Get The App

ઉષા નાડકર્ણી : ઑડિશનના નામે મારો પિત્તો જાય

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
ઉષા નાડકર્ણી : ઑડિશનના નામે મારો પિત્તો જાય 1 - image

પીઢ અભિનેત્રી ઉષા નાડકર્ણી કોઈ પરિચયની મોહતાજ નથી. સાત સાત દશકથી અભિનય ક્ષેત્રે કાર્યરત ઉષા નાડકર્ણીએ ટચૂકડા પડદા તેમ જ હિન્દી-મરાઠી ફિલ્મોમાં બેહિસાબ કામ કર્યું છે. આવી સ્થિતિમાં જો તેને કોઈ ઑડિશન આપવાનું કહે તો તેનો પિત્તો જાય કે નહીં? તાજેતરમાં આ પીઢ અભિનેત્રીએ એક અખબારને ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના ઓડિશન વિષયક અનુભવો જણાવ્યાં હતાં.

ઉષા નાડકર્ણીએ કહ્યું હતું કે આજકાલના છોકરડાં મને ઑડિશન આપવાનું કહે તો મારો પારો સાતમા આસમાને પહોંચે જ ને? તેણે ફિલ્મ સર્જક ઝોયા અખ્તરની ફિલ્મ 'ગલી બોય' વિષયક અનુભવ શેર કરતાં કહ્યું હતું કે મને ઓડિશન આપવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં એ લોકોને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે હું ફાલતુના ઓડિશન નથી આપતી. તેણે વધુમાં કહ્યું હતું કે આજકાલ ઓડિશન લેવાનું ચલણ થઈ ગયું છે. તાજેતરમાં જ મને એક પ્રોડક્શન હાઉસમાંથી એક રોલ માટે ફોન આવ્યો હતો. તેમણે મને તેમની ઓફિસમાં ઓડિશન માટે બોલાવી ત્યારે મેં તેમને રોકડું પરખાવી દીધું હતું કે છેલ્લા સાત દશકથી પણ વધુ વર્ષથી હું શું કરી રહી છું કે તમને મારા ઓડિશનની જરૂર પડી. 'ગલી બોય' વખતે પણ આવું જ થયું હતું. મને એક છોકરાએ બોલાવી અને મને ઓડિશન માટે આવવાનું કહ્યું. મેં તેને તેની ઉંમર પૂછી તો તેણે કહ્યું કે હું પચીસ વર્ષનો છું. તેને જવાબ આપતાં મેં કહ્યું હતું કે તારી મમ્મી પરણી પણ નહીં હોય ત્યારથી  હું અભિનય કરી રહી છું. હું આવા ફાલતુના ઓડિશન નથી આપતી. મેં તેને ફિલ્મના ડાયરેક્ટરનું નામ પૂછ્યું ત્યારે તેણે ઝોયા અખ્તરનું નામ આપ્યું. મેં તેને જવાબ આપતાં કહ્યું હતું કે એ મોટા બાપની દીકરી છે. પણ તમે લોકો મારું નામ ઇન્ટરનેટ પર સર્ચ કરી લેજો. તમને સમજાઈ જશે કે મેં કેવું અને કેટલું કામ કર્યું છે. હું ઓડિશન આપતી જ નથી. તમને મારી જરૂર હોય તો સીધી જ કાસ્ટ કરી લો.

અદાકારાએ અક્ષય કુમારની 'રુસ્તમ'નો અનુભવ જણાવતાં કહ્યું હતું કે તેમણે મને બોલાવીને મારા ભાગે આવનારા કામ વિશે જણાવ્યું અને તરત જ રોલ આપી દીધો. તેમણે મારું ઓડિશન ન લીધું અને મારું મહેનતાણું આપી દીધું. મારા મતે અનુભવી કલાકારો માટે આમ જ થવું જોઈએ. તેણે ટીવી એકટ્રેસ કવિતા ચૌધરીની ઓફિસમાં થયેલા અનુભવની વાત પણ કરી હતી.  ઉષા નાડકર્ણીએ કહ્યું હતું કે હું તેની ઓફિસમાં પહોંચી ત્યારે ત્યાં કેટલાંક આસિસ્ટંટ ડાયરેક્ટરો બેઠાં હતાં. કોઈએ મને બેસવા માટે જગ્યા પણ ન આપી. ત્યાં જ એક જણે મારી પાસે આવીને કહ્યું કે તેમને જે રોલ માટે બોલાવવામાં આવ્યાં છે એ હવે નથી. હું ત્યાં બેસીને પુસ્તક વાંચું. મેં તેના હાથમાંથી પુસ્તક લઈને એ લોકો સામે જ ફેંકી. તેમનું વર્તન જોઈને મારો ક્રોધ ભભૂકી ઉઠયો હતો. આ આજકાલના છોકરડાઓની હિમ્મત શી રીતે થઈ મને ઓડિશન આપવાનું કહેવાની.

ઉષા નાડકર્ણી છેક ૧૯૮૭થી એકલી રહે છે. પણ ન તો તેને તેનો ડર લાગે છે કે ન કંટાળો આવે છે. એક પોડકાસ્ટ દરમિયાન તેણે કહ્યું હતું કે મને એકલા રહેવાની ટેવ પડી ગઈ છે. શું મરતી વખતે કોઈ હાથ દેવા આવવાનું છે કે આવ, તું મરી રહી છે. કોઈ ઊંઘમાં સ્વર્ગે સિધાવી જાય તો કોઈ ચાલતાં ચાલતાં ઢળી પડે. આવી ચિંતા શાને કરવી? મને તો આખરી શ્વાસ સુધી કામ કરવું છે. હું કામ કરતાં કરતાં જ છેલ્લો શ્વાસ લઉં તેનાથી રૂડું શું?