Get The App

ગોરેગાંવમાં આવેલા ફિલ્મીસ્તાન સ્ટુડિયોના સ્થાને 50 માળના બે વિરાટ ટાવર્સ બંધાશે

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
ગોરેગાંવમાં આવેલા ફિલ્મીસ્તાન સ્ટુડિયોના સ્થાને 50 માળના બે વિરાટ ટાવર્સ બંધાશે 1 - image

- આરકે સ્ટુડિયોનો સમકાલીન ગણાતો ફિલ્મીસ્તાન સ્ટુડિયો 2025ના જુલાઇમાં 183 કરોડ રૂપિયામાં વેચાઇ ગયો ત્યારે જ હિન્દી ફિલ્મ ઉદ્યોગના એક સુવર્ણ પ્રકરણનો અંત આવી ગયો હતો. 

મુંબઇ શહેરમાં રોટલો મળી રહે પણ ઓટલો ન મળે એ કહેવત મુંબઇની તાસીર બતાવે છે. ભલભલા મહારથીઓ માટે મુંબઇમાંં પોતાની રિઅલ એસ્ટેટ સાચવવી એ લોઢાના ચણાં ચાવવા સમાન બની રહે છે. ૧૯૪૮માં રાજ કપૂરે સ્થાપેલો વિખ્યાત આર કે સ્ટુડિયોને ૭૧ વર્ષે તેમના પુત્ર રૂષિ કપૂરે ખોટ ખાઇ ખાઇને આખરે ૨૦૧૯માં બંધ કરવો પડયો હતો. રાજ કપૂરના અવસાન બાદ ૩૧ વર્ષે બંધ પડેલાં આર કે સ્ટુડિયોને તેમનો પૌત્ર રણબીર કપૂર ફરી શરૂ કરશે તેવા અહેવાલો  છે. રણબીર કપૂર તેના દાદાની વિરાસતને ફરી સજીવન કરે ત્યારે ખરૂ પણ ઇતિહાસના પાનામાં દર્જ આરકે સ્ટુડિયોની સાથે તેનો સમકાલીન ગણાતો ફિલ્મીસ્તાન સ્ટુડિયો પણ ૨૦૨૫ના જુલાઇમાં ૧૮૩ કરોડ રૂપિયામાં વેચાઇ જતાં મુંબઇના હિન્દી ફિલ્મ ઉદ્યોગના એક સુવર્ણ પ્રકરણનો અંત આવ્યો છે. આજે ગોરેગાંવ સ્થિત ફિલ્મીસ્તાન સ્ટુડિયો નામશેષ થઇ ચૂક્યો છે. 

ભારતીય સિનેમાના ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવતાં  ફિલ્મીસ્તાન સ્ટુડિયોની સ્થાપના શશધર મુખર્જી, રાય બહાદુર ચુનીલાલ, અશોક કુમાર અને જ્ઞાાન મુખર્જીએ ૧૯૪૩માં કરી હતી. ૧૯૪૪માં પહેલી ફિલ્મ ચલ ચલ રે નૌજવાં નિર્માણ પામી એ પછી ૨૧ વર્ષ સુધી અઢળક હીટ ફિલ્મો અને અનેક ફિલ્મસ્ટાર્સના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવનારાં ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં છેલ્લી ફિલ્મ ૧૯૬૪માં દૂજ કા ચાંદ નિર્માણ પામી હતી. શશધર મુખર્જીએ અંધેરી વેસ્ટમાં ફિલ્માલય સ્ટુડિયોની પણ ૧૯૫૮માં સ્થાપના કરી હતી. જેને આજે પણ મુખર્જી પરિવારની  ત્રીજી પેઢી ચલાવી રહી છે. ફિલ્માલય સ્ટુડિયોના મેનેજિંગ ડાયરેકટર સમ્રાટ મુખર્જી છે. શશધર મુખર્જીના પૌત્ર સમ્રાટ મુખર્જી કહે છે આજના જમાનામાં જ્યારે રિઅલ એસ્ટેટના ભાવ આસમાનને છૂતાં હોય ત્યારે દબાણ સામે ટકી રહી બદલાતાં જતાં ફિલ્મ ઉદ્યોગની માંગ પ્રમાણે સ્ટુડિયોનું સંચાલન કરવું અઘરૂ છે પણ મારા કઝીન્સ મુંજોય,સુજોય,અયાન અને હું આ સ્ટુડિયોને ચલાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

