- યેસુદાસ અને હેમલતાના કંઠે રજૂ થયેલું યાદગાર ગીત એટલે 'જબ દીપ જલે આના, જબ શામ ઢલે આના, સંદેશ મિલન કા ભૂલ ન જાના, મેરા પ્યાર ના બિસરાના...' છેલ્લાં 60-70 વરસમાં ફિલ્મ સંગીતમાં અઢળક વપરાયેલા રાગ યમનમાં સ્વરાંકિત થયેલું આ ગીત અત્યંત મધુર બન્યું છે. સંગીતકારે અહીં કહરવા તાલ અજમાવ્યો છે.
યેસુદાસ અને હેમલતા
૧૯૫૦ અને '૬૦ના દાયકામાં ચોક્કસ ફિલ્મ સર્જક સાથે ચોક્કસ સંગીતકાર હોય એવી વણલખી પરંપરા સર્જાઈ ગઇ હતી. રાજ કપૂર સાથે શંકર-જયકિસન હોય, બી. આર. ચોપરા સાથે રવિ હોય, નવકેતન સાથે એસ.ડી. બર્મન હોય, મહેબૂબ ખાન અને કે. આસિફ સાથે નૌશાદ હોય વગેરે. રવીન્દ્ર જૈન સાથે અનાયાસે એવું બની ગયું જાણે એ રાજશ્રી કેમ્પના કાયમી સંગીતકાર હોય. રવીન્દ્રની રાજશ્રી સાથેની પહેલી ફિલ્મ 'સૌદાગર'થી જ તારાચંદ બડજાત્યાને આ માણસ ગમી ગયેલો. એટલે ત્યારપછી રાજશ્રીની મોટા ભાગની ફિલ્મો રવીન્દ્ર જૈનને મળી.
આજે જે ફિલ્મની વાત કરવી છે એ 'ચિતચોર' એક બંગાળી વાર્તા પરથી ઊતરી હતી. એક સરસ વાત એ હતી કે એક તરફ અમિતાભ બચ્ચનની એંગ્રી યંગ મેનની ફિલ્મો ટિકિટબારી છલકાવતી હતી. તો બીજી બાજુ કેટલીક નાના બજેટની અને કોમન મેન જેવા હીરોલોગની ફિલ્મો પણ ધૂમ મચાવતી હતી. આ 'ચિતચોર'ની જ વાત લ્યોને. માત્ર ૧૯ લાખમાં બનેલી આ ફિલ્મે ટિકિટબારી પર પંચાણું લાખની કમાણી કરી હતી.
ફિલ્મના હીરો હતા કોમન મેન જેવા દેખાતા સાવ સાદગીભર્યા અભિનેતા અમોલ પાલેકર અને અભિનેત્રી હતી રંજિતા. સુબોધ ઘોષની વાર્તા 'ચિતચકોર' પરથી બાસુ ચેટરજીએ 'ચિતચોર' ફિલ્મ બનાવી જે રાજશ્રીના બેનર તળે રજૂ થઇ અને હિટ નીવડી. ગામડાગામની સ્કૂલના હેડમાસ્ટરને મુંબઇમાં વસતી તેમની પુત્રી એક સંદેશો મોકલે છે કે ગામમાં એક એન્જિનીયર આવવાનો છે. એ મારી નાની બહેન માટે યોગ્ય મૂરતિયો સાબિત થઇ શકે. એક યુવાન આવે છે. યોગાનુયોગે હેડમાસ્ટરની નાની પુત્રી અને આ યુવાન એકમેકને પ્રેમ કરે છે. થોડા સમય પછી એવો સંદેશો આવે છે કે અગાઉ આવી ગયો એ એન્જિનીયર નથી. એન્જિનીયર તો હવે આવશે. અબ ક્યા કરેં? આગળ વાર્તા નહીં કહું, કારણ કે તમારામાં કોઇને આ ફિલ્મ યુટયુબ પર જોવી હોય તો જોવાની મજા મરી જાય. જોકે અંત સુખાંત હતો. જાણીતા હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં ફક્ત ૨૫ દિવસમાં શૂટિંગ થઇ ગયેલું. એ દિવસોમાં મહાબળેશ્વર પર આજના જેવી ભીડભાડ નહોતી.
આ ફિલ્મ હિટ નીવડી એટલું જ નહીં, પાછળથી ૨૦૦૩માં હૃતિક રોશન, કરીના કપૂર અને અભિષેક બચ્ચનને ચમકાવતી ફિલ્મ 'મૈં પ્રેમ કી દિવાની હૂં' બની. ઓડિયન્સને આ ફિલ્મ જોકે ન ગમી. ફિલ્મમાં હૃતિકનો અભિનય એટલો લાઉડ અને હાસ્યાસ્પદ હતો કે તેના પરથી આજની તારીખેય મીમ્સ બને છે. 'ચિતચોર' પરથી બનેલી તમિળ, તેલુગુ અને મલયાલમ ફિલ્મો જોકે હિટ નીવડી હતી.
