- 'ખીચોખીચ ભરેલા હૉલમાં હું ખુલ્લેઆમ આવું શા માટે બોલું? ૨૫ વર્ષની કરીઅરમાં પહેલી વાર મારા ચારિત્ર્ય સામે આંગળી ચીંધાઈ છે'
ટીવી સિરીયલો, ફિલ્મો અને વેબ શોઝના અનુભવી એક્ટર રામ કપૂરે હાથે કરીને ઉપાધિ વહોરી લીધી છે. ૫૧ વરસના એક્ટરે મોના સિંઘ સાથેની પોતાની વેબ સિરીઝ 'મિસ્ટ્રી'ની એક પ્રમોશનલ ઈવેન્ટમાં ઓટીટી પ્લેટફોર્મની માર્કેટિંગ ટીમની મહીલા એક્ઝિક્યુટીવ્સ વિશે સેક્સી અને અશ્લીલ કમેંટ્સ કરી સૌને ચોંકાવી દીધા છે. એની આવી ગુસ્તાખી બદલ એને પછીની તમામ પ્રમોશનલ ઈવેન્ટ્સમાંથી દૂર કરી દેવાયો. એક એક્ટર માટે આથી વિશેષ નાલેશી બીજી કોઈ હોઈ ન શકે.
રામે ઈવેન્ટમાં પોતાના નામને લજવે એવી કમેંટ્સ કરી હતી. એણે કેટલીક મહીલા એક્ઝિક્યુટીવ્સના ડ્રેસ વિશે બેફામ બનીને એવી કમેંટ કરી કે તેઓ જો મારી સામે હોય ને હું એમને ન જોઉં એવું કઈ રીતે બને? કપૂરે એ ઉપરાંત માર્કેટિંગ ટીમના એક પુરૂષ એક્ઝિક્યુટીવને કિસ કરવાની પણ વાત કરી, એ સિવાય એક પત્રકાર સમક્ષ પોતાના પર ગેન્ગરેપ થતો હોવા જેવી લાગણી અનુભવવા વિશે પણ જોક માર્યો.
આ બૈલ મુઝે માર જેની બાલિશ હરકત કર્યા બાદ રામ કપૂર હવે પેટ ભરીને પસ્તાય છે. હવે કરીઅર પર કલંક લાગી ચુક્યું છે. ત્યારે કપૂરે પોતાના કેટલાક માનીતા મિડીયા પર્સન્સને પોતાના પશ્ચાતાપની દાસ્તાન સંભળાવી છે, 'સૌ પ્રથમ હું કબુલી લઉં કે મારા પર હું જે બોલ્યો હોવાનો આરોપ મુકાયો છે એ સાચો છે. હું એ બધુ બોલ્યો હતો. હું એ બદલ ગિલ્ટી (દોષી) છું. હવે મારા બચાવમાં કશુંક કહેવું છે. મને નજીકથી ઓળખતી અને મારી સાથે કામ કરી ચુકેલી દરેક વ્યક્તિ જાણે છે કે હું જેમની સાથે કમ્ફર્ટેબલ હોઉં એવા લોકો વચ્ચે ક્યારેક બિન્દાસ બની જાઉં છું. મારો ઈરાદો એ વખતે કોઈને દુભવવાનો નથી હોતો. મારો સ્વભાવ આવો જ છે. મને શોની ટીમને મારી કમેંટ્સથી મુંઝવણ થતી હોવાનો બિલ્કુલ અંદેશો નહોતો. અમે તો ઈવેન્ટમાં આખો દિવસ હસી-મજાક કરી હતી, એમને ખોટુ લાગ્યું છે એવો મને જરાક પણ સંદેશ મળ્યો હોત તો જરાક પણ સંદેશ માંગ્યો હોત તો મેં ત્યાંને ત્યાં જ એમની માફી માગી લીધી હોત.'
મિડીયા ઈન્ટરએક્શન દરમ્યાન શું બન્યું એની વિગતો આપતા કપૂર કહે છે, 'એક છોકરીના ડ્રેસ વિશે મેં એવી ટીપ્પણી કરી હતી કે એ મારું ધ્યાનભંગ કરે છે. મારે મિડીયા સામે જોઈને બોલવાનું હતું અને અમુક પુરૂષો એમાં વચ્ચે ઊભા હતા, મેં એમને ત્યાંથી થોડા ખસી જવા કહ્યું. જો મને એવું કહેવાનું અજુગતું લાગ્યું હોત તો હું મિડીયા પર્સન્સથી ખીચોખીચ ભરેલા હોલમાં ખુલ્લેઆમ આવું શા માટે બોલું? ૨૫ વરસમાં પહેલી વાર મારે ચારિત્ર્ય સામે આંગળી ચીંધાઈ છે. ત્યારે મને મારી બાજુ પણ સાંભળો એવી વિનંતિ છે.'
લુલા બચાવ બાદ સમાપનમાં રામ પુરેપુરી નરમાશ અને વિનમ્રતા સાથે દીન ભાવે કહે છે,'હવે મને અમુક વાત સમજાઈ ગઈ છે. હું આવી ખરાબ રીતે વર્તી ન શકું. મારો કોઈ બદઈરાદો નહોતો પરંતુ હકીકત એ છે કે મારાથી અડધી ઉમરના ટીમ મેમ્બરોની લાગણી દુભાઈ છે અને મારી સ્વીકારવું રહ્યું. મારા ફેન્સ જ નહિ પણ મારો પુત્ર પણ મને માન આપે છે અને મારી પાસેથી જ વાત કહેવી છે કે મારા પર (ખોટી) શંકા ન કરો. ઓટીટી પ્લેટફોર્મને અમુક વાતો ખોટી લાગી અને એમણે એક્શન લીધી. તેઓ એમની રીતે સાચા છે અને હું એમને એ માટે દોષ નથી દેતો. એમાંથી મને બોધપાઠ મળશે. હું એમના નિર્ણયનો આદર કરું છું. અને એ દિવસે જેમનું દિલ દુભાયું છે એ દરેક ટીમની માફી કઈ રીતે માગવી એ વિચારી રહ્યો છું.'


