકે, ટીવી હોઈ શકે અથવા મોટું સ્ક્રીન પણ હોઈ શકે. ખુશી કબૂલ કરે છે કે બધાને જ તમારું કામ પસંદ નહિ આવે, પણ તે યોગ્ય જ છે. મહત્વનું છે વાસ્તવિક રહેવું, અર્થસભર ટીકાઓ સાંભળવી, બિનજરૂરી ઉહાપોહની અવગણના કરવી અને સતત પોતાનું કાર્ય કરતા રહેવું. ખુશી માટે પ્રગતિ અનંત છે, પોતાની કલાથી પૂર્ણ રૂપે સંતોષ થાય તેવા  તબક્કો ક્યારેય કલાકારના જીવનમાં આવતો જ નથી.

ખુશીના અંગત અને વ્યવસાયિક વિશ્વના હાર્દમાં તેનો પરિવાર છે. પછી તે પિતા હોય, ભાઈ- બહેનો હોય કે પછી તેની માતાની સ્મૃતિઓ હોય. તે ઘણીવાર પિતા અને બહેન જાન્હવી પાસેથી સલાહ લેતા ખચકાતી નથી અને તેમની સલાહોને પૂરતુ મહત્વ પણ આપે છે. જ્યારે લોકો કહે કે તે પોતાના પિતાની લાડકી છે ત્યારે ખુશી સ્મિત કરે છે. ખુશીના મતે પિતા એક ઋજુ હૃદયના માણસ છે જે તમામનું ધ્યાન રાખે છે. તેનાં ભાઈ-બહેન પણ તેના ભાવનાત્મક વિશ્વમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અર્જુનનું મનોબળ અને બુદ્ધિમતાથી લઈને અંશુલાની ધ્યાન રાખવાની ક્ષમતાથી લઈને જાન્હવીની તીવ્ર વફાદારી સુધી, પ્રત્યેક તેને બહુમૂલ્ય બોધપાઠ શીખવે છે.

વ્યાવસાયિક રીતે ખુશી એવા સમયે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશી છે જ્યારે ઓટીટી મંચો એક ગૂંચવણભર્યા તાલમેલમાં સહઅસ્તિત્વ ધરાવી રહ્યા છે. ખુશી દર્શકોના વર્તનમાં આવેલા ફેરફારને સમજે છે, તેના મતે લોકો હવે થિયેટરમાં જવાની બદલે તેની ઓનલાઈન રજૂઆતની પ્રતિક્ષા કરે છે. છતાં તે માને છે કે ઓટીટીએ અવનવી વાર્તાઓ કહેવા અને વધુ ફિલ્મ સર્જકો માટે દરવાજા ખોલી નાખ્યા છે.  ખુશી ઓટીટીને સ્પર્ધાના સ્થાને પ્રેરક બળ તરીકે માને છે, જે ફિલ્મ સર્જકોને વધુ થિયેટરીકલ અનુભવો રચવા મજબૂર કરે છે.

ભાવિને નજરમાં રાખતા ખુશી પોતાને પડકારે તેવા રોલ પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે. તે એવી ભૂમિકા ઝંખે છે જે માનવીય જટિલતામાં જડાયેલી હોય. તેને ક્ષતિઓ, સ્તરો અને ભાવનાત્મક ઊંડાણ સાથેના ગાઢ, નાટકીય પાત્રો ભજવવાની ખેવના છે. ખુશી માને છે આવા રોલ સૌથી વધુ કલાત્મક સંતોષ આપે છે. ખુશીને ભલે સિનેમા વિરાસતમાં મળ્યું હોય, પણ તેનો પથ નિર્વિવાદપણે પોતાનો આગવો છે. પ્રમાણિકતા, જિજ્ઞાાસા અને આત્મવિશ્વાસ સાથે તે ફિલ્મી દુનિયામાં એક વિચારશીલ પસંદગી, એક સમયે એક પ્રમાણિક પરફોર્મન્સ સાથે પોતાની વિશિષ્ટ જગ્યા બનાવી રહી છે.