- આમિરે ખાને મ્યુઝિકલ કંપોઝર ત્રિપુટી શંકર-એહસાન-લોય અને ગીતકાર પ્રસૂન જોશીને કહ્યું: મને ભારતીય શાીય કે સુગમ સંગીત તો ઠીક, પાશ્ચાત્ય પોપ કે રોક એન રોલ જેવું કશું નહીં જોઇએ. રેપ સોંગ જેવું લયબદ્ધ પઠન હશે તો પણ ચાલશે. તર્જ કે લય ભારેખમ ન થવાં જોઇએ.
- 'તારે જમીં પર'
બા ળ ગીત કહો કે બાળ સાહિત્ય કહો યા બાળનાટક કે બાળ ફિલ્મ, એના સર્જકો તો પુખ્ત વયના હોય છે. બાળકના મનમાં ખરેખર શું ચાલી રહ્યું છે એ કહેવાનું સરળ નથી. લબ્ધપ્રતિષ્ઠ ગુજરાતી કવિ સુરેશ દલાલે આ મુદ્દો સમજી લઇને પોતાની પુત્રી માટે ખાસ બાળગીતો રચેલાં. બાળકનું ચિત્ત મોટેરાની તુલનાએ વધુ ચંચળ હોય છે એવું મનોચિકિત્સકો કહે છે. થોડી સેકંડ ઢીંગલી સાથે રમે તો પછીની થોડી સેકંડ એ બીજી કોઇ ચીજ તરફ આકર્ષાય. એમાંય કેટલાંક બાળકો ધાવણાં હોય ત્યારથી અત્યંત સ્લો લર્નર હોય. અક્ષરો, આંકડા, શબ્દો તરત સમજી ન શકે. બીજી બધી દ્રષ્ટિએ અત્યંત તરવરિયા હોય.
મનોચિકિત્સાની દ્રષ્ટિએ આવાં બાળકો ડિસ્લેક્સિયા નામના મનોરોગનો ભોગ બનેલાં હોય છે. એક અંદાજ મુજબ આપણા દેશમાં સાડાત્રણ કરોડ બાળકો આ મનોરોગનો ભોગ બનેલાં છે. માતાપિતા શૈક્ષણિક દ્રષ્ટિએ તેજસ્વી નીવડયાં હોય, પરંતુ સંતાન સ્લો લર્નર હોય ત્યારે માબાપનું ટેન્શન વધી જાય. સમયસર સારવાર શરૂ થાય તો બાળકનું ભવિષ્ય સુધરી જાય.
સહલેખિકા દીપા ભાટિયાએ એ મુલાકાતમાં કહેલું કે જાપાની ફિલ્મ સર્જક અકીરા કુરુસોવાની જીવનકથામાંથી એમને આ કથાબીજ મળેલું. બાળપણમાં કુરુસોવા પણ સ્લો લર્નર હતા. પાછળથી અવ્વલ દરજ્જાના ફિલ્મ સર્જક બન્યા.
એક તરફ બાળકો અને બીજી તરફ આ મનોરોગ. બંને બહુ ચેલેંજિંગ કહેવાય. છતાં પોતાની આગવી કોઠાસૂઝથી અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાને ડિસ્લેક્સિયાનો ભોગ બનેલા એક બાળકની કથા લઇને ફિલ્મ બનાવી- 'તારે જમીં પર'. ખુદ આમિરના કહેવા મુજબ આ કામ અખૂટ ધીરજ અને વ્યવસ્થિત આયોજન માગી લેનારું હતું. મૂળ તો આ કથા લખનારા અમોલ ગુપ્તે ફિલ્મનું ડિરેક્શન કરવાના હતા, પરંતુ પાછળથી આખીય જવાબદારી આમિર ખાને લઇ લીધી. આમિરના પોતાના બેનર તળે બનેલી આ ફિલ્મની સૌથી મોટી ખૂબી એ હતી કે એ દસ્તાવેજી ફિલ્મ નહોતી, એમાં ક્યાંય ઉપદેશ કે પ્રત્યક્ષ સૂચન નહોતાં. આ એક વ્યવસાયી (કમશયલ) ફિલ્મ હતી. આથક દ્રષ્ટિએ એક જોખમી સાહસ હતું.
એ સાહસ આમિર અને એની આખી ટીમને ફળ્યું. આ ચેલેંજ જરાય અતિશયોક્તિ વિના કહીએ તો હિમાલય જેવી ચેલેંજ હતી. એક ગીતમાં તો ૧૫૦૦ (પંદરસો) જેટલાં બાળકો સહભાગી થયાં છે. કોરિયોગ્રાફર શામક દાવરે પોતાની ડાન્સ સ્કૂલનાં બાળકોને લેવાની ઓફર કરેલી. આમિરે એને સમજાવ્યું કે મારે ટ્રેઇન્ડ બાળકો નહીં જોઇએ. દરેક મૂવમેન્ટ નેચરલ લાગે એ માટે મારે અનટ્રેઇન્ડ સ્કૂલ ચિલ્ડ્રન જોઇએ છે. આટલું કહીને આમિર અટક્યો નહીં. એણે મુંબઇની અને પંચગનીમાં આવેલી ન્યૂ એરા હાઇ સ્કૂલનાં બાળકોને ગીતમાં સહભાગી કર્યાં. આ ગીતનું શૂટિંગ પણ આમિરની ટીમ માટે પડકાર સમું હતું. ગીતમાં સહભાગી કોઇ બાળક સભાન થઇને કેમેરા સામે ન જોયા કરે એની ખાસ કાળજી રાખવાની હતી.
