રાજીવ ગાંધીના હત્યારાઓનું પછી શું થયું?
- નાગેશ કુકુનૂરની નવીનક્કોર વેબ સિરીઝ 'ધ હન્ટ: ધ રાજીવ ગાંધી એસેસિનેશન કેસ' ખાસ્સી દમદાર સાબિત થઈ છે - એના એપિસોડ્સની લંબાઈ થોડી કઠે એવી છે, તો પણ.
- OTT ઓનલાઈન ઝિંદાબાદ- સંજય વિ. શાહ
છેલ્લે ૨૦૧૬માં નાગેશ કુકુનૂરની ફિલ્મ, 'ધનક' આવી હતી. જોકે ૨૦૧૦થી એમની ફિલ્મ બનાવવાની રફ્તાર પહેલાં કરતાં ધીમી પડી જ હતી. બાકી, 'હૈદરાબાદ બ્લ્યુઝ' જેવી ટ્રેન્ડસેટિંગ અને અનેકને સાનંદાશ્ચર્ય કરાવનારી ફિલ્મ સાથે મનોરંજન ઉદ્યોગમાં પદાર્પણ કરનારા અને ટોચના સર્જકોમાં સ્થાન પામનારા કુકુનૂરે, '૮ઠ૧૦ તસ્વીર' સુધી લાગલગાટ ફિલ્મો આપી હતી. એમાંની મોટાભાગની વખણાઈ પણ હતી. નાગેશે ઓટીટીની દુનિયામાં ૨૦૧૯માં 'સિટી ઓફ ડ્રીમ્સ' સાથે આગમન કર્યું હતું. પછી 'મોડર્ન લવ હૈદરાબાદ' પણ બનાવી. દરમિયાન, 'પાતાલ લોક'ની બીજી સીઝનમાં સરસ મજાના પાત્રથી એમણે અભિનેતા તરીકે પણ સૌને ખુશ કર્યા હતા. હવે તેઓ 'ધ હન્ટ: ધ રાજીવ ગાંધી એસેસિનેશન કેસ' સિરીઝ લાવ્યા છે. સાત એપિસોડની, સોની લિવ પર સ્ટ્રીમ થઈ રહેલી આ સિરીઝ કેવી છે એ જાણીએ.
બીજી ડિસેમ્બર ૧૯૮૯ના દિવસે, ચૂંટણીપ્રચાર માટે ચેન્નાઈ (ત્યારના મદ્રાસ)થી આશરે ચાલીસેક કિલોમીટર દૂર સ્થિત, શ્રીપેરુમ્બુદુર જનારા આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ત્યાં આત્મઘાતી હુમલામાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. સિરીઝની શરૂઆત એ ઘટનાથી થાય છે. તરત વાત હત્યાની તપાસ તરફ વળે છે. તપાસની બાગડોર બાહોશ અધિકારી કાતકેયન (અમિત સિયાલ)ને સોંપવામાં આવી છે. કાતકેયન પોતાની ટીમ બનાવે છે. દેશના તત્કાલીન વડા પ્રઘાન ચંદ્રશેખર સહિત તંત્રનો એમને સબળ સાથ છે. જોવાનું એ છે કે કાતકેયનના વડપણવાળી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રાજીવના હત્યારાને ઝબ્બે કરી શકે છે કે એમાં નિષ્ફળ જાય છે.
પ્રચંડ રાજકીય દબાવ છે. મીડિયાના સતત ખાંખાખોળા છે. એ વચ્ચે દુનિયા આખી સામે આપણા કાયદાની, ઇન્વેસ્ટિગેશનની તાકાત સાબિત કરવાની છે આ કેસે. કુકુનૂર સાથે રોહિત જી. બનવાલીકર અને શ્રીરામ રાજને લખેલી સિરીઝની સ્ક્રિપ્ટમાં વાસ્તવિકતાને જરૂર અનુસાર નાટકીય સ્પર્શ આપીને આ સિરીઝને માણવાલાયક બનાવવાના સંનિષ્ઠ પ્રયાસ થયા છે. સિયાલ ઉપરાંત સિરીઝમાં સાહિલ વૈદ, ભાગવતી પેરુમલ અને ગિરીશ શર્મા સહિતના કલાકારો પ્રમુખ પાત્રોમાં છે. એક મહત્ત્વના એટલે શ્રીનિવાસનના પાત્રમાં શફીક મુસ્તફા છે જે નોંધનીય છે.
સિરીઝની એક તાકાત એનું સંગીત છે. યાદ છે 'સ્કેમ ૧૯૯૨', જેમાં હર્ષદ મહેતા અને શેરબજારના એક સૌથી મોટા કૌભાંડની વાત હતી? જે રીતે એમાં સંગીતે માહોલને અસરદાર બનાવવામાં ફાળો આપ્યો હતો એમ અહીં, તપસ રેલિયાનું દમદાર સંગીત આપણને વાતાવરણને ઓતપ્રોત કરી નાખે છે.
