એક્શન ફિલ્મ 'ફુલ ઔર કાંટે'થી ડેબ્યુ કરનાર અજય દેવગને પોતાને ઓલ રાઉન્ડર એક્ટર પુરવાર કર્યો છે. ત્રણ દાયકાથી વધુ લાંબી કરીઅરમાં એણે દરેક જોનરની ફિલ્મમાં જીવ રેડયો છે. એ હકીકત બહુ ઓછા લોકોના ધ્યાન પર આવી છે કે 'સિંઘમ' હોય, 'શૈતાન' હોય, 'શિવાય' હોય કે 'રેડ' - અજયની દરેક ફિલ્મમાં બુરાઈ પર અચ્છાઈનો મેસેજ છે. 'ફેમિલી મેન'ની ઈમેજ ધરાવતા એક્ટર કહે છે, 'આપણે સૌ સારાઈની બુરાઈ પર વિજયના પ્રતીક રૂપેે દશેરા ઉજવીએ છીએ. હું એમાં દ્રઢ વિશ્વાસ રાખું છું એટલે મારા બાળકો અને યુવા પેઢીને એ જ વિશ્વાસ પાસ-ઓન કરવા ઇચ્છું છું. એ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ આપણી પસંદગીની વાત છે. અસત્ય પર સત્યનો વિજયનો સિદ્ધાંત એ માત્ર એક માન્યતા નથી, પણ આપણાં અસ્તિત્વની આધારશિલા છે.
'રોજિંદા જીવનમાં આપણે અનુકંપા, સાચું બોલવું, વડીલોનો આદર કરવો, જરૂરિયાતમંદોને મદદ કરવી, નિઃસ્વાર્થ પ્રેમ કરવો, આપણા પરિવારની સંભાળ લેવી અને સમાજમાં પોઝિટિવ યોગદાન આપવા જેવા સદ્ગુણો અપનાવવા રહ્યા. પરંતુ આપણે બદી સામે નેકી પસંદ ન કરીએ ત્યાં સુધી આમાંનું કાંઈ શક્ય નથી. બીજુ, સજ્જન વ્યક્તિ પાછળ રહી જાય છે કે કેમ એ વિશે હું જાણતો નથી. ફ્રેન્કલી, હું એ સ્ટેજ વટાવી ચુક્યો છું. મારા સિદ્ધાંતો મને શોર્ટકટ્સ અપનાવ્યા વિના સાચા માર્ગ પર ચાલવા દોરી જાય છે. સૌથી મોટી વાત એ છે કે મારાં બાળકો હંમેશા સચ્ચાઈનો પથ પસંદ કરે અને સારપમાં ભરોસો રાખે એવી મારી ઇચ્છા છે. એને લીધે તેઓ જીવનમાં સાચું સુખ મેળવી શકશે.'
હવે દેવગનને એક હળવો સવાલ પૂછાય છે, 'સર, તમને તહેવારોમાં નવાં કપડાં પહેરી સજવું-ધજવું ગમે ખરું? તમે કેવાં વસ્ત્રો વધુ પસંદ કરો છો?' 'સિંઘમ'ના જવાબમાં મૌલિકતા વર્તાય છે, 'પોતાના મૂળ સાથે જોડાઈ રહેવા માટે હકીકતમાં ટ્રેડીશનલ પોશાક એક સારો માર્ગ છે.
સામાન્યપણે મારા ફેસ્ટિવલનો ડ્રેસ કોડ કુર્તા-પાયજામા છે. મારા દીકરા અને મારા બે ભત્રીજાને પણ હું એ જ પહેરાવું છું. મારા ડ્રેસ ડિઝાઈનરને હું યુગ, દાનિશ, અમાન અને મારી સાઇઝના કુર્તા-પાયજામા સીવવાનું કહી દઉં છું. દર દિવાળી વખતે અમારા ઘરમાં આ એક ટ્રેડીશન બની ગઈ છે.'
તાજેતરમાં અજય દેવગને પોતાની માલિકીના એનવાય સિનેમાઝને દેવગન સિનેક્સ એવું નવું બ્રાન્ડ નેમ આપ્યું છે. એક્ટરે પોતાની પુત્રી નિશા અને પુત્ર યુગના નામપરથી એનાવય સિનેમાઝ એવું નામ રાખ્યું હતું, જે હવે બદલી દેવાયું છે. એ સંબંધમાં દેવગનને પત્રકારોએ સમાપનમાં પૂછ્યું કે નવું બ્રાન્ડ નેમ અપનાવવા પાછળનું તમારું પ્રયોજન શું છે?
એક્ટર- પ્રોડયુસર- ડિરેક્ટરે ખુલાસો કરતાં કહ્યું, 'આપણે સૌ જાણીએ છીએ કે મોટા પડદા પર ફિલ્મ જોવાનો આનંદ અતુલનીય છે. એનો જે જાદુ છે એની તોલે બીજુ કાંઈ ન આવે. એ વાતે હું મારી થિયેટર ચેઈન શરૂ કરવા પ્રેરાયો. એનવાય સિનેમાઝ તરીકે શરૂ થયેલા આ સાહસને હવે દેવગન સિનેક્સ એવું નવું નામ અપાયું છે. આ નવી બ્રાન્ડ સાથે આખા ભારતમાં નવાં સિનેમાઘરો બાંધવાનો અમારો પ્લાન છે.
નવા થિયેટરોમાં નવી અત્યાધુનિક ટેકનોલોજી અપનાવી અમે દર્શકોના મૂવીજ જોવાના અનુભવને વધુ એન્ટરટેનિંગ બનાવવા ધારીએ છીએ.'


