Get The App

આ 7 અદ્ભુત એકટર્સને કારણે વેબ શોઝે બાજી મારી

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
આ 7 અદ્ભુત એકટર્સને કારણે વેબ શોઝે બાજી મારી 1 - image

વીતેલા વરસમાં કેટલીક મલ્ટિસ્ટારર અને બિગ બજેટ ફિલ્મોએ આપણને નિરાશ કર્યા પણ ઓટીટીએ જલસો કરાવી દીધો. વેબ સીરિઝમાં ભરપૂર નવી કન્ટેન્ટ જોવા મળી. ભારતના ઓટીટી પ્લેટફોર્મસે જકડી રાખતા ક્રાઈમ થ્રિલર્સથી માંડી રાજકારણના કાવાદાવા અને ઘટનાપ્રચુર ડ્રામા સુધીની વરાઇટી પીરસી. એ દ્રષ્ટિએ ૨૦૨૫ને ભારતના ઓટીટી કન્ટેન્ટનું સીમાચિન્હસ વરસ કહી શકાય. એકટર્સના અફલાતુન પરફોર્મન્સીસને કારણે વેબ શોઝ એકદમ જીવંત બની ગયા અને દર્શકો વેબ સીરિઝના દરેક એપિસોડ વધુને વધુ ઉત્સુકતા સાથે જોતા થયા. આખા વરસ દરમિયાન વેબ શોઝે જે ધુમ મચાવી એમાં એના એકટર્સનો ફાળો સૌથી અહમ હતો. એકટર્સે પોતાના પાત્રો એટલા ઊંડાણ અને ઓથેન્ટિસિટી સાથે ભજવ્યા કે ડિજિટલ મીડિયમમાં સ્ટોરીટેલિંગ એક વધુ ઊંચા શિખર પર પહોંચી ગઈ. આજે એવા ચુનંદા એકટર્સ વિશે વાત કરીએ, જેમની અદાકારી આપણે વરસો સુધી ભૂલી નહીં શકીએ:

૧. જયદીપ અહલાવત: 

વેબ સીરિઝ 'પાતાલ લોક' અને જયદીપ અહલાવત એકબીજાના પર્યાયવાચી શબ્દ બની ગયા છે. ઈન્સ્પેક્ટર હઠીરામ ચૌધરીના રોલને અહલાવતે પાતાલ લોકની સીઝન-૨ માં પણ એક મુખ્ય આકર્ષણ બનાવી દીધો. સમીક્ષકોએ તો ત્યાં સુધી કહી દીધું કે એનું પરફોર્મન્સ પાવરફુલ એક્ટિંગનો એક અધ્યાય બની ગયું છે. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૫થી શરૂ થયેલી બીજી સીઝનમાં જયદીપે પોતાના પાત્રને વધુ ઊંડાણ આપ્યું. પોલીસ તંત્રની બેપરવાઈ વચ્ચે લોકો માટે ન્યાય મેળવવા ઝઝુમતા દિલ્હીના પોલીસ ઓફિસરને અહલાવતે દર્શકોના દિલો પર રાજ કરતો કરી દીધો. એની ઉત્કટ લગનીએ એને ૨૦૨૫ના ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ અપાવ્યો.

૨. હુમા કુરેશી:

 હુમા કુરેશી 'મહારાજા સીઝન ૪'માં રાની ભારતીના રૂઆબ અને ઠસ્સા સાથે પાછી ફરી. નવેંબર, ૨૦૨૫થી સ્ટ્રીમ થવા માંડેલા પોલિટિકલ ડ્રામામાં ગામડાની એક સામાન્ય ગૃહિણીમાંથી બિહારની પાવરફુલ ચીફ મિનિસ્ટર બની ગયેલી રાની રાષ્ટ્રીય સ્તરના રાજકારણમાં ઝંપલાવતી જોવા મળી. આ રૂપાંતરને હુમાએ જે સહજતા અને શ્રેષ્ઠતા સાથે જીવંત કર્યું છે એને કારણે રાની ભારતી ઓટીટીનું એક શક્તિશાળી મહિલા પાત્ર બની ગયું છે. આ સીઝનમાં રાનીની મહત્ત્વાકાંક્ષા એને દિલ્હીમાં વડા પ્રધાન સાથે સીધા સંઘર્ષ ઉતરવા પ્રેરે છે. હુમાએ શોના દરેક એપિસોડમાં પાત્રના પોલાદી મનોબળનો પરિચય કરાવ્યો છે.

