Get The App

તસ્કરી: લખાણે તાકાત કરતાં ઓછી કરી

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
તસ્કરી: લખાણે તાકાત કરતાં ઓછી કરી 1 - image

- OTT ઓનલાઈન ઝિંદાબાદ- સંજય વિ. શાહ 

- પહેલીવાર થયું કે નેટફ્લિક્સના કોઈ બિનઅંગ્રેજી શોએ રિલીઝ સાથે દુનિયામાં ડંકો વગાડયો. 'તસ્કરી: ધ સ્મગલર્સ વેબ' સિરીઝ પાંચ દિવસમાં 54 લાખ વખત જોવાઈ. સારો કોન્સેપ્ટ, સરેરાશ સ્ક્રીનપ્લે, અટવાયેલાં પાત્રો છતાં, ખર્ચાળ નિર્માણ ભેગાં મળે ત્યારે આવી સિરીઝ બને. બધી વાતે શૂરીપૂરી થઈ શકવાની તાકાત છતાં છેવટે એ બની રહે છે જસ્ટ અનધર વાચ...

પહેલીવાર થયું કે નેટફ્લિક્સના કોઈ બિનઅંગ્રેજી શોએ રિલીઝ સાથે દુનિયામાં ડંકો વગાડયો. 'હીરામંડી' કે 'બે***ડ્સ ઓફ બોલિવુડ' જેટલી માત્રામાં દર્શકોએ એમની રિલીઝ સાથે જોઈ નહોતી એટલી જોઈ 'તસ્કરી: ધ સ્મગલર્સ વેબ.' ૧૪ જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ સિરીઝ પાંચ દિવસમાં ૫૪ લાખ વખત જોવાઈ. એવું શું છે નીરજ પાંડેની સિરીઝમાં કે એને ચિક્કાર સફળતા મળી?

મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક એની પશ્ચાભૂ છે. એરપોર્ટથી થતી દાણચોરીને ડામવા કસ્ટમ્સ અધિકારીઓ કઈ રીતે મથે છે એ છે કથા. અધિકારીઓમાં થોડા ઇમાનદાર અને ઘણા ભ્રષ્ટ છે. ઇમાનદાર અધિકારીઓ મોટાભાગ સસ્પેન્ડેડ છે: સુપરિન્ટેન્ડન્ટ અર્જુન મીના (ઇમરાન હાશમી), રવિ ગુજ્જર (નંદિશ સંધુ), મિતાલી કામત (અમૃતા ખાનવિલકર) વગેરે. એમના સસ્પેન્શન વચ્ચે મુંબઈ એરપોર્ટ પર ઇમાનદાર ઉચ્ચ અધિકારી પ્રકાશકુમાર (અનુરાગ સિંહા)ની વરણી થાય છે. આવતાંવેંત એ ઇમાનદાર અધિકારીઓનું સસ્પેન્શન રદ કરીને આદેશ આપે છે, 'ફરી કામે ચડી જાવ.' 

આ ઉચ્ચ અધિકારી ઉપર છે સર્વોચ્ચ અધિકારી પણ. એ છે માટીપગો અને તકસાધુ. ભ્રષ્ટાચાર સામે એને વાંધો નથી. એની એમાં સાંઠગાંઠ પણ છે. ભ્રષ્ટાચાર એમના મતે સિસ્ટમનો એક અનિવાર્ય હિસ્સો છે. કહેવા ખાતર એ પ્રકાશને છૂટો દોર આપે છે, પણ હકીકત જરા અલગ છે. 

દુનિયાના બીજા ખૂણે દાણચોરો છે. બડા ચૌધરી (શરદ કેળકર) એમનો સુકાની છે. સોનું, ર્ડ્ગ્સ, રમકડાં, મોંઘીદાટ ઘડિયાળોથી માંડીને જાતજાતની દાણચોરી એરપોર્ટ પર રોજિંદી બાબત છે. ચૌધરીની સિન્ડિકેટ વિવિધ શહેરોમાં ફેલાયેલી છે. પોતાનાં નેટવર્ક, કડદા અને કાયદા-ગુનાખોરી પરની પકડને ચૌધરી બરાબર જાણે છે. જોકે ઇમાનદાર અધિકારીઓ અને પ્રકાશકુમારના આવ્યા પછી એના સામ્રાજ્ય સામે પ્રશ્ન ખડો થઈ શકે છે. એમાં અર્જુન એના સંપર્કમાં આવેલી પ્રિયા (ઝોયા અફરોઝ)ને ચૌધરી સિન્ડિકેટમાં સિફતપૂર્વક પ્રવેશ કરાવે છે. બસ, મામલો સંગીન થવા માંડે છે. અર્જુન એન્ડ પાર્ટી દાણચોરીને જેર કરવા તો ચૌધરી પોતાની સર્વોપરિતા ટકાવી રાખવા જંગે ચડે છે અને... 

