Get The App

વરુણ શર્મા : માણસને બદલે એઆઈ પર વિશ્વાસ કરવામાં મોટું જોખમ

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
વરુણ શર્મા : માણસને બદલે એઆઈ પર વિશ્વાસ કરવામાં મોટું જોખમ 1 - image

ડિરેક્ટર મૃગદીપ સિંહ લામ્બાની 'ફુકરે' ફ્રેન્ચાઈસીની ફિલ્મોને કારણે લાઈમલાઈટમાં આવનાર એક્ટર વરુણ શર્માની ફેન્ટસી-કોમેડી ફિલ્મ 'રાહુ કેતુ' ૧૬મી જાન્યુઆરીએ રિલિઝ થઈ. આ ફિલ્મમાં એનો કો-સ્ટાર પુલકિત સમ્રાટ છે અને બંનેના કોમેડી રોલ્સ છે. ૨૦૦૭માં 'હેપ્પી ડેઝ' નામની ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરનાર વરુણ તો કોમેડી રોલ્સમાં જ ટાઈપકાસ્ટ થઈ ગયો છે. હમણાં એક મીડિયા ઇન્ટરએક્શનમાં આ બાબતમાં એક્ટરનું ધ્યાન દોરાતા એ બિન્દાસ થઈને કહે છે, 'મને કોમેડી એક્ટર તરીકે ટાઈપકાસ્ટ થઈ જવામાં કોઈ વાંધો નથી. એટલા માટે કે મને લોકોને હસાવવા ગમે છે. એક્ટર તરીકે મારો પ્રયાસ એ જ હોય છે કે હું સતત દર્શકોનું મનોરંજન કરતો રહું.'

૩૫ વરસના જલંધર (પંજાબ)ના વતની વરુણ શર્માએ પોતાની દોઢ દાયકાની કરિઅરમાં હિન્દી, પંજાબી અને તેલુગુ ફિલ્મો પણ કરી છે. આજે એને મોટી સ્ટારકાસ્ટની ફિલ્મો ઓફર થાય છે પણ ઈન્ડસ્ટ્રીમાં પગદંડો જમાવવા એણે પણ બીજા એકટર્સની જેમ સ્ટ્રગલ કરવી પડી છે. પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા શર્મા કહે છે, 'જલંધરથી મુંબઈ શિફ્ટ થયા બાદ મારે ઘણું રિજેક્શન સહન કરવું પડયું. એકવાર તો ડિરેક્ટરે મને મેન રોલનું પ્રોમિસ કરી ગેસ્ટ-અપિયરંસ જેવો નાનકડો રોલ પકડાવી દીધો હતો. ઓડિશન પર ઓડિશન આપ્યા કરતો અને લોકોના મોઢેથી નેકસ્ટ ટાઈમ, નેકસ્ટ ટાઈમ સાંભળીને મારા કાન પાકી ગયા હતા. નિરાશ-હતાશ થઈ ઘરે પાછો ફરતો અને મમ્મીને ફોન કરીને કહેતો કે મારા બધા પૈસા વપરાઈ ગયા છે. થોડા પૈસા મોકલ. મમ્મી તરત પૈસા મોકલી દેતી. મને 'ફુકરે' ફિલ્મ મળી એ પહેલા થિયેટર પણ કર્યું છે. 'અંધા યુગ' અને 'અશ્વત્થામા' જેવા સીરિયસ ડ્રામામાં ગંભીર ભૂમિકાઓ કરી છે. તમે નહિ માનો પણ મેં કાસ્ટિંગ ડિરેક્ટર સાથે પણ કામ કર્યું છે. લેકિન 'ફુકરે'ને મેરી લાઈફ બદલ દી. ફિલ્મમાં મારું સુચાનું પાત્ર બહુ જ લોકપ્રિય થયું. પછી તો બબ્બે અને ત્રણ ત્રણ ફિલ્મોનો દોર થયો અને એને કારણે મને ભરપુર કામ મળ્યું. શાહરુખ ખાન અને કાજોલ જેવા મોટા સ્ટાર્સની ફિલ્મો પણ મળી. મોટા પ્રોડક્શન હાઉસ પણ મને વેલકમ કરતા થઈ ગયા.'

