વિશાલ જેઠવા : હું ઉત્સાહિત પણ હતો, થોડો નર્વસ પણ હતો
- 'મારી 'હોમબાઉન્ડ' ફિલ્મ કાન ફિલ્મ ફેસ્ટિવલ જવાની છે તે વાત સાંભળીને મારી માતા તો રડવા લાગી હતી. એક બેકગ્રાઉન્ડ ડાન્સરથી કાન સુધીની મારી ઘણી લાંબી સફર રહી છે'
બોલિવૂડના ફિલ્મસર્જક કરણ જોહરની ફિલ્મ 'હોમબાઉન્ડ'ની ૭૮મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ખૂબ વખાણ થયા. ઈશાન ખટ્ટર અને જ્હાન્વી કપૂરની આ ફિલ્મમાં એક ગુજરાતી કલાકાર વિશાલ જેઠવા પણ છે. પોતાની ફિલ્મ કાન ફેસ્ટિવલમાં જવાની છે તેની જાણ થતાં એ દેખીતી રીતે જ ખુશખુશાલ થઈ ગયો હતો.
આ સંદર્ભે વિશાલ કહે છે, 'મને કાન ફેસ્ટિવલ વિશે ખબર હતી, પણ હવે તો હું તેનું મહત્ત્વ સમજી રહ્યો છું. આ સંદર્ભે મને ઘણા બધા ફોન આવે છે અને સાથે મેસેજનો પણ ધોધ વહી રહ્યો છે. સાચી વાત કહું તો હું અત્યારે શું અનુભવી રહ્યો છું એ જાણ જ નથી. અલૌકિક લાગણી થઈ રહી છે. મને યાદ છે, હું કાન જવા માટે પણ ઉત્સુક પણ હતો અને નર્વસ પણ હતો. મને ખબર નહોતું કે આ બધું કેવી રીતે પાર પડશે.'
ત્રીસ વર્ષીય વિશાલની આ સિધ્ધિ તેના સોળ વર્ષના સખત પરિશ્રમનું પરિણામ છે. વિશાલ ભારપૂર્વક કહે છે, 'મેં ૨૦૦૯માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે મારી કારકિર્દીનો પ્રારંભ કર્યો. મને ક્યારેય કોઈની ઈર્ષા આવી નથી, પરંતુ મેં જે ઇચ્છ્યું છે તે મેળવ્યું છે. મૈંને ઔર મેરી મોમને મન્નતેં માગી થી. મુઝે યે ફિલ્મ 'હોમબાઉન્ડ' મિલ જાયે, જો મુઝે મિલી.'
આ સાથે જ વિશાલ ઉમેરે છે, 'કાનની સિધ્ધિ માટે મેં જે પહેલી વ્યક્તિ સાથે વાત કરી તે મારી માતા હતી. મારી માતા તો આ વાત સાંભળી રડવા લાગી હતી, કારણ કે એક બેકગ્રાઉન્ડ ડાન્સરથી કાન સુધીની મારી એક ઘણી લાંબી સફર રહી છે. '
એમ કહી વધુમાં ઉમેરે છે, 'નીરજ ઘેવાન દિગ્દર્શિત આ ફિલ્મના કેન્દ્રમાં મિત્રતા છે.'
વિશાલ ભારપૂર્વક ઉમેરે છે, 'ભલે મેંે મર્દાનગી-૨ (૨૦૧૯)થી સુંદર શરૂઆત કરી હોય, પરંતુ તે પછીની ફિલ્મો સામાન્ય હતી. એમાં મેં જે રોલ્સ કર્યા તેમાંથી ઝાઝું કૌવત બહાર નહોતું આવ્યું. જો કે એ ફિલ્મો વિવેચકોએ વખાણી, પણ આ ફિલ્મો પ્રેક્ષકો સુધી પહોંચવામાં નિષ્ફળ નીવડી હતી. આ ફિલ્મો ઝાઝી ચાલી પણ નહીં.'
પણ વિશાલની આ ફરિયાદ સંભવત: 'હોમબાઉન્ડ'થી પૂરી થઈ જશે.
'ખરું કહું તો 'હોમબાઉન્ડ' ફિલ્મ મારા માટે તો મારા કામ અને મારા વ્યક્તિત્વની વધુ નિકટ રહી છે. આટલું જ નહીં, આ ફિલ્મે તો મને વધુ લોકો સુધી પહોંચવાની મને તક પૂરી પાડી છે. આ ઉપરાંત હું કંઈ વન-હિટ વંડર બનવા નહીં, પણ ઇન્ડસ્ટ્રીમાં કાયમ વસવાટ કરવા આવ્યો છું,' કહીને વિશાલ જેઠવાએ સમાપન કરે છે.