- 'ટીકા તો બધાની થાય છે. તમે જો કોઈ પ્રોજેક્ટમાં પોતાનું બેસ્ટ નથી આપી શક્યા તો વધુ મહેનત કરી નેકસ્ટ પ્રોજેક્ટમાં બહેતર પરફોર્મન્સ આપો.'
સાઉથના મોટા સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન, કાજોલ અને ઇબ્રાહિમ અલી ખાન જેવી મોટી સ્ટારકાસ્ટ હોવા છતાં ફિલ્મ 'સરઝમીન' સિનેમાઘરોમાં ચાલી નહિ. સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમની એ ડેબ્યુ ફિલ્મ 'નાદાનિયાં' બાદ બીજી નિષ્ફળ મૂવી હતી. અલબત્ત, સરઝમીનનો ડિરેક્ટર કેયોઝ ઈરાની પોતાની ડેબ્યુ ફિચર ફિલ્મને ફ્લોપ માનવા તૈયાર નથી. એ સરઝમીનનો બચાવ કરતા કહે છે, 'એ ઓટીટી પર સારી ચાલી અને ઓટીટી પર એની રિલિઝ બાદ એને દર્શકોનો મળેલો પ્રતિસાદ અમારા માટે ઉત્સાહપ્રેરક બની રહ્યો.'
બહુ ઓછા લોકો જાણે છે કે સરઝમીનથી ઇબ્રાહિમ બોલીવૂડમાં એન્ટ્રી કરવાનો હતો. પરંતુ સંજોગોવશાત નાદાનિયાં પહેલા રિલિઝ થઈ એની ડેબ્યુ મૂવી બની ગઈ. એટલે સ્વાભાવિક છે કે બીજા ફિલ્મમેકર્સની જેમ કેયોઝે પણ સ્ટાર કિડને લોન્ચ કરવાનું પ્રેશર અનુભવ્યું હોય. એ વિશે વાત કરતા એક્ટર બોમન ઈરાનીનો ડિરેક્ટર પુત્ર કેયોઝ કહે છે, 'એકલા ઇબ્રાહિમ પર નહિ, મારા ઉપર પણ પ્રેશર હતું. શોર્ટ ફિલ્મો બનાવ્યા બાદ સરઝમીન ફિચર ફિલ્મ ફોર્મેટમાં મારી પહેલી મૂવી હતી એટલે મારે પોતાની જાતને પુરવાર કરવાની હતી. પરંતુ કોઈ તબક્કે મને એવું લાગ્યું નહોતું કે ભઇસાબ મેં આ રસ્તો શા માટે લીધો? ઉલ્ટાનું મેં મનોમન એવું વિચાર્યું કે ના, અમે એકબીજાનો હાથ પકડી મુશ્કેલીનો સામનો કરીશું. ખરેખર અમે ખૂબ મહેનત કરી હતી. હા, સરઝમીન ઇબ્રાહિમની ડેબ્યુ મૂવી બનવાની હતી, પરંતુ સેટ પર અમુક લોકોને ઇજા થતા ફિલ્મ ૬થી ૮ મહિના મોડી પડી. હું જાણું છું કે નાદાનિયાં માટે ઇબ્રાહિમની પુષ્કળ ટીકા થઈ, પરંતુ મારા મતે સરઝમીનમાં એને સારો રિસ્પોન્સ મળ્યો. એણે કામ કરતા રહેવું પડશે અને એનો આગળ માર્ગ વધુ મુશ્કેલ બની રહેવાનો છે. પરંતુ એણે પોતાનો મારગ પોતે શોધે રાખવો પડશે. મને વિશ્વાસ છે કે ઇબ્રાહિમ એ કરી શકશે.'
અજીબ દાસ્તાન્સ સેગમેન્ટમાં એક શોર્ટ ફિલ્મ ડિરેક્ટ કર્યા બાદ કેયોઝ ઈરાનીએ 'ધમાકા'માં આસિસ્ટંટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી હતી. ઇબ્રાહિમે સહેવી પડેલી ટીકાની મિમાંસા કરતા ૩૮ વરસનો પારસી માટીડો કહે છે, 'સાહેબ, સરઝમીનમાં ઇબ્રાહિમે સારુ કામ કર્યું છે. એક્ટર તરીકે તમે સ્પોટલાઈટમાં આવો ત્યારે તમારે ટીકા માટે મન ખુલ્લું રાખવું જોઈએ. તમને જો ટીકા ન ખપતી હોય તો તમે સ્પોટલાઈટમાં આવો જ નહિ. ઇબ્રાહિમના ભાગે નિંદા પણ આવવાની જ છે. ટીકા તો બધાની થાય છે અને એ ખેલદિલીથી સ્વીકારવી જોઈએ. તમે જો કોઈ પ્રોજેક્ટમાં પોતાનું બેસ્ટ નથી આપી શક્યા તો વધુ મહેનત કરી નેકસ્ટ પ્રોજેક્ટમાં બહેતર પરફોર્મન્સ આપો.'
અહીં નોંધવું ઘટે કે કેયોઝે કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'માં એક્ટર તરીકે નાનકડો રોલ કર્યો હતો. પરંતુ હવે પોતે એક્ટિંગમાંથી નિવૃત્તિ લઈ લીધી હોવાની જાહેરાત કરતા જુનિયર ઈરાની કહે છે, 'મને સાચુ કહું તો કેમેરા સામે આવવું ગમતું નથી. અનકમ્ફર્ટેબલ લાગે છે. મને ડિરેક્ટરની ચેરમાં બેસી હેડફોન્સ લગાવી મોનિટર પાછળથી 'કટ, કટ' બોલવામાં બહુ આનંદ આવે છે. એક બીજી ચોખવટ કરી દઉં કે મેં ડિરેક્ટર બનવાનો નિર્ણય હમણાં નથી લીધો. લોકોને એવું લાગે છે કે હું તો એક્ટર બનવા આવ્યો હતો અને એમાંથી પછી ડિરેક્ટર બની ગયોપણ એવું નથી. સ્કૂલમાં ભણતો હતો ત્યારથી ડિરેક્ટર બનવાની મારી ખ્વાહિશ હતી. એ તો કરણ જોહરની ઇચ્છાને લીધે મેં 'સ્ટુડન્ટ ઓફ ધ યર'માં એક રોલ કર્યો, પરંતુ એ ફિલ્મ રિલિઝ થયા પહેલા જ હું બીજા સેટ પર આસિસ્ટંટ ડિરેક્ટર તરીકે પાછો કામે લાગી ગયો હતો.'
ઓલ ધ બેસ્ટ, કેયોઝ.


