સાઉથના ફિલ્મમેકરોમાં એવંુ તે શું છે?

Updated: Sep 15th, 2023


Google NewsGoogle News
સાઉથના ફિલ્મમેકરોમાં એવંુ તે શું છે? 1 - image


- શિશિર રામાવત

હ જુ થોડાં વર્ષો પહેલાં સુધી કોણે વિચાર્યું હતું કે દક્ષિણ ભારતીય ફિલ્મી અદાકારો અને ફિલ્મમેકરો વિશે આપણે એવી રીતે વાતો કરતા હોઈશું જાણે એ આપણા પોતાના કલાકારો હોય? કોણે કલ્પના કરી હતી કે ભારતભરની સ્થાનિક ભાષાઓનાં અખબાર-સામયિકો-સોશિયલ મિડીયામાં દક્ષિણના કલાકારોને બોલિવુડની હસ્તીઓ જેટલું જ મહત્ત્વ મળવા માંડશે? ભારતભરમાં તરખાટ મચાવવાની શરુઆત કરી 'બાહુબલિ' (૨૦૧૫)એ. ત્યાર બાદ 'બાહુબલિ-ટુ',  'પુષ્પા', 'કેજીએફ' ચેપ્ટર વન એન્ડ ટુ, 'આરઆરઆર' અને 'કાંતારા'એ સફળતાપૂર્વક આ સિલસિલો આગળ વધાર્યો. આજકાલ 'જવાન' ન્યુઝમાં છે. આ ફિલ્મ ભલે શાહરૂખ ખાનના ખભા પર ઊભી હોય, પણ તેનું કુળ તો સાઉથ ઇન્ડિયન જ છે, કેમ કે તેના રાઇટર-ડિરેક્ટર અટલી તમિલ ફિલ્મમેકર છે, અડધા કરતાં વધારે કલાકારો સાઉથના છે, ફિલ્મની સિનેમેટિક લેંગ્વેજ સાઉથની છે.

સહેજે થાય કે 'અટલી' જેવું વિચિત્ર નામ ધરાવતા આ મહાશય છે કોણ? જાણીએ. ૩૭ વર્ષીય અટલીનું સાચું નામ તો અરુણ કુમાર છે, પણ નાનપણમાં સૌ એમને લાડથી અટલી-અટલી કહીને બોલાવતા હતા એટલે આ જ એમનું ઓફિશિયલ નામ પડી ગયું. નાનપણમાં અટલીભાઈને ભણવામાં બહુ રસ ન પડે, પણ વાર્તાઓ સાંભળવામાં ને કહેવામાં ભારે રસ. વાર્તાનાં પાત્રો અને પ્રસંગો અનુસાર મનોમન કલ્પના કરવી પડે. તેથી અટલીની વિઝયુઅલ સેન્સ સતેજ બનતી ગઈ. ૧૯ વર્ષની ઉંમરે તો તેમણે ફિલ્મલાઇનમાં એન્ટ્રી મારી દીધી હતી. એસ. શંકર જેવા તમિલ ઇન્ડસ્ટ્રીના સ્ટાર ફિલ્મમેકરને આસિસ્ટ કરવાનો એમને મોકો મળ્યો. શંકરની 'નાયક' અને 'રોબો' જેવી ફિલ્મો આપણે માણી છે. બે-અઢી વર્ષના ગાળામાં શંકરની બે ફિલ્મોમાં અટલીએ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરીને નક્કર અનુભવ મેળવ્યો અને પછી એક શોર્ટ ફિલ્મ બનાવી જેની ખૂબ પ્રશંસા થઈ. ૨૬ વર્ષની ઉંમરે એમને સ્વતંત્રપણે ફિલ્મ ડિરેક્ટ કરવાનો મોકો મળ્યો. 'રાજારાણી' નામની આ ફિલ્મ હિટ થઈ, અટલીને બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટરનો અવોર્ડ પણ મળ્યો. તે પછી વિજય (સેતુપતિ નહીં, ફક્ત વિજય) નામના સુપરસ્ટાર સાથે અટલીએ ત્રણ ફિલ્મો બનાવી. ત્રણેય હિટ. તે પછી આવી અટલીની પહેલી હિન્દી ફિલ્મ અથવા કહો કે પહેલી પેન-ઇન્ડિયા ફિલ્મ, 'જવાન', જેણે અત્યારે બોક્સઓફિસ પર સપાટો બોલાવી દીધો છે. 

