- 'જયાજી કદાચ માનતાં હશે કે અમે મીડિયા નથી. પરંતુ અમે સોશિયલ મીડિયા છીએ. યે પ્રિન્ટ ઔર ઇલેક્ટ્રોનિક્સ મીડિયા સે જ્યાદા ફાસ્ટ દેખે જાનેવાલા મીડિયમ હૈં.'
એક્ટર-સાંસદ જયા અમિતાભ બચ્ચનનો ઉગ્ર મિજાજ એમને ભારે પડી રહ્યો છે. મુંબઈમાં યોજાયેલી એક ઈવેન્ટમાં હોસ્ટ બરખા દત્તે શ્રીમતી બચ્ચનને પાપારાઝીઓ પ્રત્યેના એમના આક્રોશ વિશે પૂછ્યું. એના જવાબમાં જયાબેને મગજમાં સંઘરી રાખેલી તમામ ભડાસ એકી સાતે ઠાલવી દેતા કહ્યું, 'આ ક્યા પ્રકારના લોકો છે? કહાં સે આતે હૈં યે લોગ? ઇનકા કિસ તરહ કા એજ્યુકેશન હૈ? ક્યા બેકગ્રાઉન્ડ હૈ? ગંદા પેન્ટ પહેરીને અને હાથમાં મોબાઈલ લઈને ફરતા આ લોકો એવું માને છે કે આપણી પાસે મોબાઈલ છે એટલે આપણે ગમે તેના ફોટા પાડી શકીએ અને મનમાં આવે એ બોલી શકીએ. એ લોકો કેવા પ્રકારની કમેંટ્સ પાસ કરે છે.'
આવા કડવા વેણના ઉગ્ર પ્રત્યાઘાત પડવા સ્વાભાવિક હતા. પાપારાઝીઓએ પોતાને ઉતારી પાડતા નિવેદન કરવા બદલ બચ્ચન પરિવારના વડિલ પર પોતાનો રોષ ઠાલવ્યો પણ તેઓ પોતાની મર્યાદા ન ભૂલ્યા. એક ફોટોગ્રાફરે તો પોતાના સાથીઓને જયાના બહિષ્કારનો કોલ પણ આપ્યો. સાથોસાથ એમણે એવી ગર્ભિત ધમકી પણ આપી કે બોલિવુડ સાથે જોડાયેલા બચ્ચન પરિવારના સભ્યોની ફિલ્મોની પ્રમોશનલ ઈવેન્ટસ કવર કરવાનું અમે બંધ કરીશું તો શું થશે?
પલ્લવ પાલીવાલ નામના પાપારાઝી પોતાના રિએક્શનમાં કહે છે, 'જયાજી જે બોલ્યા એ કમનસીબ અને અણછાજતુ છે. આપ ઈતની બડી હસ્તી હૈં, આપકો ઐસા નહીં બોલના ચાહિયે થા. અમિતાભજી પોતાના ફેન્સનું અભિવાદન કરવા દર રવિવારે પોતાના બંગલાની અગાસી પર આવે છે, જે પ્રેસ ફોટોગ્રાફરો નહીં અમે કવર કરીએ છીએ. કોઈને એના દેખાવ કે કપડાંના આધારે જજ કરવા યોગ્ય નથી. તેઓ કદાચ માનતા હશે કે અમે મીડિયા નથી. પરંતુ અમે સોશ્યલ મીડિયા છીએ. પ્રિન્ટ ઔર ઇલેકટ્રોનિક્સ મીડિયા સે જ્યાદા ફાસ્ટ દેખે જાતે વાલા મીડિયમ હૈ. જયાજી જો પેપ્સની મદદ વિના અગસ્ત્યની ફિલ્મને પોતાની રીતે પોતાના સોશ્યલ મીડિયા પેજિસ પર પ્રમોટ કરે તો ઓકે, ઠીક છે.'
વરિન્દર ચાવલા નામના એક પાપારાઝી કહે છે, 'હું આ લાઈનમાં ઘણાં વરસોથી છું. જ્યારે પણ સેલિબ્રિટીઝે મને કોઈ અપીલ કરી છે ત્યારે મેં એમનું માન જાળવ્યું છે. રણબીર કપૂરે મને પોતાની નવજાત પુત્રી રાહાના ફોટા ન પાડવા કહ્યું હતું. એવી જ રિકવેસ્ટ રણવીર અને દીપિકાએ દીકરી દુવા માટે કરી અને મેં એમની વાત માની. હું એમ નથી કહેતો કે ફિલ્ડ પરના બધા પેપ્સનું વર્તન યોગ્ય હોય છે. એમને મેં અગાઉ ઘણીવાર કહ્યું છે કે બોલવામાં ધ્યાન રાખો. પરંતુ જયાજીએ સમજવું જોઈએ કે તેઓ કયા પેપ્સને ટાર્ગેટ કરી રહ્યા છે. કિસી કો ઈતના બુરા મત બોલિયે. મેં તો મારા સાથીઓને કહી દીધું કે અપની સેલ્ફ રિસ્પેક્ટ રખતે હૈં ઔર જયાજી કો બોયકોટ કરતે હૈ.'
એકલા પાપારાઝીઓ નહીં, બોલિવુડના ઘણાં વર્તુળોમાં પણ શ્રીમતી બચ્ચનની નિંદાપાત્ર મેંટ્સની ચર્ચા છે.


