- 'મેં અમિતાભને એવું કહી દીધું કે તમારા જેવી હસ્તીએ 'મેરે અંગને મેં...' જેવું ગીત શા માટે કરવું જોઈએ? હું કહેવા માગતી હતી કે તેઓ આટલા ટેલેન્ટેડ એક્ટર છે, પણ એમની રોલ્સની ચોઈસ જોઈ હું ખિન્ન થઈ જાઉં છું...'
બોલિવુડમાં અમુક કેરેક્ટર એક્ટર્સ પોતાની શરત કામ કરવાનો આગ્રહ રાખે છે અને મેકર્સ એમનો આવો આગ્રહ માન્ય પણ રાખે છે. ૭૫ વરસના રોહિણી હટ્ટંગડી આવા જ એક સિદ્ધાંતવાદી એક્ટર છે. રિચર્ડ એટનબરોની ક્લાસિક ફિલ્મ 'ગાંધી'ના કસ્તુરબાએ હમણાં ટીવી સીરિયલો નહીં કરવાની જાહેરાત કરી છે. એનું કારણ જણાવતાં તેઓ કહે છે કે મરાઠી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી બહુ જ અવ્યવસ્થિત થઈ ગઈ છે.એકટર્સને અવારનવાર છેલ્લી ઘડીએ કોલ કરીને શૂટ માટે બોલાવાય છે. તમે અગાઉથી જાણ કરી દો કે હું આ દિવસો દરમિયાન શૂટીંગ માટે નહીં આવું છતાં તમને છેલ્લી ઘડીએ દોડાવાય છે. તેઓ અચાનક સીરિયલમાં એક સીન ઉમેરી દે અને પછી તમને લાસ્ટ મિનિટમાં એ સીન કરવા દબાણ કરાય. મને એ જરાય પસંદ નથી, એટલે મેં આવી અણઘડ રીતે કામ નહીં કરવાનો નિર્ણય લીધો છે.
રંગમંચ અને ફિલ્મોના સન્માનનીય એક્ટરે પોતાની પાંચ દશકથી વધુ લાંબી કરિયરમાં હિન્દી ઉપરાંત મરાઠી, ગુજરાતી, તમિળ, કન્નડ અને મલયાલમ મૂવીઝમાં કામ કર્યું છે. મરાઠી ઉપરાંત ગુજરાતી થિયેટરમાં પણ એમનું નોંધપાત્ર ખેડાણ છે. કસ્તુરબાના રોલ માટે પ્રતિષ્ઠિત બાફટા એવોર્ડ મેળવનાર તેઓ એકમાત્ર ભારતીય અભિનેત્રી છે. ૧૯૮૪માં રિલિઝ થયેલી 'પાર્ટી' ફિલ્મ માટે રોહિણીજીને નેશનલ એવોર્ડથી નવાજાયા હતા. તાજેતરમાં મુંબઈમાં સીનિયર સિટીઝન્સના એક ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે મીડિયા સાથે અલપઝલપ ગોષ્ઠિ કરી હતી.
સદગત નાટયકર્મી જયદેવ હટ્ટંગડીના પત્નીએ એનો વિગતવાર જવાબ આપ્યો, 'ટીવી એક્ટરના દિવસના મોટાભાગના કલાકો કામ રોકી લે છે. તમે વહેલી સવારે ઘરેથી નીકળી જાવ, મોડી રાત સુધી શૂટીંગ કરી રાતના ૧૧-૧૨ વાગે ઘરે આવો અને બીજા દિવસે સવારે છ વાગે તમારે ઉઠીને કામે વળગવાનું. એમાં હું એકસરસાઇઝ માટે ટાઈમ નહોતી કાઢી શકતી અને મને પૂરતો આરામ પણ નહોતો મળતો. એટલે પછી મેં ટીવી સીરિયલ્સ કરવાનું બંધ કરી દીધું.'
સમાપનમાં રોહિણીજીને એક કડવો પ્રસંગ યાદ કરાવતા પત્રકારોએ પૂછ્યું, 'તમે એકવાર અમિતાભ બચ્ચનને અપમાન જેવું લાગે એવું કાંઈક બોલી ગયા હતા એ સાચું છે?' ગોળગોળ બોલવાને બદલે 'અગ્નિપથ' જેવી ફિલ્મોમાં બચ્ચનની માતાનો રોલ કરનાર અભિનેત્રી ભૂતકાળનો એ પ્રસંગ વિગતવાર વર્ણવે છે, 'યે 'શહેનશાહ' ફિલ્મ કા વાકિયા હૈ. એ ફિલ્મના એક ગીતમાં અમિતાભ બચ્ચન પોતાના પોપ્યુલર સોંગ મેરે અંગને જેવો જ ડાન્સ કરી રહ્યા હતા. શૂટીંગમાં મારાથી રહેવાયું નહીં એટલે મેં એવું કહી દીધું કે તમારા જેવી વ્યક્તિએ આવું કામ શા માટે કરવું જોઈએ? મારો કહેવાનો આશય એવો હતો કે તેઓ આટલા ટેલેન્ટેડ એક્ટર છે અને એમની રોલ્સની ચોઈસ જોઈ હું ખિન્ન થઈ જાઉં છું, મૂંઝાઉં છું. એ વખતે હું એમની ફલ્મ 'લાવારિસ' વિશે બોલવા જતી હતી પણ અધવચ્ચેથી રોકાઈ ગઈ. તેઓ શૂટ છોડીને ચાલ્યા ગયા, એમને આ પ્રસંગ યાદ હશે કે નહીં કોણ જાણે પણ હું મારી મર્યાદા ચુકી ગઈ હતી. એટલું ચોક્કસ હતું. મને એમ હતું કે તેઓ મારી કમેંટનો સણસણતો જવાબ આપશે. પરંતુ એમણે એક શબ્દ પણ બોલ્યા વિના મારી સાથે બહુ સહજતાથી બાકીનું શૂટીંગ પુરું કર્યું. એ એમની એક એક્ટર તરીકેની મહાનતા દર્શાવે છે. એટલા ખાતર જ મને અમિતાભ બચ્ચન માટે ઊંડો આદર છે.'


