Get The App

રણવીર સિંહ અને આદિત્ય ચોપરાના રેકોર્ડબ્રેક વાર્તાલાપની ફળશ્રુતિ શું હશે?

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
રણવીર સિંહ અને આદિત્ય ચોપરાના રેકોર્ડબ્રેક વાર્તાલાપની ફળશ્રુતિ શું હશે? 1 - image

- 'ધુરંધર'થી પોતાની કરિઅરને મળેલા જબરદસ્ત વેગને કારણે આનંદવિભોર બનેલા રણવીરે પોતાની ખુશી પોતાના એક સમયના ગોડફાધર આદિ સાથે શેર કરવા એમને કોલ કર્યો. 

બોલિવુડ એક હાર્ડકોર પ્રોફેશનલ દુનિયા છે. અહીં બે પક્ષો વચ્ચે રિસામણાં, મનામણાં અને ઘરઘરણાં - બધું જ પરસ્પરના સ્વાર્થના આધારે આકાર લે છે. યશરાજ ફિલ્મ્સ (વાયઆરએફ)ના સર્વેસર્વા આદિત્ય ચોપરાએ હમણાં ઇન્ડસ્ટ્રીના નવા 'ધુરંધર' એક્ટર રણવીર સિંહ સાથે સેલફોન પર એકધારી ૩ કલાક વાત કરીને એની સાક્ષી પુરી છે. કોઈને આ વાત જલદીથી માન્યામાં આવે એવી નથી. એટલા માટે કે આદિત્ય ચોપરા પોતાની ૧૦ વરસની લાડકી દીકરી અદિરા સિવાય ભાગ્યે જ કોઈ સાથે વાત કરે છે. તેઓ જાહેરમાં દેખાતા નથી અને લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.

જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આદિ અને રણવીર વચ્ચેની મેરેથોન ટેલિફોનિક ડોકની ખબર વહેતી થઈ ત્યારે ઘણાના મોઢા આશ્ચર્યથી ખુલા રહી ગયા. બધાને એ વાતની નવાઈ લાગી કે જે વ્યક્તિએ પોતાની પત્ની રાની મુખરજી સાથે આટલો લાંબો વાર્તાલાપ કર્યો નથી એણે પોતાના એક સમયના પ્રોટેજી (ચેલકા) રણવીર સાથે ૩ કલાક વાત કઈ રીતે કરી? જે હોય તે પણ આ પ્રસંગથી દીપિકા પદુકોણના પતિના નામે એક રેકોર્ડ જરૂર લખાઈ ગયો છે.

અહીં નોંધવું ઘટે કે આદિ અને રણવીર વચ્ચેના સંબંધો આજકાલના નથી. રણવીરને આદિએ જ અનુષ્કા શર્મા સાથે ફિલ્મ 'બેન્ડ બાજા બારાત' (૨૦૧૦)માં લોન્ચ કર્યો હતો. ફિલ્મ હિટ થઈ ત્યારથી યશરાજ ફિલ્મ્સની ટેલેન્ટ વિંગે રણવીરની કરિઅર મેનેજ કરવાનું શરૂ કરી દીધું હતું. ૧૧ વરસ સુધી આદિએ ખુદ એક્ટર માટે આદિથી ઈતિ સુધીના નિર્ણયો લીધા. ફિલ્મની સ્ક્રીપ્ટથી લઈને એક્ટરની ફી અને એની હિરોઈન સુધીની ઝીણી ઝીણી બાબતો વાયઆરએફ દ્વારા જ નક્કી થતી. ત્યાં સુધી કે રોહિત શેટ્ટીએ પોતાની ફિલ્મ 'સિમ્બા' માટે રણવીરને સાઈન કરવા આદિની અપોઈન્ટમેન્ટ લઈને એને મળવું પડયું હતું. એ મીટિંગમાં જ રોહિતને રણવીરને કઈ રીતે હેન્ડલ કરવો એની માર્ગદર્શિકા પકડાવી દેવાઈ હતી. પરંતુ સિનેમા જગતમાં દરેક ભાગીદારીની એક એક્સપાયરી ડેટ હોય છે. રણવીરનો લીડ રોલ ધરાવતી યશરાજ બેનરની બે ફિલ્મ 'બેફિકરે' (૨૦૧૬) અને 'જયશભાઈ જોરદાર' (૨૦૨૨) ફ્લોપ જતા બાજી બગડી. રણવીર વાયઆરએફની છત્રછાયામાંથી બહાર આવવા અધીરો બન્યો અને આદિએ પણ એને રોકવા કોઈ પ્રયાસ ન કર્યો. કદાચ એટલા માટે કે ૫૫ વરસના ફિલ્મમેકર એક્ટર કરતા ડિરેક્ટરને પહેલેથી વધુ મોટો માનતા આવ્યા છે. આમેય શો બિઝનેસમાં સ્ટાર કરતા મેકર વધુ મહત્ત્વનો ગણાતો આવ્યો છે. રણવીરે આદિત્ય ધરના સુકાનમાં 'ધુરંધર' ફ્રેન્ચાઈસીની બે સુપરડુપર હિટ આપી તો આદિત્ય ચોપરાએ પર નવોદિત એક્ટર અહાન પાંડેને લઈ 'સૈયારા' જેવી બોક્સ ઓફિસના રેકોર્ડ તોડનાર મૂવી આપી. બંને પક્ષોએ બતાવી દીધું કે હમ કિસી સે કમ નહીં.

'ધુરંધર'થી પોતાની કરિઅરને મળેલા જબરદસ્ત વેગને કારણે આનંદવિભોર બનેલા રણવીરે પોતાની ખુશી પોતાના એક સમયના ગોડફાધર આદિ સાથે શેર કરવા એમને કોલ કર્યો. પોતાના પ્રોટેજીની સકસેસથી રાજી થયેલા ચોપરાજીએ પણ એનો ફોન ઉપાડી વાત કરી. બંને ગુરુ-ચેલા વાતોએ વળગ્યા અને એમનો વાર્તાલાપ પુરા ૩ કલાક ચાલ્યો એવું કહેવાય છે બંને વચ્ચે પ્રેમાળ સંવાદ બાદ બંધબારણે મીટિંગ પણ થઈ. એ મીટીંગમાં શું ચર્ચા થઈ એ વિશે બંનેમાંથી કોઈએ ફોડ નથી પાડયો. પરંતુ ઇન્ડસ્ટ્રીના જાણકારો અને અનુભવીઓનું એવું માનવું છે કે ટૂંક સમયમાં રણવીરને લઈને વાયઆરએફ કતોઈ મોટી ફિલ્મની જાહેરાત કરે તો કોઈને નવાઈ ન લાગવી જોઈએ.