ઓટીટીની સાચી-ખોટી અને મોંઘી મથરાવટી .
- OTT ઓનલાઈન ઝિંદાબાદ- સંજય વિ. શાહ
- જેને આપણે સગવડિયું, સસ્તું અને અનેકરંગી મનોરંજન ગણીએ છીએ એવું ઓટીટીનું વિશ્વ હવે અટપટું, ખર્ચાળ અને ખટપટિયું થઈ ગયું છે
- જાહેરાતોના અતિરેકથી દર્શકના માનસ અને બ્રાન્ડ્સ પર શી અસર પડે છે. દર્શક પર પડતી અસર મનોવૈજ્ઞાાનિક તો બ્રાન્ડ્સ પર પડતી અસર આર્થિક છે
ઘેરબેઠા સોંઘા ભાવે ઓટીટી માણવાના દિવસો પૂરા થઈ રહ્યા છે કે શું? અને ઓટીટી એટલે વગર જાહેરાતનું, અસ્ખલિત મનોરંજન પીરસતું પ્લેટફોર્મ એ વ્યાખ્યા પણ બદલાઈ રહી છે કે શું? કોવિડ પછી દેશમાં ફેલાયેલા ઓટીટીના પ્રચંડ જુવાળ વખતે ઓટીટી પ્લેટફોર્મ્સે દર્શકોને અંકે કરવા, ખરેખર કહો કે પૈસા ફેંક તમાશા દેખ સુધી જેમને લઈ જઈ શકાય એવા સબસ્ક્રાઇબર્સનો મહાસાગર ઊભો કરવા, જે લલચામણી ઓફર્સ વહાવી હતી એનો પ્રવાહ હવે મંદ પડી રહ્યો છે. એની જગ્યાએ આવી ગયું છે નવું વલણ. એવું જેમાં પૈસા ભરીને મનોરંજન માણનાર સબસ્ક્રાઇબર્સને પણ હડફેટમાં લેવામાં આવી રહ્યા છે. શું છ આ ફેરફારો અને એની કેવીક અસર આપણા ગજવા અને મનોરંજન પર પડવા માંડી છે?
શરૂઆત જરા અલગ મુદ્દા સાથે કરીએ. એક અહેવાલમાં જણાવ્યા મુજબ ૨૦૨૩ના આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ વખતે ઓટીટી પર દર્શાવાયેલી જાહેરાતોમાંની ૮૦% જાહેરાતો એવી હતી જે બિનસ્વાસ્થ્યપ્રદ પ્રોડક્ટ્સ વેચનારી હતી. એ જાહેરાતોએ જન્ક ફૂડ, દારુ, તમાકુનાં ઉત્પાદનો વેચવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. શરમજનક કે ખેદની વાત એ પણ હતી કે આમાંની અનેક જાહેરાતો સીધી અને નફ્ફટ રીતે બાળકોને ટાર્ગેટ કરતી હતી. એમાં આપણા કહેવાતા સેલિબ્રિટીઝ ચમકતા હતા.
હવે એ પણ જાણી લો કે જાહેરાતોના અતિરેકથી દર્શકના માનસ અને બ્રાન્ડ્સ પર શી અસર પડે છે. દર્શક પર પડતી અસર મનોવૈજ્ઞાાનિક તો બ્રાન્ડ્સ પર પડતી અસર આર્થિક છે. જાહેરાતોના અતિરેકથી જેઓની મતિ અસરગ્રસ્ત થઈ છે એવા દેશોમાં પહેલા સ્થાને અમેરિકા, બીજા સ્થાને ઓસ્ટ્રેલિયા છે. ત્રીજા સ્થાને આપણો દેશ પહોંચી ગયો છે. આ 'પ્રગતિ' નથી પણ અધોગતિ છે કારણ કમર્શિયલાઇઝેશનની આ વરવી રમત શ્રીમંત અમેરિકા અને ઓસ્ટ્રેલિયા કરતાં ભારતીયો માટે ધારદાર તલવાર છે. આ તલવારે મધ્યમવર્ગીય ભારતીયોને અર્થવિહોણા ખર્ચ કરતા કરી નાખ્યા છે. એના લીધે મધ્યમવર્ગ બચત કરવાના સ્વભાવને ભૂલી રહ્યો છે. વસ્તુની જરૂર હોય કે ના હોય, ક્ષણિક આવેગ, દેખાદેખી અને મૂર્ખતાના પાપે લોકો એ બધું ખરીદી રહ્યા છે જેની એમને લગભગ જરૂર જ નથી.
આ બધું બિનજરૂરી આપણને કોણ વેચી રહ્યું છે? બ્રાન્ડના બેતાજ બાદશાહો જેમનાં ઘર એકધારા નફાનાં ઘર બની રહ્યાં છે. એ સેલિબ્રિટીઝ જેમને નામ અને દામ સિવાય કોઈ વાતની પડી નથી. અને આ લોકો પોતાની મેલી મથરાવટી કેવી રીતે પાર પાડી રહ્યા છે. ટેલિવિઝનથી લઈને હોર્ડિંગ્સ અને વેબસાઇટ્સથી લઈને ઓટીટી પ્લેટફોર્મ્સ સુધી બધે જાહેરાતોના મહાસાગર ફેલાવીને.
