Get The App

બોલિવુડની બ્રાન્ડ-ન્યુ હિરોઈનો પ્રતિભા, ગ્લેમર અને બદલાતા દર્શકો

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
બોલિવુડની બ્રાન્ડ-ન્યુ હિરોઈનો પ્રતિભા, ગ્લેમર અને બદલાતા દર્શકો 1 - image

- અગાઉ માત્ર હીરો પાસેથી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તે ફિલ્મ  પોતાના ખભે ઊંચકી લે, પણ હવે નાયિકા પાસે પણ એવી જ અપેક્ષા  રાખવામાં આવી રહી છે.

બોલિવુડમાં ઊભરી રહેલી નવી પેઢી નવી ઊર્જા અને નવા સ્વપ્નોથી સભર છે. બોલિવુડની ગતિ કાયમ ઝડપી રહી છે, પણ નાયિકાઓ માટે આ રેસ હજી પણ મુશ્કેલ છે. જ્યાં નાયક તો દાયકાઓ સુધી ટકી રહે છે, ત્યાં નાયિકાઓની શેલ્ફ લાઈફ ઓછી આંકવામાં આવે છે. દર્શકો નાયકોને સમય આપે છે, પણ નાયિકાઓથી બહુ જલદી કંટાળી જાય છે. બદલાતા સિનેમા સાથે નાયિકાઓની ભૂમિકા અને અપેક્ષાઓ પણ બદલાઈ રહી છે. પ્રત્યેક દૌરમાં કેટલીક અભિનેત્રીઓ ઈતિહાસ બની જાયછે, તો કેટલીક ઈતિહાસ રચે છે. આ પ્રક્રિયા આજે પણ જારી છે.

વર્તમાન સમયમાં વામિકા ગબ્બી, અનીત પડ્ડા અને સારા અર્જુન જેવા નામ ચર્ચામાં છે. વામિકા ગબ્બીએ અનેક પ્રોજેક્ટ્સમાં કામ કર્યું, પણ રાજકુમાર રાવ સાથેની ફિલ્મ 'ભૂલ ચૂક માફ' (૨૦૨૫)એ તેને વ્યાપક પ્રસિદ્ધિ અપાવી. અનીત પડ્ડાની પ્રથમ ફિલ્મ 'સૈયારા' (૨૦૨૫)ની અભૂતપૂર્વ સફળતાએ તેને રાતો-રાત સ્ટાર બનાવી દીધી. એવી જ રીતે 'ધુરંધર' (૨૦૨૫)માં રણવીર સિંહ સાથે સારા અર્જુને પણ દર્શકો અને આલોચકોનું ધ્યાન ખેંચ્યું. આ દાખલા દર્શાવે છે કે એક ફિલ્મ કોઈ અભિનેત્રીનું ભાવિ નક્કી કરી શકે છે, પણ લાંબી ઈનિંગ  રમવા માટે સાતત્ય જરૂરી છે.

બોલીવૂડ લાંબા સમયથી નાયક અને નાયિકા વચ્ચે ભેદભાવ રાખવા માટે જાણીતુ છે. પહેલા વય વધવાની સાથે નાયિકાઓને સાઈડ રોલ અથવા પારિવારીક પાત્રો સુધી સીમિત કરવામાં આવતી. પણ ઓટીટી મંચે આ ધારણાને બદલી નાખી. કરીના કપૂરને ઓટીટી પર રજૂ થયેલી 'જાને જાન' (૨૦૨૩)માં એટલી જ સશક્ત તક મળી જેટલી પડદા પર પડે છે. દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ જેવી અભિનેત્રીઓ મા બન્યા પછી પણ મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં મજબૂતી સાથે ટકી રહી છે અને નવી પેઢી સામે પડકાર સર્જી  રહી છે.

બિન-ફિલ્મી પરિવારમાંથી આવેલી નિતાંશી ગોયલની કહાની વિશેષ છે. 'લાપતા લેડીઝ' (૨૦૨૩)માં તેના સહજ અને ભાવનાત્મક અભિનયે દર્શકોને પ્રભાવિત કર્યા અને તેને એવોર્ડ્સ પણ મળ્યા. આ ઉદાહરણ એવી હજારો યુવતીઓ માટે આશાનું કિરણ બન્યું છે, જેઓ માયાનગરીમાં માત્ર સ્વપ્નોના આધારે જીવે છે. એવી જ રીતે રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરી આજની દોડમાં સૌથી આગળ માનવામાં આવે છે. 'એનિમલ' જેવી ફિલ્મોમાં બંનેને મોટો મંચ મળ્યો અને તેમણે સાબિત કર્યું કે બિન-ફિલ્મી પરિવારમાંથી આવતી અભિનેત્રીઓ પણ સફળતા હાંસલ કરી શકે છે.

