તુમ કો ક્યા ખબર, થી મૈં કિતની અકેલી...
- 'મુહબ્બત હો ન જાયે, દીવાના હો ન જાયે, સંભાલું કૈસે ઇસ કો મુઝે તૂ બતા દે...' આ ગીતમાં રોમાન્સરંગી રાગ પહાડીનો આશ્રય લેવાયો છે. કહેરવા તાલમાં ચોક્કસ વજન દ્વારા ગીતના શબ્દોમાં જમાવટ કરવામાં સંગીતકારોને સફળતા મળી છે
મૂકેશ ભટ્ટ નિમત અને વિક્રમ ભટ્ટ નિર્દેશિત ફિલ્મ 'કસૂર' (૨૦૦૧) એક થ્રિલર ફિલ્મ હતી. કેટલેક અંશે મર્ડર મિસ્ટરી કહી શકાય. આફતાબ શિવદાસાની અને નવોદિત લિસા રે એનાં મુખ્ય કલાકારો હતાં. લીસાનો હિન્દી ભાષા પરનો કાબુ એટલો બધો કમજોર હતો કે દિવ્યા દત્તાએ લીસાના બધા સંવાદો ડબ કર્યા હતા. મર્ડર મિસ્ટરી હોય ત્યારે આખી વાર્તા કહી દેવાથી ફિલ્મ જોવાની મઝા મરી જાય. ઉપર ઉપરથી સુખી દેખાય એવું એક દંપતી. એમાંની ીની હત્યા થાય. પોલીસને પતિ પર જ શંકા જાગે. સાંયોગિક પુરાવા પણ એવા જ છે. પોતાના બચાવમાં પતિ જે ક્રિમિનલ લાયરને રોકે છે એ મહિલા જ કથાનાયક સાથે સહશયન કરે છે. પછી રહસ્યસ્ફોટ થાય છે.
આ ફિલ્મ ૧૯૮૫માં રજૂ થયેલી અમેરિકન ફિલ્મ 'જેગ્ડ એજ'ની રિમેક છે. પરંતુ ડાયરેક્ટરે પોતે જાણે મૌલિક ફિલ્મ બનાવી હોય એવું દર્શાવવા ફિલ્મની પરાકાાનાં દ્રષ્યો બીજી એક અમેરિકી હોરર ફિલ્મ 'વ્હાટ લાઇઝ બિનીધ' પરથી તૈયાર કર્યો છે. ફિલ્મ સર્જક પોતે જ્યારે આવું કરે ત્યારે સંગીતકાર કોઇ વિદેશી ગાયકની તર્જ ઉપાડે ત્યારે શી રીતે વાંધો લેવો?
આશરે ત્રણ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે બોક્સ આફિસ પર તે વખતે ચૌદ કરોડનો બિઝનેસ કર્યો હતો. એ રીતે વિચારીએ તો ફિલ્મ ફ્લોપ ન કહેવાય. ફિલ્મમાં છ ગીતો છે. ફિલ્મનું સંગીત વખણાયું હતું. અગાઉ કહેલું એમ સમય અને ભાગ્ય નદીમ-શ્રવણ સાથે હતાં. નદીમ-શ્રવણની કારકિર્દીનો સૂર્ય મધ્યાહ્ને હતો એવા સમયે આ ફિલ્મ રજૂ થયેલી.
અલકા યાજ્ઞિાક અને કુમાર સાનુએ ગાયેલા 'દિલ મેરા તોડ દિયા ઉસ સે બૂરા ક્યું માનું, ઉસ કો હક હૈ, વો મુઝે પ્યાર કરે ના કરે...' શબ્દો સરસ છે અને સંગીતકારોએ આ ગીત નટભૈરવી રાગમાં સ્વરબદ્ધ કર્યાનો દાવો કરેલો. હકીકતમાં આ ગીત બોલિવુડમાં સંખ્યાબંધ યાદગાર ગીતો આપનારી અને મલ્લિકા-એ-તરન્નુમના નામે પંકાચેલી સુંદર અભિનેત્રી-ગાયિકા નૂરજહાંના એક ગીતની કોપી છે. ઘણા વડીલ સંગીતરસિકો આ લેખકને વ્હોટ્સએપ પર સંદેશા મોકલે છે કે નદીમ-શ્રવણે પાકિસ્તાની તર્જો વાપરીને સફળતા મેળવી હતી. હશે, આપણે આગળ વધીએ.