આમિરે ગીતકાર પ્રસૂન જોશીને અને સંગીતકાર શંકર-એહસાન-લોયને સાથે બેસાડીને સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે મને એકદમ સરળ શબ્દો જોઇએ. બાળક કાલીઘેલી બોલીમાં પોતાની વાત વ્યક્ત કરે એ રીતે ગીત રચાવાં જોઇએ. રહી સંગીતની વાત. આમિરે કહ્યું કે મને ભારતીય શાીય કે સુગમ સંગીત તો ઠીક, પાશ્ચાત્ય પોપ કે રોક એન રોલ જેવું કશું નહીં જોઇએ. રેપ સોંગ જેવું લયબદ્ધ પઠન હશે તો પણ ચાલશે. તર્જ કે લય જરાય ભારેખમ ન થવાં જોઇએ. આમ ગીતકાર અને સંગીતકારો માટે પણ આ ફિલ્મનું કામ મોટા પડકાર રૂપ હતું. આટલી વિગતવાર પ્રસ્તાવના પછી હવે આપણે ફિલ્મનાં ગીતોનો આસ્વાદ લઇએ. આ લખનારી દ્રષ્ટિએ સૌથી સરસ ગીત આ રહ્યું. શંકર મહાદેવને અત્યંત ભાવવાહી રીતે શબ્દોને બહેલાવ્યાં છે. એક બાળક પોતાની માતા સમક્ષ જે એકરાર કરે છે એની વાત છે. એકરારમાં માતા પરનો દ્રઢ વિશ્વાસ અને પોતાના મનમાં રહેલો ડર ગીતની સરળ તર્જમાં વ્યક્ત થાય છે. પુત્ર કહે છે- 'મૈં કભી બતલાતા નહીં, પર અંધેરે સે ડરતા હૂં મૈં માં, યું તો મૈં દિખલાતા નહીં, તેરી પરવા કરતા હું મૈં મા, તુઝે સબ હૈ પતા, હૈ ન માં....' આ છેલ્લી પંક્તિ વાંચો, 'હૈ ન માં' દ્વારા માતા પરનો બાળકનો દ્રઢ વિશ્વાસ કેવી સરસ રીતે વ્યક્ત થયો છે!
આમિર ખાન અને શાન ભેગાં થઇને બાળકના મનમાં પ્રગટતા વિસ્મયને નિરુપે છે એ ભાવ આ ગીતમાં રજૂ થાય છે- 'દેખો દેખો વો પેડ હૈ, ચાદર ઓઢે યા ખડા કોઇ, બારિશ હૈ યા આસમાન મેં, છોડ દિયે હૈં નલ કહીં...' આ ગીત પછીના શબ્દોને કારણે ખૂબ લોકપ્રિય થયેલું. એ શબ્દો આ રહ્યા- 'બમ બમ બોલે, મસ્તી મેં ડોલે, હે બમ ચીક બોલે, અરે મસ્તી મેં ડોલે...' આ ગીતમાં સંગીતકારોએ જરાય ભારેખમ ન લાગે એ રીતે સરગમ ગોઠવી દીધી છે.
બાળમનના વિસ્મયને પ્રગટ કરતું ઔર એક ગીત અનાયાસે ટાઇટલ ગીત બની ગયું છે. શંકર મહાદેવન અને સાઉથ ઇન્ડિયન ગાયિકા ('રૉક ઓન' ફિલ્મના 'યે તુમ્હારી મેરી બાતેં' ફેમ) ડોમિનિક સેરેજોના કંઠમાં છે. એનો ઉપાડ પણ જબરદસ્ત છે - 'દેખો ઇન્હેં, યે હૈં ઓસ કી બૂંદેં, પત્તોં કી ગોદ મેં આસમાન સે કૂદે, અંગડાઇ લે કર, ફિર કરવટ બદલ કર, નાજુક સે મોતી હંસ દે ફિસલ કર, ખો ન જાયે યે તારે જમીં પર...' શબ્દો અને સ્વર-લય અહીં ચમત્કારી રૂપે એક થઇ ગયાં છે. ટેસ્ટી શરબતમાં સુગંધ, મધુરતા અને ફળોનો રસ બધું એકરસ થઇ જાય એવું અહીં થયું છે.
