વિશાખા સિંહઃ કાશ્મીરનો નવો ચહેરો દર્શાવવાના 'ઇનામ'ની હકદાર બનશે?

- વિશાખા સિંહને લોઢાના ચણા ચાવવાની નોબત આવી હતી છતાં સંખ્યાબંધ સમસ્યાઓ ને પાર કરીને તેણે કાશ્મીરના ફૂટબોલ ક્લબની મૂળ કહાણી પડદા પર મૂકીને પોતાના લોખંડી મનોબળનો પરચો બતાવી દીધો.
ફિલ્મોમાં અત્યાર સુધી કાશ્મીરના બે અંતિમ છેડા બતાવવામાં આવ્યા છે. એક ધરતીનું સ્વર્ગ અને બીજો આતંકવાદ. શું આનો અર્થ એવો થયો કે કાશ્મીરમાં તેના સિવાય કશું નથી? આનો જવાબ 'ફૂટબોલ ક્લબ' વેબ સીરિઝમાં મળે છે.
આ વેબ સીરિઝમાં કાશ્મીરમાં સૌ પ્રથમ પ્રોફેશનલ ફૂટબોલ ક્લબ બનાવવાની વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે 'કાશ્મીર ફૂટબોલ ક્લબ'ને આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સ ૨૦૨૭માં બેસ્ટ ડ્રામા કેટેગરીમાં નામાંકન મળ્યું છે. અલબત્ત, 'ફુકરે'ની અભિનેત્રી અને આ વેબ શોની નિર્માત્રી વિશાખા સિંહને આ કાર્ય પાર પાડવા લોઢાના ચણા ચાવવાની નોબત આવી હતી. આમ છતાં સંખ્યાબંધ સમસ્યાઓ અને પડકારોને પાર કરીને તેણે કાશ્મીરના ફૂટબોલ ક્લબની મૂળ કહાણી પડદા પર મૂકીને પોતાના લોખંડી મનોબળનો પરચો બતાવી દીધો.
વિશાખા કહે છે કે હું દર્શકોને કાશ્મીરનો ઉમ્મીદભર્યો નવો ચહેરો બતાવવા માગતી હતી. લોકો સુધી એ વાત પહોંચવી જ જોઈએ કે કાશ્મીર એટલે માત્ર સ્વર્ગ સમું સુંદર અથવા ડરામણું આતંકવાદ જ નહીં, કાંઈક નવું કરી બતાવવા ઉત્સાહી યુવાઓનું સ્થળ પણ છે. ૨૦૧૯માં મારા મિત્ર અને આ સીરિઝના લેખક ઉમંગ વ્યાસ તેમ જ સિમાબ હાશ્મીએ મને તેની કહાણી સંભળાવી હતી. માત્ર ત્રણ વર્ષ પહેલા બનેલી આ ફૂટબોલ ક્લબ મોટી મોટી ક્લબોને હરાવી રહી છે. તે વખતે મને એમ લાગ્યું કે આ વાત લોકો સુધી પહોંચવી જ જોઈએ. તે વખતે ફેબુ્રઆરી મહિનાની માઇનસ છ ડિગ્રી ઠંડીમાં તેઓ કાશ્મીરમાં રિસર્ચ માટે ગયા. ત્યાંથી તેમણે મને મેચના વીડિયો મોકલ્યા. વીડિયોમાં મેં જોયું કે આવી હાડ થીજાવી દેતી ઠંડીમાં શ્રીનગરના યુવાનો થરથર કાંપતા પણ મેચ જોઈ રહ્યા હતા. આખું સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું. લોકો રીઅલ કાશ્મીરના ગીતો ગાતાં હતાં. મારા માટે કાશ્મીર વિશેનું આ દ્રશ્ય તદ્દન નવું હતું. અને મારો આ સીરિઝ બનાવવાનો ઇરાદો વધુ મજબૂત બન્યો. મારી સાથે 'દિલ્હી ક્રાઇમ' ફેમ મારા મિત્ર ક્લિયન કેરવિન અને દિગ્દર્શક મહેશ મથાઈ મારી સાથે જોડાયા ત્યારે મને લાગ્યું કે હું સાચી દિશામાં આગળ વધી રહી છું.
અમારી સામે પડકારોની વણઝાર હતી. કોરોના
કાળ પછી આ સિરીઝમાં રોકાણ કરનારાઓ ખસી ગયા. અને અમે કોઈ ઓટીટી પાસેથી પૈસા ન લીધાં. કાશ્મીર વિશે લોકો ચોક્કસ દિશામાં જ વિચારે છે. જો અમે ઓટીટીને રોકાણ કરવાનું કહેત તો કદાચ અમને આ શોની કહાણીમાં સનસનાટી ઉમેરવાનું કહેવામાં આવત. જ્યારે અમે માત્ર ફૂટબોલની કહાણી જ રજૂ કરવાના પક્ષમાં હતા. અમને કાશ્મીરના યુવાનોની, ત્યાંના સામાન્ય જીવનની, બાળકોને શાળામાં જતાં બતાવવાની, લોકો ખાવા-પીવા બહાર નીકળી રહ્યા છે તે પાસાં બતાવવાની ઇચ્છા હતી. રીઅલ કશ્મીર ફૂટબોલ ક્લબના સંસ્થાપકો પત્રકાર શમીર મેરાજ અને બિઝનેસમેન દિવંગત સંદીપ ચટ્ટૂએ અમારા ઉપર જે ભરોસો રાખ્યો હતો તેમની સાથે અમે વિશ્વાસઘાત શી રીતે કરી શકીએ? અમારા માટે વર્ષ ૨૦૨૩નો અંતિમ દિવસ મોટી ખોટ લઈને આવ્યો. તે દિવસે સંદીપ ચટ્ટૂનું નિધન થયું. તે વખતે અમને લાગ્યું કે હવે આ સીરિઝ બનાવવાનું સંભવ નથી. પરંતુ તેમના આશીર્વાદથી જ આ શો બન્યો અને દર્શકોએ તેને વધાવી પણ લીધો. અને હવે આ શોને એમી એવોર્ડ્સ માટે નામાંકન મળ્યું ત્યારે એમ લાગે છે કે ઇશ્વર પણ અમારી સાથે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિશાખા સિંહે બોલીવૂડમાં 'ખેલે હમ જી જાન સે', 'ફુકરે' સહિત દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એ કહે છે કે ૨૦૧૨-૨૦૧૪ દરમિયાન મેં હિન્દી અને દક્ષિણ ભારતની મળીને ચૌદેક ફિલ્મો કરી. પણ ત્યાર પછી મને સારી ફિલ્મોની ઓફરો નહોતી મળતી. અને મને કરવા ખાતર કોઈ ફિલ્મ નહોતી કરવી. છેવટે મેં વર્ષ ૨૦૧૫માં અભિનય છોડવાનો નિર્ણય કર્યો. મહત્ત્વની વાત એ છે કે મારા માટે આ નિર્ણય ફળદાયી નીવડયો.
ગુડ લક, વિશાખા.




