Get The App

વામિકા ગબ્બી આઉટસાઇડર હોવાના રોદણાં રડે છે

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
વામિકા ગબ્બી આઉટસાઇડર હોવાના રોદણાં રડે છે 1 - image


- 'જો તમે ફિલ્મી પરિવારનું ફરજંદ ન હોત તો તમારે અહીં સતત ચિંતામાં રહેવું પડે. મારા જેવા આઉટસાઇડર્સનું મૂલ્યાંકન તેમના છેલ્લા પ્રોજેક્ટની સફળતા કે નિષ્ફળતા અનુસાર કરવામાં આવે છે' 

અભિનેત્રી વામિકા ગબ્બી હમણાં તેની 'ભૂલચૂક માફ'ની (આંશિક) સફળતા માણી રહી છે. પરંતુ તે કહે છે કે આ ખુશી મને લાંબો સમય રાહ જોયા પછી મળી છે. જોકે વર્ષ ૨૦૨૩માં આવેલી તેની વેબ સીરિઝ 'જ્યુબિલી'એ વામિકાને ખાસ્સી લોકપ્રિયતા અપાવી હતી. આમ છતાં 'જ્યુબિલી' પછી પણ તેને અપેક્ષા મુજબ કામ નહોતું મળ્યું.

અદાકારા કહે છે કે 'જ્યુબિલી'ને પગલે મને મળેલી ખ્યાતિએ મારા આત્મવિશ્વાસમાં ધરખમ વૃધ્ધિ કરી હતી. આમ છતાં તેની સફળતા મને કામ અપાવવામાં સફળ નહોતી થઈ. એવું નથી કે મને તેના પછી ઑફરો નહોતી મળી. મને કેટલીક ઑફરો મળી હતી, પરંતુ તેમાં મને રિજેક્શનનો સામનો કરવો પડયો હતો. પહેલા તો મને સમજાયું નહોતું કે મને મળેલી સઘળી ઑફરોમાં રિજેકશન શા માટે મળ્યું. પણ ધીમે ધીમે મને તેની પાછળના કારણો પણ સમજાવા લાગ્યાં. આમ 'જ્યુબિલી'ની સફળતાએ મારા માટે કોઈ જાદુ નહોતો પાથર્યો.

વામિકા ફિલ્મોદ્યોગની વાસ્તવિકતા પર પ્રકાશ ફેંકતા કહે છે કે તમને ઇન્ડસ્ટ્રીમાં ખેલાતી રમતો, રાજકરણ, રિજેક્શન પાછળના કારણો સમજાય ત્યારે તમે ચોંકી ઉઠો. મહત્વની વાત એ છે કે તેની પાછળ એક કે બે નહીં, સંખ્યાબંધ કારણો છૂપાયેલાં હોય છે. તમને પડદા પર દેખાવું હોય તો તમારા માર્ગમાં આવતી સઘળી અડચણો એક પછી એક પાર કરવી પડે. વાત અહીં નથી અટકતી. ત્યાર પછી તમને બીજી તક મળે તેની શાંતિથી રાહ જોવાની હોય. અને મોકો મળતાં જ તમારું કૌવત પુરવાર કરી બતાવવું પડે. આમ દર વખતે તમને નવેસરથી એકડો ઘૂંટતા હો એ રીતે તમારી ટેલેન્ટ પુરવાર કરવી પડે. અદાકારા એમ કહેવામાં જરાય સંકોચ નથી કરતી કે જો તમે ફિલ્મી પરિવારમાંથી નથી આવતાં તો તમને સતત ચિંતામાં રહેવું પડે. ફિલ્મી પરિવારથી ન હોય એવા કલાકારોને તેમના છેલ્લા પ્રોજેક્ટની સફળતા કે નિષ્ફળતા અનુસાર આંકવામાં આવે. આમ છતાં તેમને બીજી તક ન મળવાની સંભાવના વધારે હોય. અને જ્યારે તેમને અવસર મળે ત્યારે તેમણે શ્રેષ્ઠ કામ આપવાનો પ્રયાસ કરવો રહ્યો. હું પણ તેમાં અપવાદ નથી. 

Tags :