૩. મનોજ બાજપેયી: 

'ધ ફેમિલી મેન સીઝન ૩'માં મનોજ બાજપેયીના શ્રીકાંત તિવારીના પાછા ફરવાની રાહ જોતા લોકોના ઈન્તઝારનો નવેંબર, ૨૦૨૫માં પૂરો થયો. બાજપેયીએ ફરી એકવાર પુરવાર કર્યું કે એને શા માટે ભારતના બેસ્ટ એકટર્સ પૈકીનો એક ગણવામાં આવે છે. શોમાં એકટરે મધ્યમ વર્ગના એક પરિવારપ્રેમી ગૃહસ્થ અને ઉચ્ચ ઇન્ટેલીજન્સ ઓફિસર વચ્ચેના સંતુલનનું અદ્ભુત રીતે ચિત્રણ કરી બતાવ્યું છે. બાજપેયીના પરફોર્મન્સમાં દેશને બચાવવા જીવ હથેળી પર લઈને નીકળેલા ઓફિસરની પોતાના કુટુંબને વિખેરાતું બચાવવવા માટેની મથામણ આબેહુબ ઝીલાઈ છે. એને કારણે મનોજની અદાકારી વરસ દરમિયાન એક બહુચર્ચિત વિષય બની રહી.

૪. ઝહાન કપૂર:

 ૧૦મી જાન્યુઆરી ૨૦૨૫ થી શરૂ થયેલા વેબ શો 'બ્લેક વોરંટ'માં ઝહાન કપૂરનું કામ એક આશ્ચર્ય બની રહ્યું. તિહાર જેલના એક સુપરિટેન્ડન્ટના સંસ્મરણો પર આધારિત સીરિઝમાં શશી કપૂરના પૌત્ર ઝહાને પોતાની એક્ટિંગની રેન્જના દર્શન કરાવ્યા. પૃથ્વી થિયેટરમાં નાટકો ભજવીને ઘડાયેલા આ એક્ટરના પરફોર્મન્સે જેલની અંધારી અને ક્રુર દુનિયા વચ્ચે રહીને સતત મૂંઝવણ અનુભવતા ેક યુવાન જેલરના પાત્રને વાસ્તવિક બનાવી દીધું. એની સંવેદના દર્શકોને સ્પર્શી ગઈ. વરસોની સ્ટ્રગલ બાદ ઝહાનની ટેલેન્ટની નોંધ લેવાઈ.

૫. સયાની ગુપ્તા: 

સયાની ગુપ્તાએ કુસુમના રોલમાં ફરી એકવાર 'દેલ્હી ક્રાઈમ સીઝન ૩'માં પ્રભાવી પરફોર્મન્સ આપ્યું. સયાનીએ પોતાના પાત્રની નૈતિક જટિલતાની સાથોસાથ એના જીવનમાં ચુપચાપ આવતા રૂપાંતરને જીવી ગઈ છે. મોટા ક્રાઈમ નેટવર્ક અને એની હિંસક દુનિયા વચ્ચે જીવની અને ઝઝુમતી સ્ત્રીને એક્ટરે પોતાના સંયમિત અભિનયથી સાકાર કરી બતાવી. 'દેલ્હી ક્રાઈમ'ની આ સીઝનમાં મોટી પાવરફુલ કાસ્ટ વચ્ચે સયામીએ પોતાના પરફોર્મન્સની નોંધ લેવડાવી. એટલે જ સીરિઝના એપિસોડ્સ પુરા થયા બાદ પણ લોકોના મગજમાં કુસુમ ઘુમતી રહે છે.

૬. રાઘવ જુયાલ:

 'બેડ્સ ઓફ બોલિવુડ'થી રાઇટર-ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરનાર આર્યન ખાનના જેટલા વખાણ થયા એટલી જ પ્રશંસા વેબ શોમાં રાઘવ જુયાલના પરફોર્મન્સની પણ થઈ. સપ્ટેંબર, ૨૦૨૫માં નેટફ્લિક્સ પર ભારે ઝાક ઝમાળ સાથે શોનું પ્રીમિયર યોજાયું, જેમાં લગભગ આંખુ બોલિવુડ ઉમટયું હતું. આ સીરિઝ જોઈને લોકો રાઘવના હોસ્પિટંગ અને ડાન્સિંગ બેકગ્રાઉન્ડને કોરાણે મૂકી એની ડ્રામેટિક એક્ટિંગની ચર્ચા કરતા થઈ ગયા. દર્શકોને સ્ક્રીન પર જકડી રાખતા શોમાં એક્ટરે પોતાની વર્સેટિલિટી અને જોખમ લેવાની તૈયારીનો પુરાવો આપ્યો. રાઘવે દેખાડયું કે મારામાં એક ટેલેન્ટેડ ડાન્સર અને એન્ટરટેઈનર કરતા આપવા માટે બીજુ ઘણું બધું છે.

૭. તિલોત્તમા શોમ: 

આ વર્સેટાઈલ એકટ્રેસ પાતાલ લોકની દુનિયાની સીઝન-૨ માં એક પાવરફુલ ઉમેષ્ણ બની રહી. અભિનયમાં બારીકીઓ લાવવા માટે જાણીતી તિલોતમા શોમે ભારતીય સમાજની અંધારી બાજુમાં લઈ જતી વખણાયેલી વેબ-સીરિઝમાં આકર્ષણ અને ઊંડાણ ઉમેર્યું. એનું પાત્ર જયદીપ અહલાવતના આઇકનિક હઠીરામ ચૌધરીના કેરેક્ટરનું પૂરક બની રહ્યું. તિલોતમા પોતાના પાત્રમાં નવા લેયર્સ (પડ) લઈ આવી.