હિન્દી 'ચિતચોર'નાં ગીતસંગીત રવીન્દ્ર જૈનનાં હતાં. એકાદ-બે ગીત તો આજેય સ્ટેજ પ્રોગ્રામ્સમાં ચે સાંભળવા મળે છે. જેમ કે 'જબ દીપ જલે આના, જબ શામ ઢલે આના'. ફિલ્મમાં માત્ર ચાર ગીતો હતાં.
તમે જૂનાં યાદગાર ગીતોના ચાહક હો તો તમને 'આ લૌટ કે આજા મેરે મીત તુઝે મેરે ગીત બુલાતે હૈં...' ગીત જરૂર યાદ હશે. લતા અને મૂકેશે ગાયેલા ફિલ્મ 'રાની રૂપમતી' (૧૯૫૯)ના આ ગીતના સંગીતકાર હતા એસ. એન. ત્રિપાઠી.
કર્ણાટક સંગીતમાં એક રાગ છે મધુમાધવી. ઉત્તર ભારતીય સંગીતમાં આ રાગ મધમાઢ સારંગના નામે ઓળખાય છે. રવીંદ્ર જૈને પહેલુંજ ગીત આ અત્યંત મધુર રાગમાં સ્વરાંકિત કર્યું છે. જો કે અંતરામાં ખમાજ રાગ પણ દેખા દે છે. યેસુદાસે ગાયેલું આ ગીત એટલે 'આજ સે પહલે, આજ સે જ્યાદા... ખુશી આજ તક નહીં મીલી, ઇતની સુહાની, ઇતની મીઠી ઘડી અભી તક નહીં મીલી...'
યેસુદાસ અને હેમલતાના કંઠે રજૂ થયેલું યાદગાર ગીત એટલે 'જબ દીપ જલે આના, જબ શામ ઢલે આના, સંદેશ મિલન કા ભૂલ ન જાના, મેરા પ્યાર ના બિસરાના...' છેલ્લાં ૬૦-૭૦ વરસમાં ફિલ્મ સંગીતમાં અઢળક વપરાયેલા રાગ યમનમાં સ્વરાંકિત થયેલું આ ગીત પણ એટલું જ મધુર બન્યું છે. સંગીતકારે અહીં કહરવા તાલ અજમાવ્યો છે.
યેસુદાસને જે ગીત માટે નેશનલ એવોર્ડ મળ્યો એ ગીત 'ગોરી તેરા ગાંવ બડા પ્યારા, મૈં તો ગયા મારા, આ કે યહાં રે, ઉસ પર તેરા રૂપ બડા સાદા, ચંદ્રમા જ્યૂં આધા...' આ ગીતમાં સંગીતકારે કમાલ કરી છે. કરુણ ગંભીર સ્વરૂપ ધરાવતા રાગ ધાનીમાં ગીત ઉપાડયું છે. વચ્ચે વચ્ચે ધાનીની નાની બહેન સમા રાગ ભીમપલાસી સંભળાય છે. અહીં ફરી છ માત્રાનો દાદરા તાલ અજમાવ્યો છે.
ફરી એકવાર યાદગાર ગીતને સંભારીએ. દિલીપકુમાર અને મીનાકુમારીને ચમકાવતી ફિલ્મ 'આઝાદ'માં સંગીતકાર સી. રામચંદ્રે રાગ બાગેશ્રી (વાગેશ્વરી)માં એક અત્યંત મધુર ગીત આપેલું- 'રાધા ના બોલે ના બોલે ના બોલે રે, ઘુંઘટ કા પટ ના ખોલે રે રાધા...' એ બાગેશ્રી અને અંતરામાં કેટલેક અંશે રાગ માલગૂંજીનો સ્પર્શ ધરાવતું ગીત હેમલતાના કંઠમાં છે. આ ગીતે હેમલતાને બેસ્ટ ફિમેલ સિંગરનો ફિલ્મ ફેર એવોર્ડ અપાવ્યો. ગીતનું મુખડું આ રહ્યું- 'તૂ જો મેરે સૂર મેં સૂર મિલા લે, સંગ ગા લે,તો જિંદગી હો જાયે સફલ, ઘર બના લે, મન લગા લે, તો બંદગી હોય જાયે સફલ...'
આમ આ સ્વચ્છ અને સાવ સાદી સીધી કથા ધરાવતી ફિલ્મે ૧૯૭૬માં વધુ કમાણી કરનારી ફિલ્મોમાં માનવંતું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. રવીન્દ્ર જૈનને આ ફિલ્મ ફળી હતી.


