Get The App

ટિસ્કા ચોપરા: માનવીના મનમાં ડોકિયું કરવાની મજા

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
ટિસ્કા ચોપરા: માનવીના મનમાં ડોકિયું કરવાની મજા 1 - image

- 'કેટલાક લોકો કોઈને દેખાડી દેવાને બદલે સાદગીપૂર્વક જીવવાનું  પસંદ કરે  છે.  આ સીધાસાદાં  બહારથી સાવ સાધારણ  દેખાતા લોકો ભીતરથી  અત્યંત  સમૃદ્ધ હોય એવું  બિલકુલ શક્ય છે.' 

સહજ અભિનયની  સ્વામીની  ટિસ્કા ચોપરાએ  હવે  કેમેરા પાછળ  રહીને કામ કરવાનું શરૂ કરી દીધું છે.  તેના દિગ્દર્શનમાં  બનેલી સૌપ્રથમ   ફિલ્મ  'સાલી મોહબ્બતેં'  દર્શકોને  કંઈક નવું દેખાડી  રહી છે.  અદાકારાએ  કહ્યું હતું કે  માનવીના મનનો કોઈ અંત નથી. માણસનું અસીમ મન  અત્યંત જટિલ છે. મેં આ  ફિલ્મના  પ્રત્યેક  પાત્રની ભીતરમાં  શું ધરબાયેલું  છે તે દર્શકો  સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ  કર્યો  છે. 

અદાકારા કહે છે કે મારા માટે આ  ફિલ્મ  ત્રણ થરના કેક જેવી  છે.    પહેલું થર એકદમ  રસીલું, ગરવાળું, બીજા થરમાં  મર્ડર મિસ્ટરી અને ત્રીજા થરમાં  દરેક માનવીની  પોતાની ચમકદમક  દ્વારા અન્યોને  ઝાંખા  પાડવાની મથામણ. જો કે કેટલાંક લોકો આવું કંઈ કરવાને બદલે સાદગીપૂર્વક જીવવાનું  પસંદ કરે  છે.  આ સીધાસાદાં  બહારથી સાવ સાધારણ  દેખાતાં લોકો ભીતરથી   અત્યંત  સમૃદ્ધ હોય એવું પણ બને.

ટિસ્કા  આ ફિલ્મની સહલેખિકા   પણ  છે.  આ  ફિલ્મની  કહાણી તેણે   તેના  પતિ સંજય ચોપરા  અને નમ્રતા  શેનોય  સાથે મળીને   લખી છે.  તેને પોતાને જ આ પટકથા  અને રાધિકા આપ્ટે દ્વારા ભજવાયેલી મુખ્ય  ભૂમિકા એટલી  બધી ગમી ગઈ   હતી  કે તે સ્વયં  આ રોલ કરવા લલચાઈ  હતી. જો કે  ફિલ્મના  નિર્માતા મનિષ મલ્હોત્રાએ  તેને કહ્યું હતું  કે દિગ્દર્શન  ક્ષેત્રે આ તારી  સૌપ્રથમ  ફિલ્મ  છે.  તેથી તારે માત્ર  તેના પર જ ધ્યાન કેન્દ્રિત  કરવું  જોઈએ.  ટિસ્કાને  તેમની વાતમાં તથ્ય લાગ્યું હતું તેથી આ પાત્ર રાધિકાને આપવામાં આવ્યું.