મુંબઇના ફિલ્મ ઉદ્યોગના સુવર્ણયુગના સાક્ષી આ સ્ટુડિયો હવે ધીમે ધીમે કાળની ગર્તામાં વિલિન થઇ રહ્યા છે. ફિલ્મીસ્તાનની સાથે સાથે મહાલક્ષ્મીમાં આવેલો ફેમસ સ્ટુડિયો પણ સત્તાવાર રીતે બંધ થઇ ચૂક્યો છે. પરેલમાં આવેલો વ્હી. શાંતારામનો રાજકમલ સ્ટુડિયો બંધ પડવાના મામલે મોખરે હતો. રણબીર કપૂરે તેના દાદા રાજકપૂરનો આર.કે. સ્ટુડિયો ફરી ધમધમતો કરવાનું વચન આપ્યું છે પણ તે મુખર્જીઓની જેમ સફળ થાય છે કે કેમ તે તો સમય જ કહેશે. અંધેરીમાં આવેલા કમાલ અમરોહીના કમાલિસ્તાન સ્ટડિયોની જગ્યાએ બહુમાળી ઇમારતો આવી ચૂકી છે. 

મુંબઇમાં ફિલ્મ સ્ટુડિયોનો ઇતિહાસ પણ રસપ્રદ છે. મૂકપટ બોલપટમાં પરિવર્તિત થયું તે સાથે સ્ટુડિયોનો જમાનો શરૂ થયો હતો. ફિલ્મમાં ટોકીની ક્રાંતિ આવી તેનો લાભ લેવા માટે ૧૯૩૦ના દાયકામાં રણજીત મૂવીટોન, સાગર મૂવીટોન, વાડિયા મૂવીટોન અને બોમ્બે ટોકિઝ શરૂ થયા હતા. આ બધામાં બોમ્બે ટોકિઝ સૌથી વધારે સફળ નીવડયો હતો. પણ દરેક સ્ટુડિયોની એક આગવી બિઝનેસ લાક્ષણિકતા હતી. રણજીત મૂવીટોનને ગુજરાતી ક્રેડિટ અને નાણાંનું પીઠબળ હતું તો બોમ્બે ટોકિઝને કોર્ર્પોરેટ અને કોલોનિયલ ભદ્રવર્ગના નેટવર્કનો લાભ મળ્યો હતો. સાગર મૂવીટોનનો સહારો તેના મજબૂત સ્ટાર હતા તો વાડિયા મૂવીટોનનો મદાર  સ્ટન્ટ ફિલ્મો બની હતી.  બીજા વિશ્વયુદ્ધ પછી જમાનો એવો બદલાયો કે આ સ્ટુડિયો માટે કપરાં ચઢાણ શરૂ થયા. ફિલ્મ સ્ટોક પર સરકારી નિયંત્રણો લાગુ પડી ચૂક્યા હતા. તેમાં યુદ્ધની નફાખોરીને પગલે રાતોરાત નાની ફિલ્મ કંપનીઓ પેદાં થઇ ગઇ હતી. બ્લેક મનીનો પ્રવાહ પણ ફિલ્મ ઉદ્યોગમાં આ સમયગાળામાં વધી ગયો અને આ અરસામાં ફિલ્મ સ્ટારના જોરે ફિલ્મ ચાલવાની શરૂઆત થતાં સુપરસ્ટાર ઉભાં થવા માંડયા હતા. આ બધા પરિબળોને કારણે સ્ટુડિયો મોડેલ ધ્વસ્ત થવા માંડયું હતું. સ્ટુડિયોના પગારદાર કર્મચારીઓએ આ અરસામાં ફ્રી લાન્સર તરીકે સ્વતંત્ર રીતે કામ કરવાનું શરૂ કરી દીધું. એક જમાનામાં ફિલ્મ સ્ટુડિયોની એસેટ ગણાતાં ફિલ્મસ્ટાર્સ હવે વિવિધ પ્રોડકશન કંપનીઓ માટે જુદી જુદી ફિલ્મો સાઇન કરવા માંડયા. 