બીજી અસરદાર વાત સિનેમેટોગ્રાફી અને એડિટિંગ છે. સંગ્રામ ગિરી અને ફારુક હુંડેકરે અનુક્રમે એ જવાબદારી નિભાવી છે. સિરીઝને આપવામાં આવેલો કલર ટોન એને એ સમયના માહોલને સબળ રીતે રજૂ કરવામાં મદદ કરે છે. સુંદર એડિટિંગ થકી સિરીઝ અસ્ખલિત વહેતી રહે છે. હા, સામે પક્ષે એ પણ નોંધવું રહ્યું કે સાત જ એપિસોડ હોવા છતાં, દરેક એપિસોડની વધુ પડતી લંબાઈને લીધે, સિરીઝ ઘણી જગ્યાએ ઢીલી પડે છે. કદાચ જો એપિસોડ્સની લંબાઈ થોડી ઓછી રાખવામાં આવી હોત તો આ સિરીઝ અત્યારે છે એના કરતાં ઘણી વધુ માણવાલાયક બની હોત.
'નાઇન્ટી ડેઝ: ધ ટ્ સ્ટોરી ઓફ ધ હન્ટ ફોર રાજીવ ગાંધી એસેસિન્સ' નામના અનિરુદ્ધ મિત્રા લિખિત પુસ્તક પરથી આ સિરીઝ પ્રેરિત છે. અમિત સિયાલ માટે કહી શકાય કે એમણે એમનું કરિયરનો શ્રેષ્ઠ પરફોર્મન્સ આ સિરીઝમાં આપ્યું છે. એવી જ રીતે, ડીઆઈજી અમોદ કાંતના પાત્રમાં દાનિશ ઇકબાલ દમદાર છે. વાત મુખ્ય પાત્રો ઉપરાંત નાનાં પાત્રોમાં દેખાતા કલાકારોની પણ છે. એનું કારણ એ છે કે વડાપ્રધાન જેવી વ્યક્તિની હત્યાના કેસને પણ માનવીય અને સંતુલિત રીતે શબ્દસ્થ કરવામાં લેખકો અને પડદે ચીતરવામાં કુકુનૂર બહુધા સફળ થયા છે. બીજું, કાયદો ગમે ત્યાં પહોંચી શકે છતાં, પોલિટિકલ સિસ્ટમમાં એનું ગળું ઘણીવાર રુંધાય છે. બ્યુરોક્રસી કેવી પોકળ બલા છે એનો અનુભૂતિ આપણને આ સિરીઝ ફરી એક વાર કરાવે છે. સર્જકે દરેક વાતને પરફેક્ટ બેલેન્સ સાથે પેશ કરી છે. કોઈ અતિશયોક્તિ પણ નહીં, ને કોઈ બાંધછોડ પણ નહીં. રાજકારણની સાથે સિરીઝમાં પત્રકારત્વનું પાસું પણ સુંદર રીતે વણી લેવામાં આવ્યું છે.
શ્રીલંકાના એલટીટીઈના લોકો ગાંધીની હત્યા કર્યા પછી નિર્ભીક થઈને આપણા દેશમાં મહાલે છે, રહે છે અને મોજ પણ કરે છે એ બાબતો આપણને નવાઈ પમાડે છે અને આંચકો પણ આપે છે. આપણને થાય કે આ તે વળી કેવું.
નાગેશ કુકુનૂરનાં શ્રેષ્ઠ સર્જનો રિયલિસ્ટિક છે. એમની ફિલ્મમેકિંગની સ્ટાઇલમાં બિનજરૂરી ડ્રામાને ઓછી જ જગ્યા મળી છે. આ સિરીઝ પણ એમની આ હથોટીને ફરી સિદ્ધ કરતું સર્જન છે. જો લંબાઈની કઠણાઈને બાદ કરો તો કહી શકાય કે 'ધ હન્ટ: ધ રાજીવ ગાંધી અસાસિનેશન કેસ' સૌ કોઈને ગમી જાય એવી સિરીઝ છે. સાથે કુકુનૂરને બેનિફિટ-ઓફ-ડાઉટ કે ગ્રેસ માર્ક્સ એ વાતના આપવા રહ્યા કે જેમને ગુણવત્તાસભર સિરીઝ જોવી હશે તેમને સિરીઝની લંબાઈ પણ ખાસ કઠશે નહીં. બસ, સમય વધુ જશે, પણ અંતે પર્યાપ્ત મનોરંજન જરુર મળશે.