હોલિવુડનું ઝગમગ વિશ્વ ફરી એક હાઈપ્રોફાઈલ બ્રેકઅપનું સાક્ષી બન્યું છે. સુપરસ્ટાર ટોમ ક્રુઝ અને ઍના ડે અર્માસે પોતાનો પથ અલગ કંડારવાનું નક્કી કર્યું છે. ફેબુ્રઆરીમાં રોમાન્સની અફવાને બળ આપનારા આ કપલે સત્તાવાર રીતે છૂટા પડયાની જાહેરાત કરી નાખી છે. સામાન્ય રીતે હોલિવુડમાં થતા કંકાસથી વિપરીત બંને કલાકારોએ આ બ્રેકઅપને ગરિમા અને સમજદારીથી હેન્ડલ કર્યું છે. રસપ્રદ બાબત છે કે તેમનો આ અંગત બ્રેકઅપ છતાં તેઓ સાથે કામ કરવાનું ચાલુ રહેશે. ઍનાને ટોમ ક્રુઝના આગામી પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવી છે. તેઓ આગામી સુપરનેચરલ થ્રિલર ડીપર અને પ્રેશર નામના અન્ય પ્રોજેક્ટમાં પણ અભિનય કરવાના છે. તેમના વચ્ચે સંબંધ બંધાયો ત્યારે વિશ્વભરના ચાહકો રોમાંચિત થયા હતા. ખાસ તો તેમના વયભેદને કારણે. બન્ને વચ્ચે ૨૬ વર્ષની તફાવત છે. ટોમ ક્રુઝની વય ૬૩ જ્યારે ઍનાની ૩૭ વર્ષ છે.
તેમનો રોમાન્સ આ વર્ષની શરૂઆતમાં જગજાહેર થયો હતો. તેમની સગાઈની પણ અટકળો થવા લાગી. લોકોને લાગતું હતું કે આ સંબંધ લાંબો ચાલશે.
ટોમ ક્રુઝ માટે અભિનેત્રી કેટી હોમ્સ સાથે ૨૦૧૨માં છૂટાછેડા પછી આ પહેલી સિરીયસ રિલેશનશિપ હતી.અગાઉ ટોમે ૧૯૮૭થી ૧૯૯૦ દરમ્યાન મીમી રોજર્સ સાથે અને ૧૯૯૦થી ૨૦૦૧ દરમ્યાન નિકોલ કિડમન સાથે સાથે લગ્નજીવન વિતાવ્યું હતું. બીજી તરફ ઍના અને બેન એફલેકનો રોમાન્સ ખૂબ ચર્ચાયો હતો. અગાઉ ૨૦૧૧થી ૨૦૧૩ સુધી તે સ્પેનિશ કલાકાર માર્ક ક્લોટેટ સાથે લગ્ન સંબંધથી જોડાઈ હતી. ૧૯૬૨માં ન્યુ યોર્કમાં જન્મેલો ટોમ ક્રુઝ 'ટોપ ગન', 'રિસ્કી બિઝનેસ' અને 'રેઇન મેન' જેવી ક્લાસિક ફિલ્મોને કારણે આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામ્યો હતો. છેલ્લા ચાર દાયકા દરમ્યાન એ વિશ્વનો સૌથી સફળ અને વિશ્વસનીય સ્ટાર પૈકી એક બની ગયો. એની 'મિશન: ઈમ્પોસીબલ' સિરીઝે આધુનિક એક્શન સિનેમાને નવી વ્યાખ્યા આપી છે.
બીજી તરફ ૧૯૮૮માં ક્યુબાના હવાનામાં જન્મેલી અના ડે અરમસ 'બ્લેડ રનર ૨૦૪૯', 'નાઈવ્ઝ આઉટ' અને 'બ્લોન્ડ'માં પોતાના અદ્ભુત પરફોર્મન્સ સાથે સ્પેનીશ ટીવીમાંથી વૈશ્વિક સ્ટારડમ પામી હતી. 'બ્લોન્ડ' માટે તો તેને ગોલ્ડન ગ્લોબ નામાંકન પણ મળ્યું હતું. હોલિવુડની આ પાવરહાઉસની આ જોડી ટકી ત્યાં સુધી સિનેમેટીક મેજિક માનવામાં આવતી હતી.