રસપ્રદ બાબત એ છે કે જુના જમાનાના ફિલ્મ ઉદ્યોગના પાયોનિયર ગણાતાં ઉપર જણાવેલાં ફિલ્મ સ્ટુડિયો ધીમે ધીમે બંધ થઇ રહ્યા હતાં એ જ અરસામાં નવા સ્ટુડિયોનો ફાલ પણ આવી રહ્યો હતો. ૧૦૫૦ના દાયકામાં શરૂ થયેલાં મહેબૂબ સ્ટુડિયો, ફિલ્મીસ્તાન સ્ટુડિયો અને કમાલિસ્તાન સ્ટુડિયોના   બિઝનેસ મોડેલ્સ એકદમ અલગ હતા. પણ આ સ્ટુડિયોએ સ્વતંત્ર પ્રોડકશન કંપનીઓના નવા ફાલ વચ્ચે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું હતું. પરંતુ ૧૯૬૦ના દાયકામાં આ બીજી પેઢીના સ્ટુડિયોના વળતાં પાણી શરૂ થયા હતા. ફિલ્મીસ્તાન સ્ટુડિયોને પહેલાં ફિલ્મ ફાઇનાન્સિયર તોલારામ જાલનને વેચવામાં આવ્યો હતો. તોલારામ જાલને તેમની પત્ની નીના જાલનના નામેઆ સ્ટુડિયો ખરીદ્યો હતો. એ પછી ૨૦૨૫ના જુલાઇમાં એને આર્કેડ ડેવલપર્સ પ્રા.લિ. નામની રિઅલએસ્ટેટ કંપની દ્વારા ખરીદી લેવામાં આવ્યો હતો. ફિલ્મીસ્તાનમાં ૨૦૧૪માં ટુ સ્ટેટ્સ નામની હીટ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. ૧૯૪૦ના દાયકાની હીટ ફિલ્મો અનારકલી, મુનીમજી, નાગિન, તુમ સા નહીં દેખા અને પેઇંગ ગેસ્ટના શૂિંટંગ ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં થયા હતા. નવી ટેલિવિઝન પેઢીના પ્રિય શો ઝલક દીખલા જા, ડાન્સ પ્લસ અને કોફી વીથ કરણના પ્રથમ એપિસોડનું શૂટિંગ પણ ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં થયું હતું. 

૧૯૪૮માં આર કે સ્ટુડિયોની સ્થાપના કરનારા રાજકપૂર પોતે એક સફળ ફિલ્મ નિર્માતા-નિર્દેશક અને એક્ટર હતા. વળી આ સ્ટુડિયોએ આર્થિક રીતે ટકી રહેવા માટે આગવી જોગવાઇઓ પણ કરી હતી. જેમ કે આર કે સ્ટુડિયો લાઇટ્સ કેમેરા અને ઇક્વિપમેન્ટ્સ પુરાં પાડવાના કામમાં પણ અગ્રણી હતો. કોશ્ચ્યુમ માટે તો આર.કે. સ્ટુડિયોમાં એક અલાયદો વિભાગ રાખવામાં આવ્યો હતો. એ જ રીતે ફિલ્માલયા સ્ટુડિયોમાં દાયકાઓ સુધી  એક્ટિંગ સ્કૂલ ચલાવવામાં આવી છે. પરંતુ કાળની થપાટો સામે આ ફિલ્મ સ્ટુડિયો ટકી શક્યા નથી. અલબત્ત, મોટા સ્ટુડિયોનો દબદબો તો આજે પણ જળવાઇ રહ્યો છે. 

જેમ કે અંધેરીમાં યશરાજ સ્ટુડિયો અને ફિલ્માલય, બાન્દ્રામાં મહેબૂબ સ્ટુડિયો અને ગોરેગાંવમાંં ફિલ્મ સિટી આજે પણ ધમધમી રહ્યાં છે.   

ફિલ્મીસ્તાન સ્ટુડિયોની સફર: રિયલ લાઇફ રીલ પર

૧૯૭૧માં આવેલી ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ગુડ્ડીમાં હિરોઇન જયા બચ્ચનને ફિલ્મની હિરોઇન બનવાનું ઘેલું હોય છે. ફિલ્મમાં હિન્દી ફિલ્મના સુપરસ્ટારની ભૂમિકા ધર્મેન્દ્રએ ભજવી હતી. આ ફિલ્મના એક સીનમાં જયા બચ્ચન, સમિત ભાંજા અને ધર્મેન્દ્ર ફિલ્મ સ્ટુડિયો જોવા જાય છે એ સમયે ધર્મેન્દ્ર ખંડેર બની ચૂકેલાં ફિલ્મ સ્ટુડિયોની જે ગાથા વર્ણવે છે તે ફિલ્મીસ્તાનની ગાથા હોય છે. હવે તો નેરેટર ધર્મેન્દ્ર અને ફિલ્મીસ્તાન બંનેની માત્ર યાદો જ રહી ગઇ છે.  રસપ્રદ બાબત એ છે કે ધર્મેન્દ્રના સંઘર્ષકાળમાં પણ આ ફિલ્મીસ્તાન સ્ટુડિયોની મહત્વની ભૂમિકા રહી છે. નવો નવો મુંબઇ આવેલો ધર્મેન્દ્ર એ જમાનામાં માટુંગામાં એક બંગાળી વૃદ્ધાના ઘરમાં રહેતો હતો. એ જમાનામાં ગોરેગાંવમાં આવેલાં ફિલ્મીસ્તાન સ્ટુડિયો જવા માટે માટુંગાથી રેલવે ટિકિટ બે રૂપિયા હતી. પરંતુ ધર્મેન્દ્ર પાસે રેલવે ટિકિટ કઢાવવાનો પણ વેત ન હોવાથી તે માટુંગાથી ગોરેગાંવ ચાલતો જતો હતો.