ઓટીટી પર જાહેરાતોનો મારો હવે જે રીતે ચાલવા માંડયો છે એ બેહદ ચિંતાજનક છે. પહેલાં એવું હતું કે લવાજમ લઈને ચાલતાં પ્લેટફોર્મ્સ જાહેરાતોથી મુક્ત હતા. દર્શક વગર જાહેરાતનું મનોરંજન માણવા રૂપિયા ભરતો એનું એમાં સન્માન જળવાતું હતું. જાહેરાતો સાથે મનોરંજન પીરસતાં ઓટીટી પ્લેટફોર્મ્સ લવાજમ વિના માણી શકાતાં હતાં. હવે પેઇડ ઓટીટી સબસ્ક્રિપ્શન્સ પછી પણ, જાહેરાત જોવી પડે છે. પ્રાઇમ વિડિયોએ એમાં એવી છટકબારી બનાવી કે કાં વધુ પૈસા આપો અને વગર જાહેરાતે મોજ માણો કાં પૈસા પણ આપો અને જાહેરાત પણ ધરાર જુઓ. હદ થઈ ગઈ.
જિયો હોટસ્ટાર, ઝી સિનેમા... અને નજીકના ભવિષ્યમાં, નેટફ્લિક્સ પર પણ, જાહેરાતો એવી પૂરેપૂરી શક્યતા છે. કહો કે એવું કોઈ પ્લેટફોર્મ નહીં બચે જ્યાં આપણે પૈસા પણ દેશું અને જાહેરાતો પણ જોશું. આ કઈ રીત છે? આ કઈ હદનું વેપારીકરણ છે?
આપણે ત્યાં એક મુશ્કેલી એ છે કે કાયદા નબળા છે. સરકારનું કોર્પોરેટ માંધાતાઓ સામે કશું ચાલતું નથી. અન્યથા, સુધરેલા દેશોની જેમ આપણે ત્યાં પણ કંપનીઓએ ગ્રાહકને શું આપવું અને કયા દામમાં આપવું એની પારદર્શકતા આવે. એની બદલે થાય છે એવું કે કંપનીઓ આજે એક વાત કરે અને આવતીકાલે બીજી વાત કરશે. કંપનીઓ આજે એક લલચામણી ઓફર કરશે અને આવતીકાલે કહેશે, 'ફટ રે, હવેથી ઓફર બંધ, જા તારાથી થાય એ કરી લે.'
યુટયુબની વાત પણ કરીએ. ભાગ્યે જ એવા લોકો હશે જેમના જીવનમાં ગૂગલની આ સેવાએ પગપેસારો નહીં કર્યો હોય. ઝીણી આંખે જોશો તો યુટયુબ પર લગાતાર જાહેરાતોનો મારો વધી રહ્યો છે. એનાથી બચવું હોય તો એને પણ પૈસા ધરવાના રહે છે. કેટલા ભારતીયોને આ રીતે અનેક ડિજિટલ પ્લેટફોર્મ્સને પૈસા ઓરવા પોસાય, બોલો.
હજી એક સમસ્યા તરફ કદાચ ઘણાનું ધ્યાન નહીં ગયું હોય. એ છે ઓટીટી પ્લેટફોર્મ્સ પર વધી રહેલા પેઇડ કન્ટેન્ટની. એટલે કે, ભલે એક અથવા બીજા પ્લેટફોર્મનું લવાજમ ભર્યું હોય છતાં, ચોક્કસ ફિલ્મ કે સિરીઝ કે ડોક્યુમેન્ટરી જોવા માટે અલગથી પૈસા આપવાના રહે છે. આવા પેઇડ કન્ટેન્ટનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આમિર ખાને એની ફિલ્મ સીધી જ પેઇડ વ્યુ માટે મૂકી એ આપણે જાણીએ છીએ. પણ ધારો કે આમિરની ફિલ્મ પહેલાં લવાજમ હેઠળ જોઈ શકાય અને અચાનક, એની એ ફિલ્મ પેઇડ કન્ટેન્ટ થઈ જાય તો કેવો કાળ ચડે? ઓટીટી પર આવું થવાના કિસ્સા પણ વધી રહ્યા છે. અને એવા કિસ્સા પણ વધી રહ્યા છે જેમાં આપણને ગમતું મનોરંજન (ખાસ કરીને ફિલ્મ અને ડોક્યુમેન્ટરી) સાવ એકાએક અદ્રશ્ય થઈ જાય અને માણી ના શકાય.
સાર એટલો કે જેને આપણે સગવડિયું, સસ્તું અને અનેકરંગી મનોરંજન ગણીએ છીએ એવું ઓટીટીનું વિશ્વ હવે અટપટું, ખર્ચાળ અને ખટપટિયું થઈ ગયું છે. ખૂબ પૈસા ખર્ચો, સાથે જાહેરાત જુઓ, છતાં અમુક ચીજ જોઈ નહીં શકાય એની તૈયારી રાખો. અને એ પછી કેટલી સ્ક્રીન પર તમારું લવાજમ ચાલશે એના સતત બદલાતા નિયમો અને એની મર્યાદાઓને પણ સહન કરવા સજ્જ રહો. ઓટીટી, ઇન શોર્ટ, હવે પહેલાં જેવં હાથવગું મનોરંજક સાધન નથી.