- આજે બેથી ચાર મિનિટની અવધિ ધરાવતા માઈક્રો ડ્રામા કન્ટેન્ટની દુનિયામાં ધૂમ મચાવી રહ્યાં છે. ભારતમાં પણ આ વર્ટિકલ શોઝની માંગ વધી છે
એક સમયમાં ટીવી સીરિયલો વર્ષાનુવર્ષ ચાલતી રહેતી. અલબત્ત , આજે પણ કેટલીક ધારાવાહિકો લાંબા સમય સુધી ચાલે છે. જ્યારે કેટલીક ગણતરીના મહિનામાં જ વિરામ લઈ લે છે. પણ હવે જે નવો ટ્રેન્ડ શરૂ થયો છે તે એક એપિસોડના વીસમા ભાગ જેટલો પણ નથી હોતો. કહેવાનો અર્થ એ છે કે આજે બેથી ચાર મિનિટની અવધિ ધરાવતા માઈક્રો ડ્રામા કન્ટેન્ટની દુનિયામાં ધૂમ મચાવી રહ્યાં છે. અમેરિકા અને ચીન જેવા દેશોમાં લોકપ્રિયતાના શિખરો સર કર્યા બાદ ભારતમાં પણ આ વર્ટિકલ શોઝની માંગ વધી પડી છે.
વાસ્તવમાં આ બે-ચાર મિનિટના વર્ટિકલ શોઝ આધુનિક યુવાપેઢીને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી રહ્યાં છે, ખાસ કરીને મોબાઈલ માટે. તેનું કન્ટેન્ટ અતિઝડપી , લાઉડ, ઓવર ધ ટૉપ અને ટ્વિસ્ટથી ભરપૂર હોય છે. એક રિપોર્ટ મુજબ ગયા વર્ષમાં વિશ્વભરમાં શોર્ટ ડ્રામા માર્કેટ બિજનેસ ૬. ૫૪ બિલિયન ડોલરથી વધીને ૭.૨૧ બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. જ્યારે ૨૦૩૦ની સાલ સુધી આ બિઝનેસ બમણો થઈ જશે એમ માનવામાં આવે છે. ચીનમાં માઈક્રો ડ્રામાની કમાણી ત્યાંની વર્ષભરની બોક્સ ઓફિસની કમાઈને વળોટી ગઈ હતી. અને હવે આપણા દેશમાં પણ આ ચલણ ઝપાટાભેર લોકપ્રિય થઈ રહ્યું છે. સૂત્રોએ આવાતમાં તથ્ય છે એ પુરવાર કરવા કહ્યું હતું કે આપણે ત્યાં માઈક્રો ડ્રામા બનાવનાર કુકુ ટીવીની એપ એક વર્ષથી પણ ઓછા સમયાં પાંચ કરોડથી પણ વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. તેવી જ રીતે રીલ ટીવી, રીલીઝ, રીલ શોર્ટ, ફ્લિકરીલ્સ પણ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યાં છે.
મહત્ત્વની વાત એ છે કે ઓછા ખર્ચમાં તૈયાર થતાં માઈક્રો ડ્રામા વળતર ઝાઝું આપે છે. પરિણામે વિક્રમ ભટ્ટ જેવા જાણીતા દિગ્દર્શક તેમ જ એમએક્સ પ્લેયર, ઝી એન્ટરટેઈનમેન્ટ, ટીવીએફ જેવા મોટા પ્લેટફોર્મ તેમાં રોકાણ કરી રહ્યાં છે.
માઈક્રો ડ્રામાનો અન્ય મોટો લાભ એ છે કે તેને માટે ન તો મોટા સ્ટાર્સની આવશ્યક્તા રહે છે ન વિશાળ બજેટની. વળી તેને વિવિધ ભાષાઓમાં રજૂ કરી શકાય છે. તે પ્રોફેશનલી બનાવવામાં આવતાં હોવાથી તેની ગુણવત્તા સિનેમેટિક બનાવવામાં આવતાં હોવાથી તેની ગુણવત્તા સિનેમિટેક હોવાથી આધુનિક યુવા પેઢી તે ખૂબ પસંદ કરે છે.
માઈક્રો ડ્રામાની બોલબાલા વધતાં ટીવી કે ફિલ્મોમાં પોતાની ઓળખ ઊભી કરવા ઈચ્છતાં કલાકારો-ઈન્ફ્લુઅર્સ માટે આ મંચ મહત્ત્વનો પુરવાર બની રહ્યો છે. ટીવી પર 'મોર ડોલી મોરે અંગના',' પતિ બ્રહ્મચારી' જેવી સિરિયલોમાં કામ કરનાર કલાકાર વરિશપ ખન્ના કહે છે કે તાજેતરમાં મેં વર્ટિકલ શો 'સીક્રેટ એમ્પાયર' માં કામ કર્યું.
વાસ્તવમાં મને માઈક્રો ડ્રામા વિશે ખાસ કોઈ જાણકારી નહોતી. મને એમ લાગતું હતું કે વર્ટિકલ શોમાં ઓછા બજેટમાં કામ થઈ જતું હશે. પરંતુ કામ કરતી વખતે મને સમજાયું કે તેને માટે ત્રણ કેમેરાનું સેટ અપ કરવામાં આવ્યું હતું. તેના એક દ્રશ્યમાં મને ૧૦ કરોડ રૂપિયાની વાઈનની વાત કરવાની હતી. અને જ્યારે શો રજૂ થયો ત્યારે આ દ્રશ્ય સૌથી વધુ વાઈરલ થયું. મેં ટીવી પર બાર વર્ષ સુધી કામ કર્યાં પછી પણ જે ખ્યાતિ નહોતી મેળવી તેનાથી વધુ કીર્તિ મને આ માઈક્રો ડ્રામાએ અપાવી.
માઈક્રો ડ્રામાએ ઘણાં ઈન્ફ્લુઅર્સની બલ્લે બલ્લે કરાવી દીધી છે. તેઓ સ્વયં ઈન્સ્ટાગ્રામ, ફેસબુક પર શોર્ટ સીરિઝ બનાવીને મૂકે છે. જેમ કે સાક્ષી કેસવાનીની 'અનમેચ્ડ' આરજે કરિશ્માની 'બ્રાઈટ ભવિષ્ય લોડિંગ', 'યશ્વી બગ્ગાની 'હમારી અધૂરી કહાની' રિતીકા શ્રોત્રીની 'ગ્રેસ' અને 'ગૌરી ' જવી શોર્ટ સીરિઝો ખાસ્સી લોકપ્રિય છે.
એમ કહેવાય છે કે નવી પેઢીના યુવાનો અને યુવતીઓમાં વધુ સમય સુધી કંઈપણ જોવાની ધીરજ નથી રહી. પરિણામે માઈક્રો ડ્રામાની ડિમાન્ડ વધી પડી છે. તો શું એમ માનવું ખોટું ગણાશે કે જેન ઝેડ ફિલ્મો અને વેબ સીરિઝો જોવાનું ઓછું કરી નાખશે?
જો કે આપણા દેશમાં માઈક્રો ડ્રામાનું ચલણ હમણાં હમણાં વધ્યું છે. તેથી તેને કારણે વેબ સીરિજો કે ફિલ્મોને કેટલું જોખમ છે એ કહેવ ું વહેલાસરનું ગણાય. આમ છતાં અધીરા લોકો માટે આ બે-પાંચ મિનિટનો પેકેજડ ડ્રામા બેસ્ટ ઓપ્શન બની રહ્યો છે એ વાત ચોક્કસ.