અટલીની ફિલ્મો પાસેથી ઊંડાણ, સૂક્ષ્મતા કે કલાત્મકતાની અપેક્ષા ન રાખવી. તેઓ નિખશિખ મસાલા ફિલ્મો બનાવે છે. એમની ફિલ્મોમાં આમ જોવા જાઓ તો સાવ નવું કશું ન હોય. ઇન ફેક્ટ, અટલી પર વાર્તાની ઉઠાંતરીના આક્ષેપો થતા રહ્યા છે. બબ્બે તો કોર્ટ કેસ થયા છે. જોકે બન્ને કેસ અટલી જીતી ગયા હતા. સિંગલ સ્ક્રીનની તાસીર ધરાવતી પણ મલ્ટિપ્લેક્સમાંય શોભે એવી સ્ટાઇલિશ ફિલ્મો બનાવતાં અટલીને સરસ આવડે છે. 

પ્રશાંત નીલનું પણ એવું જ. કન્ન્ડ ભાષામાં ફિલ્મો બનાવતા ૪૩ વર્ષીય પ્રશાંત નીલ એટલે 'કેજીએફ' ચેપ્ટર વન એન્ડ ટુના રાઇટર-ડિરેક્ટર. હાલ એમની આગામી ફિલ્મ 'સાલાર'ની અધ્ધર જીવે રાહ જોવાય છે.    

હું તો બસ, પૈસા બનાવવા આવ્યો છું

ચાલો કલ્પના કરો, 'કેજીએફ' જેવી મારધાડથી ભરપૂર એવી ગેંગસ્ટર ફિલ્મોના ડિરેક્ટર પ્રશાંત નીલની પ્રેરણામૂત કોણ હશે? જવાબ છે, 'મૈંને પ્યાર કિયા' અને 'હમ આપકે હૈં કોન!' જેવી ગળચટ્ટી, સુષ્ઠુ સુષ્ઠુ ફિલ્મના મેકર, સૂરજ બડજાત્યા! પ્રશાંત નીલ એક ઇન્ટરવ્યુમાં કહે છે, 'હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે 'હમ આપકે હૈં કૌન!' ફિલ્મ આવી હતી. તે ફિલ્મ સુપરહિટ થઈ પછી સમાચારોમાં બહુ આવતું હતું કે આ ફિલ્મે ૧૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો, વગેરે. મારા બાળમનમાં આ વાત ઠસાઈ ગઈ કે જો તમારે આટલા બધા પૈસા કમાવા હોય તો ફિલ્મ બનાવવી પડે! ને બસ, ત્યારથી હું ફિલ્મમેકર બનવાના સપનાં જોવા લાગ્યો. હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો જ એટલા માટે હતો કે મારે પૈસા બનાવવા હતા. જ્યાં સુધીમાં મને ખબર પડે કે ફિલ્મ લાઇન તો ખાસ્સી અનિશ્ચિત છે અને પૈસા કમાવા માટે બીજા ઘણા રસ્તા છે, ત્યાં સુધીમાં હું ૨૮ વર્ષનો થઈ ગયો હતો. એટલે બીજે કશે ફાંફાં મારવાને બદલે જેના માટે મેં વર્ષોથી માનસિક તૈયારી કરી હતી એ ફિલ્મલાઇનમાં જ નસીબ અજમાવવાનું નક્કી કર્યું.'

...અને ખૂબ બધાં સંઘર્ષપૂર્ણ વર્ષો બાદ પ્રશાંતના નસીબે આખરે જોર કર્યું ખરું. ૪૩ વર્ષના પ્રશાંતે જોકે હજુ સુધી ત્રણ જ ફિલ્મો બનાવી છે - 'ઉગ્રમ', 'કેજીએફ-વન' અને 'કેજીએફ-ટુ'. 'બાહુબલિ' પછી ખાસ ઉકાળી ન શકાનાર પ્રભાસને હવે આશા છે કે પ્રશાંત નીલની આગામી 'સાલાર' એની ડૂબતી નૈયા પાર ઉતારશે. 

