- 'અમુક વ્યક્તિઓ આજે જે મુકામ પર પહોંચી છે એ એમના કામની ક્વોલિટી અને એમની નિષ્ઠાને આભારી છે. સફળતા કોઈને સહેલાઈથી મળતી નથી...'
વિક્રાંત મેસ્સી, નીતેશ તિવારીની બિગ બજેટ અને મલ્ટી સ્ટારર ફિલ્મ 'રામાયણ'ને લઈને હંમણાં ચર્ચામાં છે. મિડીયામાં એવા રિપોર્ટ્સ વહેતા થયા હતા કે રામાયણમાં વિક્રાંત મેઘનાદનો રોલ કરવાનો હતો, પણ હવે એની જગ્યાએ 'બાર્ડ્સ ઓફ બોલિવુડ' ફેમ રાઘવ જુયાલ ગોઠવાઈ ગયો છે મેસ્સીએ આવા રિપોર્ટ્સને રદીયો આપી એવી સ્પષ્ટતા કરી છે કે હું કદી ફિલ્મનો ભાગ હતો જ નહીં.
વિક્રાંત એક પુરૂષાર્થી એક્ટર છે. ટીવી સિરીયલોથી શરૂ કરી વિધુ વિનોદ ચોપરાની ક્લાસિક ફિલ્મ 'ટ્વેલ્થ ફેલ'ના નેશનલ એવોર્ડ વિનિંગ લીડ એક્ટર તરીકે એણે લાંબી મજલ કાપી છે. ૩૮ વરસના એક્ટરે હમણાં એક ઈવેન્ટમાં પસંદગીના પત્રકારો સાથે પોતાના સંસ્મરણો અને અનુભવો શેયર કર્યાં. ટીવી શોઝમાંથી ફિલ્મોમાં પદાર્પણને પોતાના કરીઅરનું એક મોટું પગલું ગણાવતા વિક્રાંત કહે છે, ''બાલિકા વધૂ' જેવી પોપ્યુલર સિરીયલમાં મેં મારી કામની નોંધ લેવડાવી હોવા છતાં મારે ફિલ્માંમાં પ્રવેશ કરતી વખતે લોકોના સંદેહનો સામનો કરવો પડયો. ઈન્ડસ્ટ્રીમાં પહેલેથી એવો ખોટો ખ્યાલ પ્રવર્તે છે કે ટીવીના એક્ટર્સ સારો અભિનય નથી કરી શકતા. મને એ વાતનું બહુ આશ્ચર્ય થયું હતું અને મનમાં એવો વિચાર આવ્યો હતો કે આવી ગેરસમજ ધરાવતા મહાનુભાવો જાણતા નથી કે નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, ઈરફાન અને શાહરૂખ ખાન જેવા બધાએ પણ ટીવીમાંથી જ પા-પા પગલી ભરી હતી.
શો બિઝનેસમાં પોતાની એન્ટ્રી વિશે વાત કરતાં વિક્રાંત એકદમ નિખાલસ બનીને કહે છે, 'પૈસા કમાવા માટે હું ૧૬ વરસની વયે ઘરની બહાર નીકળી ગયો હતો. મારું લક્ષ્ય બહુ સીધું અને સરળ હતું- ભણવા માટે, એક ઘર ખરીદવા માટે અને મહિને ૧ લાખ સુધીની આવક મેળવતો થાઉં ત્યાં સુધી હું જંપ વાળીને બેસીશ નહીં. હું મુંબઈના પરા અંધેરીમાં ઉછેર્યો છું, જ્યાં મેં બાળપણમાં ઘણી ફિલ્મોના શૂટિંગ જોયા છે. લોકોની ભીડ વચ્ચે ઊભો રહી જેકી શ્રોફ, અનિલ કપૂર અને સંજય દત્તને બાળસહજ મુગ્ધતા સાથે એકીટશે જોઈ રહેતો. શૂટિંગના સ્પોટ પર ઝળાહળા થતી લાઈટ્સ, વોકીટોકીઝ અને સ્ક્રીપ્ટ લઈ દોડતા લોકોને જોઈ મંત્રમુગ્ધ થઈ જતો.'
લગભગ બે દશકથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો માર્ગ કંડારતો આવેલો મેસ્સી એક ખ્રિસ્તી પરિવારમાં જન્મ્યો અને ઉછેર્યો છે. એનો પરિવાર મૂળ સિમલાનો વતની છે. બોલિવુડમાં પોતાને જે શીખવા મળ્યું છે એ શેયર કરતાં વિક્રાંત કહે છે, 'હું મારા ૨૧ વરસના અનુભવ પરથી એટલું કહી શકું કે અમુક વ્યક્તિઓ આજે જે મુકામ પર પહોંચી છે એ એમના કામની ક્વોલિટી અને એમની નિષ્ઠાને આભારી છે. સફળતા કોઈને સહેલાઈથી નથી મળતી, તમારે એ માટે એકધારું કામ કરવું પડે છે. એક્ટર તરીકે તમારે સારું પરફોર્મ કરી દરેક રોલ માટે મજબૂત સ્પર્ધક બનવું પડે. હા, ઈન્ડસ્ટ્રીમાં આઉટસાઈડર - ઈન સાઈડર જેવોપક્ષપાત પ્રવર્તે છે પણ એ તમને શરૂઆતમાં જ નડે. તમારી ગાડી ચાલી નીકળે પછી આવો કોઈ ભેદભાવ નડતો નથી.'


