- 'આજે આપણે વિદેશી ફિલ્મો જોઈએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે આ જ ખરી ફિલ્મો છે. આપણે આપણું સાહિત્ય વાંચવું જોઈએ, નહીં કે ઓપનિંગ અને વીકએન્ડના આંકડાઓ...'
વર્ષો સુધી ૭૦ એમએમના પડદા માટે સર્જન કરનાર નિખિલ અડવાણી છેલ્લા કેટલાક સમયથી ઓટીટી પર છવાઈ રહ્યાં છે. ખાસ કરીને ઐતિહાસિક સીરિઝો બનાવીને તેઓ આજની યુવાપેઢીને આપણો ભૂતકાળ યાદ અપાવવા માગે છે. તાજેતરમાં તેમની 'ફ્રીડમ એટ મિડનાઈટ-૨' રજૂ થઈ. તેનાથી પહેલાં તેઓ 'રોકેટ બોયઝ', 'ધ અમ્પાયર' બનાવી ચૂક્યાં છે. આગામી સમયમાં તેમની વધુ એક સીરિઝ 'ધ રિવોલ્યૂશનરીઝ' આવવાની છે. આમ નિખિલ અડવાણી આપણા સ્વાતંત્ર્યને લગતાં ઈતિહાસ પર ફોકસ કરી રહ્યાં છે.
ફિલ્મ-સીરિઝ સર્જક આ બાબતે કહે છે કે, 'મને ઈતિહાસને લગતાં પોડકાસ્ટ સાંભળવાનું, ઈતિહાસનાં પુસ્તકો વાંચવાનું અત્યંત પ્રિય છે. હું એવું કામ કરવા માગું છું જેથી આજના લોકોને, ખાસ કરીને મારી ૧૯ વર્ષની પુત્રી સહિતની યુવાપેઢીને આપણો ઈતિહાસ યાદ રહે.' તેઓ વધુમાં કહે છે કે મારો પરિવાર મૂળ૦ભૂત રીતે સિંધ અને કરાંચીનો છે. મારા દાદા-દાદીને ભાગલા વખતે કેવી કેવી હાલાકીઓનો સામનો કરવો પડયો હતો તે મેં સાંભળ્યું હતું તેથી મેં 'ફ્રીડમ એટ મિડનાઈટ' બનાવી. જ્યારે 'રિવોલ્યુશનરીઝ' સંજીવ સાન્યાલના પુસ્તક પર આધારિત છે. મહાત્મા ગાંધીથી પહેલાંના ક્રાંતિકારીઓમાં તેમનું નામ સામેલ છે. પરંતુ આ સીરિઝ 'ફ્રીડમ એટ મિડનાઈટ' કરતાં ઘણી જુદી છે. તેમાં પાંચ ગીત, એક્શન દ્રશ્યો અને લવ સ્ટોરી પણ છે. એમ સમજી લો જાણે હું આ સીરિઝ મનોજકુમારની જેમ બનાવી રહ્યો છું.
