વિક્રાંત મેસી: વિરામ લીધો છે, વિદાય નથી લીધી
બોલીવૂડના વ્યસ્ત વિશ્વમાં, જ્યાં નજરની બહાર રહેનારા ઘણીવાર મનમાંથી નીકળી જતા હોય છે, ત્યાં કલાકાર વિક્રાન્ત મેસીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં એક અણધાર્યું અને આશ્ચર્યજનક પગલું લીધું, તેણે સભાનપણે ફિલ્મોમાં કામ કરવામાંથી વિરામ લીધો. ફિલ્મ ઉદ્યોગમાં જ્યાં મોટાભાગના કલાકારો દર્શકોની નજરમાં રહેવા અને ગતિ જાળવી રાખવા ઉપરાઉપરી પ્રોજેક્ટો સ્વીકારતા હોય છે ત્યાં મેસીએ આવા ધોરણને પડકારવાની હિંમત કરી.
મેસીએ ગતિ રોકવાની જાહેરાત કરી અને તેના આ નિર્ણય પાછળ ઉમદા હેતુ હોવા છતાં ચાહકો અને સહકલાકારોના પ્રતિસાદે ગૂંચવણ ઊભી કરી. મેસીએ નિવૃત્તિ લીધાનો ગણગણાટ સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગયો. આવી સામૂહિક ગેરસમજણથી વિસ્મય પામેલો મેસી કહે છે કે આજે પણ લોકો મને પૂછે છે કે તે નિવૃત્તિ શા માટે લીધી?
વાસ્તવમાં મેસીએ તેની પોસ્ટમાં સ્પષ્ટપણે લખ્યું હતું તે હજી પણ શનાયા કપૂર સાથે 'આંખો કી ગુસ્તાખીયાં' સહિત બે ફિલ્મ પર કામ કરી રહ્યો છે. તેણે વિરામ જાહેર કર્યા પછી માત્ર બે મહિનામાં શૂટીંગ શરૂ કર્યું હતું.
પણ એવા ઉદ્યોગમાં જ્યાં કલાકારો આરોગ્ય અને વિવાદથી ફરજ પડયા સિવાય ભાગ્યે જ બ્રેક લેતા હોય છે ત્યારે સ્વૈચ્છિક રજા પાળવાનો વિચાર ઘણાને અજૂગતો લાગ્યો. મેસી કબૂલ કરે છે કે કદાચ લોકો ભારતીય કલાકારોને બ્રેક લેતા જોતા ટેવાયેલા નહિ હોય, પણ મેં મારી સુખાકારી માટે આ નિર્ણય લીધો હતો.
'ટ્વેલ્થ ફેલ'(૨૦૨૩) અને 'ધી સાબરમતિ રિપોર્ટ' (૨૦૨૪) માટે વિવેચકોની વ્યાપક પ્રશંસા હાંસલ કર્યા પછી વિક્રાંત સમક્ષ ઓફરોનો ઢગલો થઈ ગયો હતો. જો કે તેણે એમાંથી મોટાભાગની નકારી દીધી. તેનો નિર્ણય કોઈ ધૂનકીમાં નહોતો લેવાયો પણ પોતાના માનસિક આરોગ્ય અને કલાત્મક અખંડતા જાળવી રાખવાની જરૂરીયાતમાં જડાયેલો હતો. ૨૦૨૪માં રજૂ થયેલી 'ફિર આયી હસીન દિલરૂબા' સહિત બે વર્ષમાં સાત રિલીઝ થવાથી માનસિક થાક અનિવાર્ય હતો. વિક્રાંત કહે છે કે હું મારા પરિવાર સાથે સમય ગાળવા માગતો હતો. ઉપરાંત મને દર્શકોના પ્રેમનો પણ અહેસાસ થયો. મારે તેમના સમયને યોગ્ય બનવું હતું.
વિક્રાંત કબૂલ કરે છે કે માનસિક થકાનથી તેના પરફોર્મન્સ પર ખરાબ અસર પડી રહી હતી. જે કલાકાર મૌલિકતા અને ચિવટ માટે ગર્વ કરે છે તેના માટે અધૂરા મનથી કામ કરવું એ કોઈ વિકલ્પ નહોતો. વિક્રાંત વ્યંગમાં કહે છે મને માનસિક થાક હોય તો હું કેમેરા સામે એકના એક સંવાદ કેવી રીતે બોલી શકું?
વિક્રાંતના આગામી પ્રોજેક્ટ આધત્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર પરની બાયોપિક 'વ્હાઈટ'નું શૂટ ઓગસ્ટમાં શરૂ થવાનું હોવાથી વિક્રાંતને રિચાર્જ થવા માટે જરૂરી સમય મળી રહેશે. જો કે તેના આગામી અતિ અપેક્ષિત પ્રોજેક્ટ 'ડોન ૩' વિશે વિક્રાંતે ચૂપકીદી જ સેવી છે. વિક્રાંત સ્મિત સાથે કહે છે કે તેના વિશે હજી કંઈપણ કહેવું ઘણુ વહેલુ છે.
નિવૃત્તિની જાહેરાત ઉપરાંત પણ વિક્રાંત અગાઉ અલગ અલગ બાબતો માટે વિવાદમાં સપડાયો હતો. રાજકરણ, સામાજિક મુદ્દા અને અંગત મૂલ્યો વિશે તેની નિખાલસતાએ તેના વિશે ઘણીવાર ગેરસમજ સર્જી છે.
કડવા ચોથના દિવસે પત્નીના ચરણસ્પર્શ કરી રહ્યાની તેની તસવીર વાયરલ થતા વિક્રાંતનું ભારે ટ્રોલિંગ થયું હતું. પણ પોતાના બચાવ કરવાના સ્થાને તેણે સ્પષ્ટતા કરી કે ચરણસ્પર્શની ઘટનામાં તેનો સંસ્કૃતિ પ્રત્યે આદર અને વૈવિધ્યતામાં ગાઢ શ્રદ્ધા સામેલ હતા.
વિક્રાંતે ૨૦૧૮માં કથુઆ ગેન્ગરેપ કેસ બાબતે કરેલા ટ્વીટ માટે પણ જાહેરમાં માફી માગવી પડી હતી અને સ્પષ્ટતા કરી હતી કે હિન્દુઓની લાગણી દુભવવાનો તેનો કોઈ ઈરાદો નહોતો. તેની માફી હિન્દુઓને ખુશ કરવા નહિ પણ સંવેદનશીલતા અને જવાબદારીનો ખરા મનથી સ્વીકાર હતો.
વિક્રાંત મેસી માટે સફળતા એટલે વધુ કામ નહિ પણ બહેતર પરફોર્મન્સ. સંખ્યા કરતા ગુણવત્તાને પ્રાથમિકતા આપીને વિક્રાંતે બોલીવૂડમાં સફળતાની નવી વ્યાખ્યા કરી છે. તેનો સંદેશ સ્પષ્ટ છે: વિરામ લેવો એ નબળાઈની નિશાની નથી, પણ વ્યવસાય અને વ્યક્તિગત વિકાસ તરફ ભરેલું એક પગલુ છે.