- 'મોંઘાદાટ લક્ઝરી કોસ્ચ્યુમ્સને પ્રિયંકા ઘરમાં પહેરવાનાં સામાન્ય કપડાંની જેમ આમતેમ ફંગોળતી હતી. એનો વો અને એસેસરીઝ પ્રત્યેનો અભિગમ થોડો રફ હતો. મને તેનું વર્તન કોસ્ચ્યુમ્સના અનાદર જેવું લાગ્યું હતું.'
કાળા માથાનો કોઈ માનવી સર્વગુણસંપન્ન ન હોઈ શકે. દુનિયાને બત્રીસ લક્ષણો દેખાતા માણસમાં પણ કોઈ ને કોઈ અંગત નબળાઈ કે સ્વભાવગત મર્યાદા હોવાની. અમેરિકામાં સ્થાયી થઈને ઇન્ટરનેશનલ સ્ટાર બની ચૂકેલી પ્રિયંકા ચોપડા જોનસનો જ દાખલો લો. પોતાનાથી ૧૦ વર્ષ નાના હોલિવુડના એક્ટર-મ્યુઝિશિયન નિક જોનસને પરણેલી પ્રિયંકાની ઇમેજ એક ડેડિકેટેડ પ્રોફેશનલ એક્ટર તરીકેની છે. પરંતુ ઇન્ટરનેશનલ સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ કૅરી ટોબેને હમણાં એક પોડકાસ્ટમાં ભારતીય મૂળની અભિનેત્રી સાથેની પોતાની થોડીક કડવી યાદો વાગોળી છે. એ વિશે જાણતાં પહેલાં પ્રિયંકા કઈ રીતે ઇન્ટરનેશનલ એક્ટર બની એ વિશે થોડું જાણીએ.
બોલિવુડની ટોપની સ્ટારમાંથી પ્રિયંકાને ગ્લોબલ એન્ટરટેઇનર બનાવવામાં અમેરિકન ટીવી સિરીઝ 'ક્વોન્ટિકો'નો મહત્ત્વનો ફાળો છે. આ સિરીઝે એક્ટર માટે હોલિવુડના દરવાજા ખોલી દીધા હતા. એમ કહી શકાય કે, અમિતાભ બચ્ચનની કરીઅરમાં જે કામ 'જંઝીર'એ કર્યું, એ કામ પ્રિયંકા માટે 'ક્વોન્ટિકો'એ કર્યું. આ સિરીઝમાં પ્રિયંકાના સ્ટાઇલિસ્ટ કૅરી ટોબેન હતા.
એક પોડકાસ્ટમાં ટોબેને મોન્ટ્રિયલમાં 'ક્વોન્ટિકો'ના શૂટિંગ દરમિયાન પ્રિયંકા સાથે કામ કરવાનો અનુભવ વિગતે વાગોળ્યો છે. એમના જણાવ્યા મુજબ એમના પર આ લીડ એક્ટ્રેસના કોસ્ચ્યુમ્સ ઉપરાંત શોના બેકગ્રાઉન્ડ પરફોર્મર્સના સ્ટાઇલિંગની પણ જવાબદારી હતી. ટોબેન કહે છે, 'પ્રિયંકા વિશેની મારી શરૂઆતની છાપ બહુ પોઝિટિવ હતી. એનો વ્યવહાર સાલસ અને મૈત્રીભર્યો રહેતો. એ કેમેરા સામે પોતાને સારામાં સારા લુકમાં રજૂ કરવા માટેના મારા પ્રયાસને બિરદાવતી. પરંતુ મને યાદ છે કે એક વાર કોસ્યુમ્સ ફિટિંગ્સ દરમિયાન પ્રિયંકાની વર્તણૂક જોઈ હું અચંબામાં પડી ગયો હતો. ફિટિંગ્સના સેશન દરમિયાન એક્ટ્રેસ અમુક મોંઘાદાટ લક્ઝરી કોસ્ચ્યુમ્સને સામાન્ય ઘરમાં પહેરવાનાં કપડાંની જેમ ફંગોળતી. અમે ફિટિંગ્સ કરતાં હતાં ત્યારે એનો વો પ્રત્યેનો અભિગમ થોડો રફ હતો. મને એ કોસ્ચ્યુમ્સના અનાદર જેવો લાગ્યો હતો.'
સ્ટાઇલિસ્ટે પોડકાસ્ટમાં એવો ખુલાસો કર્યો છે કે શોના શૂટિંગ માટે વપરાયેલાં અમુક વો, શૂઝ અને એક્સેસરીઝ પ્રીમિયમ ફેશન લેબલ્સ અને ડિઝાઇનર બુટિક્સમાંથી ખરીદાયાં હોવાથી બહુ મોંઘાં હતાં. એક ખાસ પ્રસંગ યાદ કરતાં ટોબેન કહે છે, 'પ્રિયંકા ગિવેન્ચી બ્રાન્ડના મોંઘા દાટ શૂઝ લાત મારીને બાજુ પર ફેંકી દેતી. એ જોઈ મને બહુ આશ્ચર્ય થતું કારણ કે એ શૂઝની પ્રાઇસ ૧૦૦૦ ડોલર (આશરે રૂ.૯૫,૦૦૦) હતી. એ પ્રસંગ આજે પણ મારા મનમાં રમ્યા કરે છે.'
જોકે, પ્રોફેશનલ સ્ટાઇલિસ્ટ સમાપનમાં એવું કહેવાનું પણ ચૂકતા નથી કે, 'આમ છતાં મારો પ્રિયંકા સાથેનો અનુભવ મોટાભાગે પોઝિટિવ રહ્યો હતો. 'ક્વોન્ટિકો' જેવી હિટ થ્રિલર સિરીઝના મેકિંગ દરમિયાન અમારો એકબીજા સાથેનો સંબંધ એકદમ પ્રોફેશનલ હતો. એક્ટ્રેસ મારી સાથે તો બહુ સારી રીતે વર્તતી હતી.'
ટોબેનની વાતમાં કેટલી સચ્ચાઈ છે? ઓવર ટુ પ્રિયંકા...