નિખિલ અડવાણીએ તેમની કારકિર્દીના આરંભમાં સઇદ મિર્ઝા, સુધીર મિશ્રા અને પછીથી કરણ જોહર, આદિત્ય ચોપરા જેવા તદ્દન વિરોધાભાસી ધારાઓના સિનેમા સર્જકો સાતે આસિસ્ટંટ તરીકે કામ કર્યું. આમ નિખિલની ભીતર આવા બંને પ્રકારના ફિલ્મકારો આકાર પામ્યાં. પછીથી તેમની ફિલ્મોમાં આ ચારેય ફિલ્મ સર્જકોનો આભાસ જોવા મળ્યો. પોતે ફિલ્મોમાં આટલી હદ સુધી શી રીતે ખૂંપી ગયા તેના વિશે નિખિલ કહે છે કે મને હમેશાંથી ફિલ્મો જોવાનું ગાંડપણ હતું. હું એક દિવસમાં પાંચથી છ ફિલ્મો જોતો. તેને કારણે હું બારમા ધોરણમાં નાપાસ પણ થયો. પરંતુ મારી અંદર સત્યજીત રે, શ્યામ બેનેગલ, રમેશ સિપ્પી, યશ ચોપરા જેવા સર્જકો ઘર કરી ગયા. જોકે પછીથી મેં મારા અભ્યાસ પર ફોકસ કર્યું. અને અભ્યાસ પૂર્ણ કર્યા પછી દેશ-દુનિયાને બદલવાના જોશ સાથે સઈદ મિર્ઝા અને સુધીર મિશ્રાના ચરણ પકડી લીધાં. આ બંને ફિલ્મ સર્જક ખરા અર્થમાં મારા ગુરૂ છે. આજેય કોઈપણ સર્જન કરતી વખતે મને સાહજિકપણે જ એવા વિચારો આવી જાય કે મારા સ્થાને આ બંને ફિલ્મ સર્જકો હોત તો શું કરત. અલબત્ત, કરણ જોહર અને યશ ચોપરાના બેનર મારા માટે પ્રોડક્શન વિષયક શાળા જેવા બની રહ્યા. આમ હું વૈવિધ્યસભર ફિલ્મો બનાવતાં, બંને પ્રકારને એક જ કહાણીમાં સમાવી લેતાં શીખ્યો.
તેઓ દિવંગત ઇરફાન ખાનની એક વાત સંભારતા કહે છે કે તેમણે જ્યારે 'ડી ડે'માં કામ કરવાની તૈયારી બતાવી ત્યારે તેમણે મને કહ્યું હતું કે તું તો આ ફિલ્મમાં પણ ગીત નાખી દઈશ. તું આટલો રિયાલિસ્ટિક શી રીતે થઈ શકે છે?
આ ફિલ્મ સર્જકે ત્રણ ત્રણ દશક સુધી સિનેમા બનાવીને દર્શકોનું મનોરંજન કરવા સાથે પોતે પણ કીર્તિ-કલદાર રળ્યાં. પણ હવે તેઓ નવા સર્જકોને સાથ આપીને તેમને આગળ લાવવા માગે છે. તેઓ કહે છે કે આ ઇન્ડસ્ટ્રીએ મને ઘણું આપ્યું છે. હવે સમય પાકી ગયો છે કે હું ઇન્ડસ્ટ્રીને પાછું આપું. આ વિચાર સાથે જ હું નવા લેખકો અને દિગ્દર્શકોને સહકાર આપી રહ્યો છું. અમે 'સાબર બોંડા' જેવી ફિલ્મ બનાવી. અમે લેખકોને મજબૂત બનાવવા રાઈટર્સ રેસિડેન્સી પ્રોગ્રામ બનાવ્યો હતો. હું હવે ઇન્ડસ્ટ્રીને મજબૂત બનાવવા બનતા પ્રયાસો કરી રહ્યો છું.
નિખિલ અડવાણીને અચ્છા સર્જક બનાવવામાં તેમના વાંચને મહત્વની ભૂમિકા ભજવી છે. તેમને એમ લાગે છે કે ફિલ્મ સર્જકોએ ખૂબ વાંચવું જોઈએ. તેઓ યશ ચોપરાનું ઉદાહરણ આપતાં કહે છે કે સાહિર લુધિયાનવીની સઘળી કવિતાઓ તેમની જીભે રમતી. વાસ્તવમાં યશ ચોપરા કવિહૃદય હતા. હું ખુશનસીબ છું કે મને તેમની સાથે કામ કરવાની તક મળી. ફિલ્મ સર્જક વધુમાં કહે છે કે આજે આપણે વિદેશી ફિલ્મો જોઈએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે આ જ ખરી ફિલ્મો છે. પરંતુ મારા મતે આપણને આપણું સાહિત્ય વાંચવું જોઈએ, વિશ્વ સિનેમા પર નજર રાખવી જોઈએ, નહીં કે ઓપનિંગ અને વીકએન્ડના આંકડાઓ પર.