વાસ્તવમાં કેસેટ્સ ઉદ્યોગમાં ખળભળાટ મચાવી દેનારા ગુલશનકુમારની ૧૯૯૭માં હત્યા થઇ એ પછી થોડો સમય આ બંનેએ ખાસ્સું ઓછું કામ કર્યું હતું. એમના પુનરાગમન પછીની આ ફિલ્મ છે. જોકે ગુલશન કુમારની હત્યામાં નદીમ સંડોવાયો હોવાના આક્ષેપ થયા પછી નદીમે સ્વેચ્છાએ દેશ છોડી દઇને લંડન ચાલ્યા જવાનું પસંદ કર્યું હતું. અત્યારે નદીમ દુબઇમાં પરફ્યુમનો બિઝનેસ કરે છે.
અલકા અને કુમાર સાનુના જ કંઠે ઔર એક સરસ ગીત સાંભળવા મળે છે. 'મુહબ્બત હો ન જાયે, દીવાના હો ન જાયે, સંભાલું કૈસે ઇસ કો મુઝે તૂ બતા દે...' આ ગીતમાં રોમાન્સરંગી રાગ પહાડીનો આશ્રય લેવાયો છે. કહેરવા તાલમાં ચોક્કસ વજન દ્વારા ગીતના શબ્દોમાં જમાવટ કરવામાં સંગીતકારોને સફળતા મળી છે.
એકલવાયો કથાનાયક પોતાના મનની વાત કરે છે એ ગીત 'બડી ઉદાસ હૈ જિંદગી, કોઇ તો સાથી ચાહિયે, એક તલાશ હૈ જિંદગી, કોઇ તો સાથી ચાહિયે...' પરદા પર સરસ રીતે ફિલ્માવાયું હતું. આફતાબ શિવદાસાનીએ આ ગીત દરમિયાન અભિનયને અસરકારક બનાવવા સારી એવી મહેનત કરી હતી.
અલકા યાજ્ઞિાક અને ઉદિત નારાયણના કંઠે ગવાયેલા ડયુએટ 'કિતની બેચૈન થી કે તુમ કો મિલી, તુમ કો ક્યા ખબર, થી મૈં કિતની અકેલી...'માં સંગીતકારોએ નટભૈરવી રાગનો આધાર લીધો છે અને શબ્દોના વજનને અનુરૂપ કહેરવા તાલ અજમાવ્યો છે. ગીત સાંભળવું ગમે તેવું બન્યું. 'કસૂર'નું સંભવત: આ શ્રેષ્ઠ ગીત છે, જે આજે પણ ગવાતું-સંભળાતું રહે છે.
ફરી એકવાર ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિાકના કંઠે એક રોમાન્ટિક ગીત માણવા મળે છે. 'જો મેરી રૂહ કો ચૈન દે, પ્યાર દે, વો ખુશી બન ગયે હો તુમ, જિંદગી બન ગયે હો તુમ, જિંદગી બન ગયે હો તુમ...'
છેલ્લું ગીત 'કલ રાત હો ગયી, મુલાકાત હો ગયી, કુછ સુન ભી લિયા, કુછ કહ ભી દિયા...' કુમાર સાનુ અને અલકા યાજ્ઞિાકના કંઠે રજૂ થયું છે. આ ગીતે પરદા પર સારી જમાવટ કરી હતી.
એકંદરે આ ફિલ્મને બોક્સ આફિસ પર ટકાવી રાખવામાં ફિલ્મનાં સંગીતે સારો ફાળો આપ્યો હતો એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.