સોચ લિયા કુછ ભી હો યાર, મૈં તો કરુંગી તુમ સે પ્યાર...
- સિને મેજિક- અજિત પોપટ
- 'પ્રિન્સ ઓફ રોમાન્સ'ના તરીકે દુનિયાભરમાં જાણીતા પિયાનોવાદક રિચર્ડ ક્લેડરમેને 'તુમસા નહીં દેખા'ના એક ગીતમાં રૂપકુમાર રાઠોડને સાથ આપ્યો હતો
ફિલ્મ સંગીતના સુવર્ણ યુગનાં સદાબહાર ગીતોથી જીવન સંધ્યાને માણી રહેલા સિનિયર સિટિઝન્સ તો 'તુમ સા નહીં દેખા'ને કદી ભૂલી નહીં શકે. ઊછળતો કૂદતો શમ્મી કપૂર અને ફિલ્મિસ્તાનના જાલાનની શોધ સમી અભિનેત્રી અમિતા. ઓ. પી. નય્યરનું એવરગ્રીન સંગીત અને એક-એકથી ચડે એવાં કર્ણપ્રિય ગીતો. યસ, ૧૯૫૭માં રજૂ થયેલી ફિલ્મ 'તુમ સા નહીં દેખા' એના સંગીતથી ખૂબ જામી હતી.
સારાં ટાઇટલ્સ નહીં મળતાં હોય કે ગમે તેમ પણ પછી જૂની ફિલ્મોનાં ટાઇટલ કે જૂનાં ગીતોનાં મુખડાંને ટાઇટલ બનાવીને ફિલ્મો આવતી થઇ. આજે જે ફિલ્મના સંગીતની વાત કરવી છે એનું ટાઇટલ પણ 'તુમ સા નહીં દેખા' છે. મૂકેશ ભટ્ટ અને અનુરાગ બસુ ૨૦૦૪માં આ નવી 'તુમ સા નહીં દેખા' લઇને આવેલા. ઇમરાન હાશમી અને દિયા મિર્ઝા આ ફિલ્મનાં મુખ્ય કલાકાર હતાં. આઠ કરોડમાં બનેલી આ ફિલ્મે રોકડી પાંચ કરોડની કમાણી કરી હતી. એ દ્રષ્ટિએ આ ફિલ્મને તમે હિટ ન કહી શકો પણ એનું સંગીત ખૂબ જામ્યું હતું. સમીરનાં ગીતોને નદીમ-શ્રવણે સંગીતથી સજાવ્યાં હતાં. સૌથી વધુ મહત્ત્વની વાત એ હતી કે દુનિયાભરમાં પ્રિન્સ ઓફ રોમાન્સના હુલામણા નામે જાણીતા પિયાનોવાદક રિચર્ડ ક્લેડરમેન આ ફિલ્મના એક ગીતમાં રૂપકુમાર રાઠોડ સાથે હતા. એટલે આ ગીતને સ્ટેજ પ્રોગ્રામ્સમાં જબરદસ્ત આવકાર મળેલો.
ચોવીસે કલાક શરાબના નશામાં રહેતા એક શ્રીમંત યુવાનને એક ડાન્સર સાથે પ્રેમ થઇ જાય છે એવી આ કથા હતી. ઇમરાન હાશમી તોપ પહેલેથી સિરિયલ કિસર તરીકે જાણીતો થયેલો. ફિલ્મમાં આમ તો નવ ગીતો છે પરંતુ એકાદ ગીત રિપીટ થાય છે. રૂપકુમાર રાઠોડે ગાયેલું અને રિચર્ડ ક્લેડરમેનના સહયોગથી ગૂંજેલું ગીત પહેલાં લઇએ. આ ગીત સદા સુહાગિન ભૈરવીમાં છે. શબ્દો છે, 'યે ધુઆં, ધુઆં-સા રહને દો, મુઝે દિલ કી બાત કહને દો, મૈં પાગલ દીવાના તેરા, મુઝે ઇશ્ક કી આગ મેં જલને દો...' પ્રણયને આગ સાથે વર્ણવ્યો છે. ગીતમાં સરસ કલ્પનો છે. તર્જ અને કહેરવો લય બંને ગીતને કર્ણપ્રિય બનાવે છે.
