હોલીવૂડના સૌથી પ્રભાવશાળી કલાકાર ટોમ ક્રુઝનું ૧૬ નવેમ્બરના રોજ માનદ્ ઓસ્કરથી થયેલું સન્માન તેની ચાર દાયકાની ઉજ્જવળ કારકિર્દીની સૌથી મહત્વની ઘડી હતી. એવોર્ડ પ્રસિદ્ધ ફિલ્મ સર્જક એલેજાન્ડરો જી. ઈનારિટુ દ્વારા આપવામાં આવ્યો હતો જે હાલ ક્રુઝ અભિનિત આગામી ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. સિનેમાને પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર કલાકાર માટે આ સન્માન તેણે સર્જેલી વિરાસત અને હજી પણ તેને પ્રેરક બળ પૂરુ પાડતી ધગશની કદર છે.
ક્રુઝ કાયમ એકેડમી એવોર્ડ ખાતે એક નોંધનીય હસ્તી રહ્યા છે, પણ અત્યાર સુધી આ સુવર્ણ મૂર્તિ તેની પહોંચથી બહાર જ રહી ગઈ હતી. છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન ક્રુઝને ચાર વાર ઓસ્કર નામાંકન મળ્યું હતું જેમાં 'બોર્ન ઓન ફોર્થ જુલાઈ' અને 'જેરી મેગુરી'માં શ્રેષ્ઠ કલાકાર તરીકે, 'મેગ્નોલિયા'માં શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે અને 'ટોપ ગન:મેવરીક'માં પ્રોડયુસર તરીકેના નામાંકન સામેલ હતા. સમીક્ષકો દ્વારા પ્રશંસિત પરફોર્મન્સ અને યોગદાન છતાં ક્રુઝને ક્યારેય સ્પર્ધાત્મક ઓસ્કર ન મળ્યો. માનદ્ એવોર્ડ આથી તેની સિદ્ધિઓની કદર તો છે સાથે સિનેમાને તેના અપાર યોગદાનની હોલીવૂડની માન્યતામાં લાંબા સમયથી રહી ગયેલો અવકાશ પણ પૂર્ણ કરે છે.
એવોર્ડ સ્વીકૃતિ દરમ્યાન આપેલા હૃદયસ્પર્શી ભાષણમાં ક્રુઝએ ક્રુ, સહકલાકારો, લેખકો અને પડદા પાછળ કામ કરીને ફિલ્મ ઉદ્યોગને સમૃદ્ધ કરનાર અસંખ્ય લોકો પ્રત્યે ઊંડી કૃતજ્ઞાતા વ્યક્ત કરી. ક્રુઝે કલ્પનાને પડદા પર જીવંત કરનાર લોકોને પણ યાદ કર્યા અને જણાવ્યું કે ફિલ્મ રજૂ કરવી એક સંયુક્ત પ્રયાસ છે. આ વિનમ્રતા અને સહિયારી ફિલ્મસર્જન ભાવનાની કદર જ ક્રુઝની કાર્યશૈલીની ખરી વિશિષ્ટતા છે. ત્યાર પછી એક શક્તિશાળી અને અંગત મંતવ્યમાં ક્રુઝે પોતે ચાલીસ વર્ષ સુધી સિનેમા પ્રત્યે પ્રતિબદ્ધ રહી શક્યો તેના કારણ સ્પષ્ટ કર્યા. તેણે જણાવ્યું કે સિનેમા મને વિશ્વમાં લઈ જાય છે. સિનેમાએ મને મતભેદની કદર અને આદાર કરવાનું શીખવ્યું છે. તે આપણને આપણી સહિયારી માનવતા દર્શાવે છે. આપણે કોઈપણ સ્થળેથી આવ્યા હોઈએ, કોઈપણ થિયેટરમાં કામ કર્યું હોય, આપણે સાથે મળીને ખુશી મનાવીએ છીએ, લાગણીઓ અનુભવ કરીએ છીએ, આ જ તો આ કલાની શક્તિ છે. ક્રુઝના શબ્દોમાં ફિલ્મોની વૈશ્વિક અપીલની ઝલક જોવા મળે છે. ક્રુઝ કહે છે કે તે ફિલ્મ સર્જનને માત્ર એક વ્યવસાય જ નહિ પણ પોતાની ઓળખ પણ ગણે છે. ક્રુઝ કહે છે કે ફિલ્મોનું સર્જન મારુ કાર્ય નથી, મારી ઓળખ છે.


