વર્સેટાઈલ એક્ટર બ્રિજેન્દ્ર કાલા રાઇટર બની ગયા
દર્શકોની નવી કન્ટેન્ટની માગ સંતોષવા મેકર્સ મળે ત્યાંથી નવા આઇડિયાઝ લેતા થઈ ગયા છે. તેઓ વર્સેટાઈલ કેરેક્ટર એકટર્સને હવે સારો આદર આપે છે. એટલા માટે કે મેકર્સ સમજે છે કે સંઘર્ષ કરીને આગળ આવેલા આ કલાકારોમાં સ્ટાર્સ કરતા વધુ ક્રિયેટિવિટી છે. એમાં કેરેક્ટર એકટર્સની ચાંદી થઈ ગઈ છે. બ્રિજેન્દ્ર કાલાનું નસીબ પણ આ દોરમાં ખુલી ગયું છે. તેઓ 'પારિવારિક મનોરંજન' નામની પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરી સ્ટારર ફિલ્મથી ફુલફ્લેજ્ડ રાઇટર બની ગયા છે.
બ્રિજેન્દ્ર કાલા એને પોતાની ચાર દાયકાની લેખક માટેની લગનીની ફળશ્રુતિ ગણે છે. જાણીતા લેખિકા અચલા નાગરને પોતાના ગુરુ માનતા એક્ટર-રાઇટર કહે છે, 'મેં ઘણી ફિલ્મો લખવામાં અચલાજીને મદદ કરી હતી અને એ માટે એમણે મને પેમેન્ટ પણ આપ્યું હતું. હું તો વરસો એમના ઘરમાં રહ્યો છું.'
બ્રિજેન્દ્ર સ્ક્રીપ્ટ અને સ્ટોરી રાઇટિંગનો વરસોનો અનુભવ ધરાવે છે. પોતાના રેડિયો અને થિયેટરના દિવસોથી જ એમણે કલમ ચલાવવાની શરૂઆત કરી દીધી હતી. એ વિશે વાત કરતા તેઓ કહે છે, 'મેં છેક '૮૦ના દશકમાં હરિશંકર પરસાઇની વાર્તા માતાદીન ચાંદ પરથી એક ડ્રામા લખી એનું ડિરેક્શન કરવા ઉપરાંત એમાં અભિનય પણ કર્યો હતો એ સિવાય મેં એક્ટર-ફિલ્મમેકર તિંગ્માશુ ધુલિયા માટે એક ટીવી સ્ક્રીપ્ટ લખી હતી. એકતા કપૂરની સીરિયલ કહાની ઘર ઘર કીના અમુક એપિસોડ્સ પણ લખ્યા છે. ૨૦૨૦માં મેં ફિલ્મ સબ કુશલ મંગલના અમુક સીન્સ પણ લખ્યા હતા.'
રાઇટર તરીકે, બ્રિજેન્દ્રને એક વાતનો બહુ અફસોસ છે કે કન્ટેન્ટ બહુ અગત્યની બાબત હોવા છતાં રાઇટર્સને પૂરતું સમ્માન નથી મળતું. 'રાઇટરના કામમાં મોટા સ્ટાર્સ અને કમર્સિયલ પરિબળોની ઓછામાં ઓછી દરમિયાનગિરિ હોવી ઘટે,' એવી ટકોર તેઓ કરી લે છે.
રાઇટર તરીકે માન્યતા મળ્યા બાદ હવે પોતે ડિરેક્શન કરવાનું પણ પસંદ કરશે એવું કબુલતા એક્ટર ઉમેરે છે, 'હું ડિરેક્ટર તરીકે દર્શકોને મારા દ્રષ્ટિકોણથી દુનિયા બતાવવા ઇચ્છું છું. બાકી તો, રેડ-ટુ અને સિતારે ઝમીન પર જેવી મોટી સફળ ફિલ્મોનો ભાગ બન્યા પછી હવે મને બેસ્ટ કામ પસંદ કરવાની આઝાદી મળી ગઈ છે. આજે અગ્રણી મેકર્સ મારા માટે ડેટ એડજસ્ટમેંટ્સ કરતા થયા છે. ટૂંક સમયમાં મારી ઘણી ફિલ્મો રિલિઝ થશે. તો એક્ટિંગ કી દુકાન ભી બઢિયા ચલ રહી હૈ.'