જાણ્યે-અજાણ્યે શહેરી વસતિને સંબોધન થતું હોય એવું ગીત રમણ મહાદેવનના કંઠમાં છે. આ ગાયકે 'હે બેબી', 'જ્હોની ગદર' અને 'તારે જમીં પર' માટે ગાયું છે અને 'રમણેશિયા' નામે એનું એક આલ્બમ પણ રિલિઝ થયું છે. અહીં એણે સાદી સીધી સ્વરાંકિત રચનાને કંઠ આપ્યો છે. મુખડું છે- 'ખોલો ખોલો દરવાજે, પરદે કરો કિનારે, ખૂંટે સે બાંધી હૈ હવા, મિલ કે છુડાઓ સારે, આ જાઓ પતંગ લે કે, અપને હી રંગ લે કે, આસમાન કા શામિયાના, આજ હમેં હૈ સજાના...' છે ને બાળકના મનની૫૨મ ભલીભોળી કલ્પના! અહીં પણ સંગીતકારોએ શબ્દોને સહજપણે વહેવા દીધા છે. તર્જ શબ્દોની સાથે જાણે સંતાકૂકડી રમે છે. મૂળ પાકિસ્તાનથી આવેલા અને ભારતીય નાગરિકત્વ મેળવીને સંગીતમય જીવન જીવતા અદનાન સામીના કંઠે એક હિંગ્લીશ (હિન્દી વત્તા ઇંગ્લીશ) ગીત રજૂ થયું છે. બાળ મનની સ્વતંત્રતાની જે કલ્પના છે એ રજૂ કરતા આ ગીતનો ઉપાડ છે- 'અ લિટલ સ્વીટ, અ લિટલ સોફ્ટ, ઓ લિટલ ક્લોઝ નીડ'ને ત્રણ ત્રણ વાર રજૂ કરીને બાળમનની ઝંખનાને તીવ્રપણે ગીતકારે રજૂ કરી છે. બાળકને પ્રતિબંધો કે લાદેલું શિસ્ત નહીં જોઇએ, મોજમસ્તી કરવા થોડી છૂટછાટ જોઇએ છે.
એક ગીત બેકગ્રાઉન્ડમાં ગૂંજે છે. એમાં કાર્યને વળગી રહેવાની હાકલ છે- 'જમે રહો'. એનો ઉપાડ આ રીતે થાય છે- 'કસ કે જૂતા, કસ કે બેલ્ટ, મંજિલ કો ચલી સવારી, કંધોં પે જિમ્મેદારી, દુનિયા કા નારા જમે રહો, મંજિલ કા ઇશારા જમે રહો...' આમિર ખાને અહીં ગાયક તરીકે કોઇનું નામ રિલીઝ કર્યું નથી. 'દુનિયા કા નારા' શબ્દોને સાર્થક કરવા જાણે અવકાશમાં શબ્દો ગૂંજતા હોય એ રીતે ગીત મૂક્યું છે.
શબ્દોમાં રહેલા ભાવને સચોટ રીતે રજૂ કરતું ગીત લોય અને શંકરે ગાયું છે. બાળકોને મજા પડે એ રીતે પ્રસૂને શબ્દોની જમાવટ કરી છે. ગીત આ રીતે ઊપડે છે- 'વ્હાય કાન્ટ યુ ઇડિયટ વ્હાય કાન્ટ યુ, ક્યા હૈ પ્રોબ્લેમ ક્યૂં તેરા ભેજા કમ...' ગણિતમાં શૂન્ય માર્ક મળ્યો છે એને આ રીતે રજૂ કર્યું છે- 'ક્યૂં મેથ્સ મેં હો અંડા, ક્યૂં રોજ ખાતે ડંડા, અક્ષર જો નાચે, ક્યા ખાઇ હૈ ભાંગ..., ઇડિયટ ડફર લેઝી ક્રેઝી, ઇડિયટ ડફર લેઝી ક્રેઝી...' હસતાં હસાવતાં ડિસ્લેક્સિક બાળકની સ્થિતિને રજૂ કરી છે.
પેલા ગુજરાતી લોકગીત 'હાલાજી તારા હાથ વખાણું કે પરી તારા પગલાં પખાળું...' જેવી સ્થિતિ છે અહીં. ફિલ્મ સર્જક, ગીતકાર, સંગીતકાર, કોરિયોગ્રાફર, કેમેરામેન, એડિટર વગેરે બધાંનું ટીમ વર્ક એટલું પાવરફુલ છે કે પૂછો ન વાત. આ ફિલ્મને ઓસ્કાર માટે ભારતીય એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી હતી.
જોકે તેને ઓસ્કારનું નોમિનેશન પણ ન મળ્યું, ભલે, પણ ઘરઆંગણે ફિલ્મે જબરદસ્ત દેખાવ કર્યો, તે સુપરહિટ નીવડી. ડાયરેક્ટર તરીકે આમિરની પહેલી ફિલ્મ હોવા છતાં આમિરને પ્રચંડ સફળતા મળી.
બાળકોને આકર્ષે એવું સંગીત પીરસવામાં શંકર-એહસાન-લોય પણ કામિયાબ રહ્યા.