આજના સમયમાં માત્ર અભિનય જ પૂરતો નથી. સોશિયલ મીડિયા ફોલોઅર્સ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ફેશન શો અને પબ્લિક ઈમેજ પણ એટલા જ મહત્વના છે. જો કે દર્શક આ મામલે અત્યંત નિર્દયી હોય છે. તેઓ રીલ્સ પર કલાકો સુધી અભિનેત્રીને જોઈ શકે છે, પણ જ્યારે આ જ અભિનેત્રી મોટા પડદે આવે ત્યારે અચાનક ગુણવત્તા અને અભિનયની માગ કરવા લાગે છે. ડિજિટલ છબીથી ઓળખાણ તો બને છે, પણ ટકાઉ જમીન માટે અભિનયની કસોટી  પર પણ ખરુ ઉતરવું પડે છે.

દાયકાઓથી ખાન તિકડી અને કપૂર ખાનદાનની આસપાસ ફરતા બોલીવૂડમાં હવે ફરીથી પ્રતિભાના મહત્વને સ્થાન મળી રહ્યું છે. હવે માત્ર સુંદર ચહેરો પૂરતો નથી. નાયિકાઓએ મેકઅપથી આગળ વધીને સશક્ત પાત્ર નિભાવવા પડશે. છેલ્લા કેટલાક વર્ષોમાં નાયિકા પ્રધાન ફિલ્મોમાં આ પથને આસાન બનાવાયો છે, જ્યાં ચહેરા કરતા પ્રતિભાને વધુ મહત્વ અપાઈ રહ્યું છે.

તૃપ્તિ ડિમરી આ બાબતનું સચોટ ઉદાહરણ છે. 'બુલબુલ' (૨૦૨૦) અને 'કલા' (૨૦૨૨)માં તેના ગંભીર અને રહસ્યમય અભિનયે તેને અલગ ઓળખ અપાવી. 'એનિમલ'માં તેનું સ્વરૂપ સંપૂર્ણ રીતે અલગ હતુ અને તે દ્રશ્ય કરતા વધુ એક અનુભવ બનીને ઊભરી. સોશિયલ મીડિયા પર અચાનક તેની લોકપ્રિયતા વધી અને તે નવી પેઢીનું પ્રતીક બની ગઈ. એવી જ રીતે કૃતિ સેનન 'ચૂપચાપ', કોઈપણ શોર વિના પોતાના કામથી હીરોઈન શબ્દને નવી રીતે પરિભાષિત કરી રહી છે.

હાલની પઢી સંક્રમણના તબક્કામાંથી પસાર થઈ રહી છે. દર્શકોને હવે સૌંદર્યની સાથે અભિનય પણ જોઈએ છે.અગાઉ માત્ર હીરો પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તે ફિલ્મ સંભાળે, પણ હવે નાયિકા પાસે પણ એવી જ અપેક્ષા રાખવામાં આવી રહી છે. આલિયા ભટ્ટે 'ઉડતા પંજાબ', 'રાઝી', 'ગંગૂબાઈ' જેવી ફિલ્મોમાં જેવી ફિલ્મોમાં જોખમ ઉઠાવીને તેણે સંતુલન સાધ્યું. જાહ્નવી કપૂર પણ આ જ રાહ પર છે, પણ તેને હજી નિર્ણાયક સફળતા નથી મળી શકી. તેના અભિનયમાં પરિશ્રમ તો દેખાય છે, પણ આલોચકો સંવાદ ઉચ્ચારણને તેનું નબળુ પાસુ માને છે.

અનન્યા પાંડેએ એક અલગ પથ અપનાવ્યો છે, જ્યાં અભિનયથી વધુ તેની ઓળખ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને લોકપ્રિયતા સાથે જોડાયેલી છે. અનન્યા કબૂલ કરે છે કે સોશિયલ મીડિયાની ચમક પણ એક રીતની સફળતા જ છે. તેનાથી વિપરીત વામિકા ગબ્બીની ઉપસ્થિતિ આશા જગાવે છે તેના અભિનયમાં ગાંભિર્ય અને સંવેદના છે, જે આજની ઝડપથી દોડતી દુનિયમાં દુર્લભ બાબત છે.

રશ્મિકા મંદાનાનો કિસ્સો પણ સાવ જુદો છે. દક્ષિણ ભારતીય સિનેમાથી આવેલી આ અભિનેત્રી ઉત્તર ભારતમાં પણ ઝડપથી લોકપ્રિય બની રહી છે. 'એનિમલ' અને 'છાવા' જેવી ફિલમોમાં તેણે પોતાના સહ-કલાકારો સામે મજબૂતીથી પોતાને સાબિત કરી. એવી જ રીતે શનાયા કપૂર, ખૂશી કપૂર, ન્યાસા દેવગણ તેમજ અન્ય નેપો-કિડ્સ હજી સુધી પ્રારંભિક સંઘર્ષ કરી રહ્યા છે, જ્યાં ઓળખથી વધુ અભિનયની પરીક્ષા હજી બાકી છે.