સંગીતકારો સતત પ્રયોગ કરતા રહ્યા હશે એમ માની લઇએ. યુરોપથી રિચર્ડ ક્લેડરમેન આવ્યા એમ એક ગીત નુસરત ફતેહ અલી ખાનની તર્જ પરથી તૈયાર કરેલું છે. સોનુ નિગમના કંઠે ગવાયેલું આ ગીત 'મેરે દિલ બતા, જાઉં કહાં, તનહાઇયાં તનહાઇયાં...' વ્યક્તિ પ્રણયભગ્ન થઇ જાય અથવા પ્રિય પાત્ર સાથે અનબન થઇ જાય ત્યારે એકલતા સહન ન થાય એ આ ગીતનું હાર્દ છે. 'તનહાઇયાં તનહાઇયાં... ' ભૈરવી રાગિણી પર વધુ એક ગીત આધારિત છે. ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલના કંઠે રજૂ થયેલા આ ગીતના શબ્દો છે, 'ભીડ મેં, તનહાઇ મેં, પ્યાર કી ગહરાઇ મેં, દર્દ મેં રુસ્વાઇ મેં, મુઝે તુમ યાદ આતે હો...' આ પણ પ્રિય પાત્રના વિરહની વેદનાને વાચા આપતું ગીત છે. આ ગીત પરદા પર રિપીટ થાય છે. તર્જમાં રહેલી વેદના સંગીત રસિકને સ્પર્શી જાય છે.
'મુઝે તુમ સે મુહબ્બત હૈ દીવાનગી તક, દિવાના મુઝે બનાઓ ના, દિવાનગી કી હદ તક...' ગીતની આ બીજી પંક્તિ ન સમજાય તો કંઇ વાંધો નહીં. ક્યારેક બોલિવુડના ગીતકારો આવું કશુંક ઠોકી બેસાડતા હોય છે. આ ગીતને શાન અને શ્રેયા ઘોષાલનો કંઠ સાંપડયો છે. શબ્દોને અનુરૂપ તર્જ લય બન્યાં છે એટલું જરૂર કહી શકાય.
'વો હમ સે ખફા હૈં, હમ ઉન સે ખફા હૈં, મગર બાત કહને કો જી ચાહતા હૈ...' આવું વાસ્તવ જીવનમાં પણ બને છે. પ્રિય પાત્રો વચ્ચે ગરમાગરમી થાય પછી બંનેને એમ થાય કે એ મને બોલાવે. અહં-ક્લેશ ત્યજીને બેમા્ંથી એક જણ પહેલ કરે તો કિટ્ટા રહેતી નથી. આ ગીત રાગ પહાડી પર આધારિત છે.
ફિલ્મનું સૌથી યાદગાર ગીત શ્રેયાના કંઠમાં છે એમ કહી શકાય. 'ધનાંક કા રંગ હૈ બિખરા મેરે દુપટ્ટે પે સારી ખૂશ્બુ મેરી બાંહોં મેં સીમટ આયી હૈ...' (ધનાંક એટલે મેઘધનુષ)
છેલ્લું ગીત મૈંને 'સોચ લિયા કુછ ભી હો યાર, મૈં તો કરુંગી તુમ સે પ્યાર...' ફરી એકવાર ભૈરવીમાં સ્વરબદ્ધ છે. જોકે ફિલ્મનાં ત્રણે ભૈરવી આધારિત ગીતો એકમેકથી અલગ મૂડ-મિજાજ ધરાવે છે. આ ગીતને ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલે જમાવ્યું છે.
શમ્મી કપૂર-અમિતાવાળી 'તુમ સા નહીં દેખા' ફિલ્મ બધી રીતે હિટ હતી. આ ફિલ્મે બંને મુખ્ય કલાકારોને આગલી હરોળમાં લાવી દીધા હતા. ખાસ તો ઓ. પી. નય્યરના સંગીતનો જાદુ ચોમેર છવાઇ ગયો હતો. એ રીતે જોઇએ તો નવી 'તુમ સા નહીં દેખા'નાં ગીતો આજે ફક્ત નદીમ-શ્રવણના ચાહકોને યાદ હશે. જો કે ઓ. પી. નય્યર અને નદીમ-શ્રવણની તુલના કોઇ રીતે શક્ય નથી. ફરક માત્ર એટલો કે મહેશ ભટ્ટ-અનુરાગ બસુની 'તુમ સા નહીં દેખા' ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઇ ગયેલી. ૧૯૫૭ની શમ્મી કપૂરવાળી ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. આજે પણ એ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ જોવી માણવી ગમે.