- 'ઓટીટી પર જે-તે કહાણી એટલી વિસ્તારપૂર્વક રજૂ કરી શકાતી હોય છે કે તેમાં કામ કરતાં લગભગ બધાં કિરદાર ઊંડાં ઉતરીને પોતાની વાત કહી શકે છે.'
આવર્ષમાં અભિનેત્રી વાણી કપૂરની ફિલ્મ 'રેડ-૨' ને દર્શકોએ બહોળો પ્રતિસાદ આપ્યો. અને તેની તાજેતરમાં રજૂ થયેલી સૌપ્રથમ વેબ સીરીઝ 'મંડલા મર્ડર્સ' ને પણ દર્શકોએ પસંદ કરી છે. આ વેબ સીરીઝ સાથે વાણીએ નવા માધ્યમમાં કદમ માંડયા તેથી તેની રજૂઆતથી પહેલા તે ખાસ્સી ગભરાયેલી હતી. સાથે સાથે તેનો ઉત્સાહ પણ સમાતો નહોતો.
અદાકારા કહે છે કે ઓટીટી પર જે તે કહાણી એટલી વિસ્તારપૂર્વક રજૂ કરી શકાતી હોય છે કે તેમાં કામ કરતાં લગભગ બધા કિરદાર ઊંડે ુતરીને પોતાની વાત કહી શકે. મને પણ મારી ભૂમિકામાં ઊંડા ઉતરવાનો અવસર મળ્યો. એક કલાકાર તરીકે તમે જ્યારે કોઈ પાત્રને વિસ્તારપૂર્વક રજૂ કરો ત્યારે તમારી અંદર રહેલી પ્રતિભા પણ સોળે કળાએ ખિલીને બહાર આવે. બેથી ત્રણ કલાકમાં સમાપ્ત થઈ જતી ફિલ્મમાં તમને આવો મોકો ન મળે તે સ્વાભાવિક છે. અહીં તમને થોડામાં ઝાઝું કહી દેવું પડે.
અહીં એ વાતની નોંધ લેવી રહી કે કે વાણીએ 'મંડલા મર્ડર્સ' માં જાસૂસીની ભૂમિકા ભજવી છે અને કોઈપણ ગુપ્તચરનું કામ મુશ્કેલ જ હોવાનું. વાણીએ આવી ભૂમિકા ભજવવાનું પસંદ કર્યું તેની પાછળ પણ કેટલીક હિન્દી ફિલ્મોની પ્રેરણા કામ કરી ગઈ. અદાકારા કહે છે કે 'મર્દાની (૨૦૧૪) જેવી ફિલ્મોએ મને આવો રોલ અદા કરવા પ્રેરિત કરી છે. વાસ્તવમાં હું મારા પાત્રમાં વાસ્તવિકતા લાવવા માગતી હતી. આ વેબ સિરીઝમાં મારું કિરદાર માત્ર શક્તિશાળી નથી, પણ કોઈના સંકજામાં સુદ્ધાં આવી જાય એવું છે. જો કે તે પોતાનું કામ કરતી વખતે પોતાની આંતરિક નબળાઈઓ સામે પણ ઝઝૂમે છે. તેનો લડાયક મિજાજ તેને પરિસ્થિતિ સામે ઘૂંટણિયે પડવા નથી દેતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષમાં રજૂ થનારી વાણીની ફિલ્મ 'અબીર ગુલાલ' માં તે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન સાથે જોવા મળવાની હ તી. ફવાદ આ મૂવી સાથે બોલીવૂડમાં કમબેક કરવાનો હતો. પરંતુ પહેલગામ હુમલાને પગલે ભારતમાં આ ફિલ્મની રજૂઆત પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો.
અભિનેત્રી આ બાબતે કહે છે કે જ્યારે અમે આ ફિલ્મ હાથ ધરી ત્યારે પરિસ્થિતિ સાવ જુદી હતી. ફિલ્મના નિર્માતાએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાથી પહેલા દરેકે દરેક પરવાનગી લઈ લીધી હતી અને પ્રત્યેક કાનૂનને અનુસરવામાં આવ્યો હતો. અમે કાયદાને માન આપનારા નાગરિકો છીએ. હું પોતે આર્મીની પરિવારમાંથી આવું છું. મેં મારા નિકટના સ્વજનોને દેસસેવા કરતાં જોયા છે. દેશ માટે કુરબાન શી રીતે થવાય. રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજ શી હોય તે હું સારી રીતે જાણું છું. આ ફિલ્મ કોઈને દુભવવા નહોતી બનાવાઈ, બલ્કે પ્રેમના તાંતણે બંધાવા માટે બનાવાઈ હતી. કમનસીબે તેને નફરતની નજરે જોવામાં આવી. પરંતુ અમે આ વાત સમજી શકીએ તેમ હતાં. પહેલગામ હુમલા પછી અમે રાષ્ટ્રનો મૂડ પિછાણ્યો હતો અને તેને માન પણ આપ્યું હતું.