વરુણ માટે સૌથી મહત્ત્વની વ્યક્તિ એની મા છે. સફળતા મળ્યા બાદ પણ એ પોતાના પરિવારને ભૂલ્યો નથી. 'મારા જીવન અને મારી કરિઅરમાંથી મેં એક બોધપાઠ લીધો છે કે દુનિયામાં તમારા કુટુંબ, તમારા આપ્તજનોથી વિશેષ કાંઈ નથી. તમે આજના કોઈ યુવાનનો મોબાઈલ ચેક કરશો તો જણાશે કે એની પાસે ફ્રેન્ડ્સ સાથે ગપ્પા મારવા પુષ્કળ ટાઈમ છે પણ મા માટે સમય નથી. મમ્મીનો ફોન આવે એટલે ટૂંકામાં એટલું કહીને ફોન મૂકી દે કે હા, મેં જમી લીધું, બધું બરાબર ચાલે છે, અત્યારે મીટિંગમાં છું પછી કોલ કરીશ. અરે મારા ભાઈ, માના આશીર્વાદ અને ભાઈ-બહેનના સાથથી જ તું આજે અહીં પહોંચ્યો છે. એમના માટે જ તારી પાસે ટાઈમ નથી. ઈન શોર્ટ, આપણે ફેમિલીને વધુને વધુ સમય ફાળવવાની જરૂર છે. એમાં કોઈ બહાના ન ચાલે.'

માસ-મીડિયામાં ગ્રેજ્યુએશન કરનાર એક્ટર સમકાલીન વિષયો પર પોતાનો મૌલિક મત માંડી શકે છે. આજે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (એઆઈ) સૌથી હોટ ટોપિક છે. એને સૌથી ડરામણી વસ્તુ ગણાવતા શર્માજી કહે છે, 'એને કારણે લોકોએ એકબીજા સાથે વાત કરવાનું મુકી દીધું છે. આપણે માણસ કરતા એઆઈ  પર વધુ વિશ્વાસ કરતા થઈ ગયા છીએ. આપણે આપણી લાગણીઓ, ભય અને અસલામતિને એઆઈ સાથે શેર કરીએ છીએ. મારા ફ્રેન્ડ્સ મને કહે છે કે અમે અમારી સમસ્યાઓનો ઉકેલ એઆઈ પાસેથી મેળવી લઈએ છીએ. એના પાપે કોમ્યુનિકેશન ગેપ ઊભો થયો છે. આપણે અંગત વર્તુળ સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે. લોકો પોતાના આપ્તજનો સાથે નહિ પણ સોશ્યલ મીડિયા પર પોતાના અનુભવો શેર કરે છે. પશુ-પક્ષી હોય કે માનવી-બધાને ઈશ્વરે કોમ્યુનિકેશન સ્કીલ્સ એટલા માટે આપી છે કે બધા અંદરોઅંદર વાતચીત કરી શકે. એનો ઉપયોગ બહુ જરૂરી છે. એના વિના આપણી અંદર દુનિયાભરનો કચરો જમા થઈ જાય છે, જે પછી સ્ટ્રેસ, ડિપ્રેશન કે એટેક સ્વરૂપે બહાર આવે છે. એટલે દરેકે ચેતી જવાની જરૂર છે.'

બોલિવુડ વિશે એક સામાન્ય માન્યતા એવી છે કે અહીં કોઈ કોઈનું મિત્ર નથી. સમાપનમાં એ માન્યતાનું ખંડન કરતા વરુણ કહે છે, 'એ બાબતમાં હું સદનસીબ છું કે મને ઈન્ડસ્ટ્રીમાં સારા મિત્રો મળ્યા. પુલકિત મારો બેસ્ટ ફ્રેન્ડ છે. રાતના ત્રણ વાગે પણ મને જરૂર પડે તો પુલકિત હાજર થઈ જાય. એ જ રીતે, કૃતિ સેનન અને એની બહેન મારા માટે ફેમિલી જેવા છે. વરુણ ધવન પણ મારો દોસ્ત છે. સોનાક્ષી સિંહા અને એના હસબન્ડ ઝહીર સાથે હું મારા દિલની વાત શેર કરી શકું છું. આવા મિત્રો જ નિષ્ફળતાના સમયે તમારી પડખે ઊભા રહે છે.'