'તસ્કરી' જોવાલાયક હોવાનાં કારણો કયાં છે? સૌપ્રથમ, કસ્ટમ્સની દુનિયાને એ વિગતવાર અને રોચક રીતે રજૂ કરે છે. એરપોર્ટની પ્રથમદર્શી જડબેસલાક લાગતી વ્યવસ્થા પાછળની નબળાઈઓ, ગતિવિધિઓ આ રીતે કદાચ પહેલીવાર જોવા મળી છે. અથવા કહો કે ઓટીટીના ફલક પર એનું આ વ્યવસ્થિત પ્રથમાગમન છે.  બીજું, સિરીઝમાં એરપોર્ટ જોવાની મજા પડે છે. ભલે ઘણું શૂટિંગ સેટ્સ પર થયું હોય તો શું, ઇટ્'સ ઇન્ટરેસ્ટિંગ. જૂની ફિલ્મોમાં, સિત્તેરના દાયકાની ફિલ્મોમાં, દાણચોરી દેખાતી પણ એના કરતાં હવે રીત અલગ છે. હવે દાણચોરો અને અધિકારીઓ બેઉ પક્ષે અનેક નવાં ઉપાય અને મારણ છે. સિરીઝમાં એ જોવું રોચક છે. 

નેક્સ્ટ કારણ દમદાર નિર્માણ છે. મુંબઈ સહિત દેશ-વિદેશનાં લોકાલ્સ મસ્ત રીતે રજૂ થયાં છે. અલ દેરા, મિલાન, એડિસ અબાબા જેવાં શહેરો, મુંબઈ સિવાયનાં અગત્યનાં લોકેશન્સ છે. કાસ્ટિંગ પણ સરસ છે. હાશમી, કેળકર, અમૃતા ખાનવિલકર, જમીલ ખાન, હેમંત ખેર, વીરેન્દ્ર સક્સેના જાણીતાં છે. બાકીનાં કલાકારો સરપ્રાઇઝ પેકેજ તરીકે ખુશ કરી દે છે. થોડા આ પહેલાં લીડમાં કે અગત્યના પાત્રમાં દેખાયા છે પણ અહીં ધ્યાન ખેંચે છે. નંદિશ સંધુ, અનુરાગ સિંહા, ઝોયા અફરોઝ, સુમીત નિઝાવન, અનુજા સાઠે, અક્ષયા નાઇક, ફ્રેડી દારૂવાલા, શાહિદ લતીફ તથા અન્ય કલાકારો ગમી જાય છે. ખાસ કરીને સંધુ અને સિંહા. 

પાંડેને આ પ્રકારના વિષયોમાં સંશોધનનો ઉપયોગ કરીને રોચક કથા રજૂ કરવાની ફાવટ છે. એમની  તાકાતને કારણે સાધારણ પટકથા-સંવાદો પણ પ્રવાહિત અને પરફેક્ટ લાગે છે. સૌને એકતાંતણે બાંધતા લખાણમાં ગરબડ નથી, છતાં, રોમાંચની ખરેખર છેલ્લા બે એપિસોડ્સમાં વર્તાય છે. એ પહેલાં સિરીઝ ધારી શકાય એવી બાબતોથી ગાડું ગબડાવી શકી છે. 

અમુક સરેરાશ બાબતો પણ છે. એના લીધે સિરીઝની લંબાઈ વધી છે, ઊંડાણ નહીં. જેમ કે, છોટા-બડા ચૌધરીની બેક સ્ટોરી. દાખલા તરીકે અક્ષયાનો ટ્રેક. દાખલા તરીકે, અંજામ સુધી પહોંચવા ('ફેમિલી મેન'ની સ્ટાઇલમાં, એકાદ દ્રશ્ય પછી) છેવટે પ્રગટ થતું શ્રીકાંત સક્સેનાનું પાત્ર. આરંભે શૂરાના નાતે સબળ શરૂઆત પછી સિરીઝ ફટાફટ બીબાઢાળ થઈ જાય છે. ક્લાઇમેક્સ ધડધડ કરતાંક આવતો નથી, સીધો ઢાળી દેવાય છે. 

લેખક બેલડી નીરજ પાંડે અને વિપુલ કે. રાવલ છે. મોંઘી અને અન્યથા મજેદાર સિરીઝમાં એમનું લખાણ ઓછું પડે છે. પાત્રાલેખન, લગભગ બધાં જ કેરેક્ટર્સના કિસ્સામાં, અધકચરું છે. ઇમાનદાર અધિકારીઓની નાનકડી ફોજ છતાં એકપણ સ્ટેન્ડઆઉટ નથી. હાશમી પણ નહીં. હાશમી અને સિંહા બે મુખ્ય અંતિમો હોવા છતાં બેઉ પડદે અપૂરતા દેખાય છે. પ્રિયા અને મીનાક્ષી એમ બે પાત્રોનો પણ કલ્પનાશીલ ઉપયોગ નથી કરી શકાયો. ખલનાયકોની ફોજના લીડર કેળકરનું પાત્ર વિલન ઓછું અને મોડેલ વધારે છે. સ્ટાઇલમાં અને તાકાતમાં ફરક હોય છે. બાકીના ખલનાયકો ઉપલક જ રહી ગયા છે.  

પાંડે સાથે સિરીઝનું દિગ્દર્શન રાઘવ એમ. જયરથ અને બી. એ. ફિદાએ કર્યું છે. 'તસ્કરી'માં સાત એપિસોડ્સ છે. પાંચ કલાક ચોવીસ મિનિટ એની લંબાઈ છે. નિર્માતા શીતલ ભાટિયા છે. બેનર ફ્રાઇડે સ્ટોરીટેલર્સ છે. ટૂંકમાં, આ સિરીઝ જોવાનાં કારણો છે તો ટાળવાનાં કારણો પણ છે. જેની જેવી પસંદ, એવો એનો નિર્ણય હોઈ શકે છે.