પ્રશાંત ખુદને પહેલાં લેખક માને છે, અને પછી ડિરેક્ટર. તેઓ કહે છે, 'જ્યારે હું મારી જાતને લેખક કહું છું ત્યારે મારો મતલબ સ્ટોરી-રાઇટર નહીં, પણ સ્ક્રીનપ્લે રાઇટર હોય છે. 'વાર્તા શું છે' એમ નહીં, પણ 'વાર્તા કેવી રીતે કહેવાઈ છે' એ મારા માટે વધારે મહત્ત્વની વાત છે. તમે હોલિવુડની ફિલ્મો જુઓ. તેઓ કીડીની વાર્તા પણ કહેશે અને એટલા જ કન્વિક્શનથી ડાયનોસોરની વાર્તા પણ કહેશે. હું એડિટિંગ પણ જાણું છું એટલે કોઈ પણ ફિલ્મનો સ્ક્રીનપ્લે લખતી વખતે મારામાં રહેલા ડિરેક્ટર કરતાં મારામાં રહેલો એડિટર વધારે સક્રિય બની જતો હોય છે. લખતી વખતે હું સાથે સાથે એ પણ વિચારતો હોઉં છું કે સીન 'એ'થી સીન 'બી'થી સીન 'સી' પર કેવી રીતે જવાનું છે, ક્યાં કથાપ્રવાહની તીવ્રતા વધારવાની છે, ક્યાં ઘટાડવાની છે, વગેરે.'

પ્રશાંત નીલ એક વાત બિલકુલ નિઃસંકોચ થઈને કબૂલે છે કે એ 'એક્ટર' કરતાં 'સ્ટાર' સાથે કામ કરવાનું વધારે પસંદ કરે છે. તેઓ કહે છે, 'હું હજુ નવો છું. મારે પહેલાં મારી કરીઅર બનાવવી છે. એક ડિરેક્ટર તરીકે વિશ્વસનીયતા ઊભી કરતાં મને સમય લાગશે. તે રાતોરાત નહીં બને. ઇન્ડસ્ટ્રીમાં મેં ઘણી સ્ટ્રગલ કરી છે. શરુઆતનાં વર્ષોમાં કોઈએ મારું નામ પણ સાંભળ્યું નહોતું. આજે હું એ પોઝિશનમાં છું કે મારે સ્ટાર સાથે કામ કરવું કે નહીં તે હું ખુદ નક્કી કરી શકું છું. પાંચ-સાત વર્ષ પછી કોને ખબર, હું ન્યુકમર્સ સાથે પણ ફિલ્મો બનાવું. યાદ રહે, ('કેજીએફ'નો હીરો) યશ અને પ્રભાસ માત્ર સ્ટાર નથી, આ બન્ને સારા એક્ટર પણ છે જ. તેથી જ તો તેઓ સુપરસ્ટાર ગણાય છે.'  

પ્રશાંત નીલના વિડીયો ઇન્ટરવ્યુઝ તમે જુઓ તો દેખાવમાં, વાતચીતમાં તેઓ એટલા સાધારણ અને સૌમ્ય લાગે કે 'કેજીએફ' જેવી હિંસક ફિલ્મો આ માણસે બનાવી હોય તેવું માન્યામાં ન આવે. પ્રભાસે તો ત્યાં સુધી કહ્યું છે કે 'સાલાર' એની કરીઅરની સૌથી વાયોલન્ટ ફિલ્મ છે! પ્રશાંત કહે છે, 'મારી પર્સનાલિટીની બે બાજુઓ છે. સેટ પર હું ખૂબ રાડારાડી કરતો હોઉં છું. મારા ગુસ્સાનું કારણ મારો ડર હોય છે. મને ફફડાટ રહેતો હોય છે કે શોટ સારો નહીં આવે તો? ફિલ્મના સેટ પર ન હોઉં ત્યારે હું ખાસ્સો સહિષ્ણુ હોઉં છું, પણ સેટ પર હું પૂરેપૂરો ઇન્ટોલરન્ટ બની જાઉં છું!'

અટલીની જેમ પ્રશાંત નીલ પણ મારધાડથી ભરપૂર એવી હાડોહાડ મસાલા ફિલ્મો બનાવે છે. ખેર, કોરોના અને ઓટીટીના આગમન પછીની બદલાયેલી પરિસ્થિતિમાં ઓડિયન્સને થિયેટર સુધી ખેંચી લાવે એવી ફિલ્મોની જ બોલબોલા રહેવાની. આર્ટ કેન વેઇટ! 


Google NewsGoogle News