Get The App

વાણી કપૂર: મારા ફિટનેસ ફંડા સાવ સરળ છે

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
વાણી કપૂર: મારા ફિટનેસ ફંડા સાવ સરળ છે 1 - image

- ' હું કાયમ મેડિટેશનથી દિવસની શરૂઆત કરું છું. એને કારણે મારું ફોકસ જળવાઈ રહે છે અને મારા વિચારો એક ચોક્કસ ક્રમમાં ગોઠવાઈ જાય છે.' 

બોલિવુડની અમુક સુંદરીઓ પોતાની એક્ટિંગ કરતા ફિગર અને ફિટનેસ માટે વધુ જાણીતી છે. અહીં આપણે 'ચંડીગઢ કરે આશિકી' અને 'અબીર ગુલાલ' ફેમ વાણી કપૂરની વાત કરી રહ્યા છીએ. વાણી ભાગ્યે જ બોલીવૂડની મોડી રાત સુધી ચાલતી પાર્ટીઓમાં જાય છે એટલે એની સવાર વહેંલી પડે. 'મારી કોઈ ફિકસ્ડ મોર્નિગ રુટીન નથી,' એવું કબુલતા મિસ કપૂર ઉમેરે છે, 'પરંતુ હું કાયમ મેડિટેશનથી દિવસની શરૂઆત કરું છું. એને કારણે મારું ફોકસ જળવાઈ રહે છે અને મારા વિચારો એક ક્રમમાં ગોઠવાઈ જાય છે. મેડિટેશન બાદ એ ઘરમાં પોજિટિવ એનર્જીનો સંચાર કરવા માટે હું પવિત્ર શ્લોકોનું શ્રવણ કરું છું અને ધૂપ-દીપ કરું છું. મને ધૂપદીપ કરતા જોઈને મોમને હસવું આવે છે પણ એને લીધે ઘરમાં જે શાંતિ પથરાય છે એ મને બહુ ગમે છે.' 

સવારનું રૂટીન પતાવી એકટ્રેસ સીધી જિમમાં જાય છે. એ મોર્નિંગ વર્ક આઉટમાં ક્યારેય ગાપચી નથી મારતી કારણ કે એને ખબર છે કે વર્ક આઉટ નહિ કરું તો દિવસ આખો સુસ્તી લાગ્યા કરશે. વાણી કપૂર વર્કઆઉટ કર્યા પહેલા બ્રેકફાસ્ટ નથી લેતી. હા, મસલ સિકવરી માટે એ સપ્લીમેંટ્સ જરૂર લે છે. 'મારો બ્રેડફાસ્ટ સુગર-ફ્રી હોય છે, જેને લીધે મારા શરીરમાં ઝડપથી એનર્જી આવે છે,' એમ વાણી કહે છે. એનું ડાયટ પ્રોટિનથી ભરપુર હોય છે. આજના ઘણાં યંગસ્ટર્સની જેમ ૩૭ વરસની અભિનેત્રી પણ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ફોલો કરે છે અને એ પોતાને બહુ અનુકૂળ આવતું હોવાનું માને છે. 'સવારનું ભોજન હું ૧૦ વાગ્યાની આસપાસ લઉં છું અને મારું ડિનર સાંજે ૬.૩૦થી ૭ વચ્ચે પતી જાય છે. હું સામાન્યપણે ૧૪ કલાકનું ફાસ્ટિંગ કરું છું. એ મને હળવીફુલ અને એનર્જેટિક રાખે છે. મને બીજાની જેમ તરંગ આવે એ રીતે ડાયટ બદલ્યા કરવું ગમતું નથી. મને પોષણક્ષમ ખોરાક લેવો ગમે છે,' એમ વાણી કહે છે.

વાણીના કહેવા મુજબ એ ભૂખી રહીને પોતાની જાતને સજા કરવાનું મુનાસિબ નથી માનતી. જીભને સ્વાદિષ્ટ વાનીઓનો આનંદ આપવા એણે હમણાંથી એણે સુગર ફ્રી આઈસ્ક્રીમ કે આલ્મન્ડ બ્રાઉનીની જયાફત ઉડાડવાનું પણ શરૂ કર્યું છે.

એક્ટર ૧૨થી ૧૬ કલાક લાંબા શુટિંગ શેડયુલ દરમ્યાન ભૂખ્યા રહેવામાં બિલકુલ નથી માનતી. એટલે વાણી પોતાની કેરી બેગમાં પોપકોર્ન, મિલ્લેટસ, ફોકસ નટ્સ અને પ્રોટિન બાર્સ જેવા સ્નેક્સ રાખે છે અને ભૂખ લાગે ત્યારે એ ખાઈ લે છે. ખાવાપીવામાં બહુ ધ્યાન રાખી અને વેઇટ ટ્રેનિંગ જેવી એકસરસાઈઝને કારણે કલાકોના કલાકો થાક્યા વગર કામ કરી શકે છે.

જાણીને નવાઈ લાગે કે વાણીને ફુરસદના સમયે પોતાના ફેમિલી અને ફ્રેન્ડસ માટે કુકિંગ કરવું ગમે છે. બસ, વાણીના દેહની જેમ એની કરીઅર પણ સુપરફિટ રહે એટલે ભયો ભયો.