For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'મૃગતૃષ્ણા'માં એવું તે શું છે?

Updated: May 19th, 2022

'મૃગતૃષ્ણા'માં એવું તે શું છે?

- આજે રિલીઝ થઈ રહેલી આ ગુજરાતી ફિલ્મ વર્લ્ડક્લાસ ઇરાનિયન સર્જક માજિદ મજિદીની ફિલ્મને હરાવીને બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવોર્ડ જીતી ચૂકી છે.    

આ મ જુઓ તો સાવ સાદી અમથી વાત. નદીકિનારે એક સુંદર મજાનું ગામ છે. ગામમાં વસતાં ચાર બાળકો વચ્ચે પાક્કી દોસ્તી. આ ચારેયની એક જ ફરિયાદ છેઃ અમે નદીની પેલે પાર ક્યારેય ગયાં નથી. નદી ઓળંગવાની વાત કરીએ ત્યાં જ વડીલો ભડકી ઉઠે છે. ચારેયના મનમાં એક જ સવાલ છેઃ નદીની પેલે પાર એવું તે શું હશે? એમના મનમાં બાળસહજ કુતૂહલ છે અને આ ઉત્કંઠાને તેઓ કોઈ પણ રીતે શમાવવા માગે છે. 

બસ, આટલી જ વાત. આટલા બારીક તંતુ ફરતે ફર્સ્ટ-ટાઇમ ડિરેક્ટર ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદી આખી ફિલ્મ વણી છે. ફિલ્મનો ઉઘાડ જ એક નોન-ગુજરાતી, બાઉલ ગીતથી થાય છે. ફિલ્મમેકર જાણે કે તમને શરુઆતમાં જ કહી દે છે કે અટેન્શન, આ કોઈ ટિપિકલ ગુજરાતી ફિલ્મ નથી! ફિલ્મના પ્રારંભમાં જ નદી અને પહાડનાં મસ્તમજાનાં વિઝ્યુઅલ્સ છે. આ હાંફેશ્વર છે, વડોદરાથી દોઢેક કલાકના અંતરે આવેલું નદીકિનારાનું ગામ. આપણને થાય કે આટલું ખૂબસુરત લોકેશન ગુજરાતી ફિલ્મોમાં કેમ હજુ સુધી એક્સપ્લોર થયું નહોતું?

બાહ્ય સપાટી પર ભલે આ એક સીધીસાદી બાળફિલ્મ લાગે, પણ એનો સૂર અને સંદેશ ગહન છે, ફિલોસોફિકલ છે. ફિલ્મની સેન્ટ્રલ થીમ છે અનનોન, અજ્ઞાાત. જેના વિશે આપણે કશું જ જાણતા નથી એવું અજ્ઞાાત તત્ત્વ આપણામાં પાર વગરની જિજ્ઞાાસા અને ભય બન્ને પેદા કરે છે. ફિયર ઑફ અનનોન! 'મૃગતૃષ્ણા'નો સૌથી મોટો પ્લસ પોઇન્ટ જ આ છેઃ આવી અર્થગંભીર વાત કરવા માટે ફિલ્મમેકરે બાળસહજ નિર્દોષતાને માધ્યમ બનાવ્યું છે. જબરું કોમ્બિનેશન છે. જીવનના સૌથી જટિલ પ્રશ્નોને સમજવા માટે આપણે સૌએ બાળક જેવા શુદ્ધ નથી બનવું પડતું શું? ફિલ્મમાં ખૂબ બધાં પ્રતીકો અને રુપકો છે. જેમ કે, એક મંદિરનું દશ્ય છે, જેના ગર્ભગૃહને સદંતર અંધકારમય દેખાડવામાં આવ્યો છે. ઈશ્વર પર અજ્ઞાાત જ છેને આપણા માટે!

 મજાની વાત એ છે કે આ આ ફિલ્મને 'આર્ટહાઉસ સિનેમા' બનવાના કોઈ ધખારા નથી. ફિલ્મનો કથાપ્રવાહ સહજ રીતે વાત વહેતો જાય છે, યોગ્ય સમયે તમારી ભીતર અપેક્ષિત સ્પંદનો પેદા કરતો જાય છે. આ કોઈ હા-હા-હી-હી બ્રાન્ડ ચીલાચાલુ ગુજરાતી ફિલ્મ નથી. યુનિવર્સલ થીમ ધરાવતી આ ફિલ્મ માણવા માટે 'કલ્ટિવેટેડ ટેસ્ટ'ની જરુર પડે છે એ તો ખરું. 

'મૃગતૃષ્ણા' ટ્રિલોજીનો પ્રથમ મણકો છે. તેની કથા-પટકથા પણ દર્શન ત્રિવેદીએ લખી છે. અંકિત ગોર અને ગૌરાંગ આનંદે એમને સંવાદલેખનમાં સાથ આપ્યો છે. કરણ પટેલ, નિષ્મા સોની, આર્યા સાગર, ખુશ તાહિલરામાણી ઉપરાંત જયેશ મોરે અને રાગી જેવા કલાકારોએ સરસ અભિનય કર્યો છે. ફિલ્મ ફેસ્ટિવલ સર્કિટમાં 'મૃગતૃષ્ણા' ઓલરેડી ખૂબ બધા અવોર્ડઝ જીતી ચૂકી છે. ઇરાનમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રન એન્ડ યુથ (૨૦૨૦)માં વર્લ્ડક્લાસ ઇરાનિયન ફિલ્મમેકર માજિદ મજિદીની ફિલ્મ 'ધ સન' પણ હરીફાઈમાં હતી. તેને હરાવીને 'મૃગતૃષ્ણા'એ બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ જીતી લીધો હતો. આના કરતાં વધારે મોટું સર્ટિફિકેટ બીજું કયું હોવાનું? 

Gujarat