For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખામોશ...! જોખમ લેવામાં તે વળી ડરવાનું શું?: સોનાક્ષી સિંહા

Updated: May 26th, 2023


- 'કોઈ પણ કાર્યમાં વત્તાઓછા અંશે રિસ્ક તો રહેવાનું જ. બસ, તમે પૂરા સમર્પણ સાથે કામ કરો. તમને તેનું સકારાત્મક પરિણામ જોવા મળવાનું જ છે.'

સોનાક્ષી સિંહાને આપણે સૌથી પહેલાં સ્ક્રીન પર ક્યારે જોઈ હતી? 'દબંગ'ના પહેલા ભાગમાં, રાઇટ? એમાં સલમાન ખાન ચુલબુલ પાંડે નામનો નટખટ પોલીસ ઓફિસર બન્યો હતો. કદાચ એ જ વખતે સોનાક્ષીના મનમાં રોપાઈ ગયું હશે કે હું ભલે હિરોઈન રહી, પણ ભવિષ્ય  ક્યારેક હુંય પોલીસનો રોલ કરીશ!

સોનાક્ષીની આ ઇચ્છા આખરે પૂરી થઈ ખરી - 'દહાડ'માં. આ ફિલ્મમાં અભિનેત્રીએ સારું કામ કર્યું છે. મહત્ત્વની વાત એ છે કે આ મર્ડર  મિસ્ટ્રીનું સર્જન રીમા કાગતી અને ઝોયા અખ્તર જેવી ટેલેન્ટેડ મહિલાઓએ કર્યું છે. રીમાએ તો આ ફિલ્મનું ડિરેક્શન પણ કર્યું છે. વિજય વર્મા, ગુલશન દેવૈયા, સોહમ શાહ જેવા એના સહકલાકારો પણ એટલા જ પ્રતિભાશાળી છે. સોનાક્ષી કહે છે, 'મારા પ્રત્યેક પાત્રની જેમ આ રોલને પણ મેં એટલી જ ગંભીરતાથી લીધું હતું. મેં કામ કરવામાં લગીરેય કચાશ નહોતી રાખી તેનું પરિણામ પડદા પર દેખાઈ રહ્યું છે.'

જોકે સોનાક્ષી હંમેશાથી સમર્પિત અદાકારા રહી છે. તે કહે છે કે હું ફિલ્મોદ્યોગમાં પ્રવેશી ત્યારથી કામને લગતાં બધાં જોખમો લેવા પૂરેપૂરી તૈયાર હતી. કોઈપણ કાર્યમાં વત્તાઓછા અંશે રિસ્ક તો રહેવાનું જ. બસ, તમે પૂરા સમર્પણ સાથે કામ કરો. તમને તેનું સકારાત્મક પરિણામ જોવા મળવાનું જ છે. હું જ્યારે ફેશન ડિઝાઈનર તરીકે કામ કરતી હતી ત્યારે પણ એટલી જ લગનપૂર્વક આગળ વધવાનો પ્રયાસ કરતી. મારી સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે, મારો પરિવાર. તેમણે મારા અગાઉના કામમાં પણ મને સહકાર આપ્યો હતો. અને હું  અભિનય ક્ષેત્રે આવી ત્યારથી તો તેમની છાતી ગજ ગજ ફૂલી રહી છે.'

શત્રુઘ્ન સિંહાએ જ્યારે સોનાક્ષીને ખાખી વરદીમાં જોઈ ત્યારે તેમની ખુશીનો પાર નહોતો રહ્યો. સોનાક્ષી કહે છે કે મેં પહેલી વખત પોલીસ અધિકારીનો ગણવેશ ધારણ કર્યો ત્યારે એક ફોટો પાડીને મારા પપ્પાને મોકલ્યો હતો. તેઓ મને વાસ્તવિક જીવનમાં પોલીસ અધિકારી બનાવવા માગતા હતા. મેં ફોટો કેપ્શનમાં લખ્યું હતું કે હવે તમારું સપનું સાકાર થયું છે! 

છેલ્લા કેટલાક સમયથી સોનાક્ષીએ કોઈ ફિલ્મ હાથ નહોતી ધરી, પરંતુ જ્યારે તેને આ રોલ ઑફર થયો ત્યારે તેણે તરત તેનો સ્વીકાર કરી લીધો હતો. અભિનેત્રી કહે છે કે છેલ્લા ઘણાં વખતથી મને જે ઑફરો આવતી હતી તે કાં તો રસપ્રદ નહોતી અથવા મેં અગાઉ કરી હતી એવી જ હતી. આટલાં વર્ષ પછી હું કંઈક નવું કરવા માગતી હતી. અગાઉ ભજવી ચૂકી હોઉં એવા કિરદાર મને ફરીથી અદા નહોતા કરવા, પણ જ્યારે મને 'દહાડ' વિશે જણાવવામાં આવ્યું ત્યારે મને લાગ્યું કે મારું પાત્ર અત્યંત શક્તિશાળી છે અને મેં પળવારમાં તેમાં કામ કરવાનો નિર્ણય લઈ લીધો.

હવે મોટાભાગના કલાકારો અને ફિલ્મ સર્જકો ઓટીટી પ્લેટફોર્મને વધુ સલામત માનવા લાગ્યાં છે. આ મંચ પર ન તો બૉક્સ ઓફિસ કલેક્શનની ચિંતા હોય છે કે ન દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવા માટેની તાણ. સોનાક્ષી સિંહા પણ આ વાત માને છે. તે કહે છે કે આ મંચ પર વૈવિધ્યસભર કોન્ટેન્ટ રજૂ કરવાનો ભરપૂર અવકાશ છે. આ કારણે જ અહીં દર્શકોને કંઈકેટલાય પ્રકારના વિષયો પર બનેલી ફિલ્મો તેમ જ શોઝ જોવા મળે છે અને તે પણ પોતાની ફુરસદે અને સગવડે.

સોનાક્ષીએ અગાઉ પણ પોતાની ફિલ્મોમાં એક્શન દ્રશ્યો આપ્યાં છે. તે કહે છે કે મને એક્શન સીન આપવાની ભારે મોજ પડે છે. વળી, જ્યારે તમે આવાં દ્રશ્યો આપવાના હો ત્યારે તમને ઘણું શીખવા મળે છે. આ ફિલ્મમાં તો મેં બાઈક પણ ચલાવી છે. મેં મારા અંગત ઉપયોગ માટે પણ બાઈક ખરીદી લીધી છે અને તે ચલાવું છું. આવું પડકારજનક કામ કરવાની મઝા જ કાંઈક જુદી હોય છે.

સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે મહિલા પોલીસ અધિકારીએ પુરુષની અદામાં વાતચીત કરવી જોઈએ, તેની ચાલઢાલ પણ પુરુષ જેવી હોવી જોઈએ, પરંતુ સોનાક્ષી કહે છે કે આ માન્યતા પાયાવિહોણી છે. મહિલા પોલીસ અધિકારીનું મનોબળ મજબૂત હોવું જોઈએ. તેનો મિજાજ કડક હોવા છતાં તેનું હૃદય કુણું હોવું જોઈએ. તેને મરદાના અદાઓ બતાવવાની બિલકુલ જરૂર નહોતી.

વાત તો સાચી. 

Gujarat