- રવીન્દ્ર જૈન ગીતકાર અને સંગીતકાર હોવા ઉપરાંત હિન્દી ભાષાની વિવિધ બોલીના પણ અભ્યાસી હતા. 'અચરા મેં ફૂલવા લઇ કે...' ગીતમાં રવીન્દ્રે પોતાના હલકદાર કંઠે ભક્તિની ભાવના ઉપસાવી છે.
ગુજરાતી ભાષામાં એક લોકોક્તિ છે- રાજાને ગમી તે રાણી, છો ને છાણાં વીણતી આણી... કંઇક આવા જ અર્થમાં રાજશ્રીના તારાચંદ બડજાત્યાએ એક ફિલ્મ બનાવેલી- 'દુલ્હન વો હી જો પિયા મન ભાયે'. લેખ ટંડન એના નિર્દેશક હતા. ગીત-સંગીત રવીન્દ્ર જૈનનાં હતાં. 'સૌદાગર' પછી રવીન્દ્ર જૈન તારાચંદ બડજાત્યા અને રાજશ્રી માટે કાયમી સંગીતકાર જેવા થઇ ગયા હતા. 'દુલ્હન વહી જો...'ફિલ્મ રાજશ્રીને ફળેલી. ૯૦ લાખના ખર્ચે બનેલી આ ફિલ્મે સાડાત્રણ કરોડની કમાણી કરી હતી. કલાકારોની વાત કરીએ તો આજે લગભગ વિસરાઇ ગયેલા પ્રેમ કૃષ્ણ અને રામેશ્વરી એનાં મુખ્ય કલાકારો હતાં. પાછળથી આ રામેશ્વરીને એક અકસ્માત નડતાં એની એક આંખને નુકસાન થયેલું. વાર્તામાં કશી નવીનતા નહોતી. એક શ્રીમંત વ્યક્તિ પોતાના પૌત્રને એક સમજદાર કન્યા સાથે પરણાવવાની અબળખા સેવે છે. પૌત્ર જરા પણ આડો ચાલે તો દાદાની કરોડોની સંપત્તિ ગુમાવી બેસે. પૌત્ર એક યુવતીને ચાહે છે, પરંતુ જાણતો નથી કે એ યુવતી અને એની માતાનો ડોળો પોતાના દાદાની સંપત્તિ પર છે. દાદાને રીઝવવા એ એક અભણ ફૂલવાળીને બંગલામાં લઇ આવે છે. આ નિર્દોષ ફૂલવાળી દાદાનું દિલ જીતી લે છે. અંતે બધું થાળે પડી જાય છે અને સુખાંત આવે છે.
વાસ્તવમાં આ કથા 'તમાશા' (જૂની, ૧૯૫૨ની) અને હોલિવુડની 'ઇટ સ્ટાર્ટેડ વીથ ઇવ' (૧૯૪૧) આ બંનેની કથાના સંકલન જેવી હતી. છતાં બોક્સ ઓફિસ પર ફિલ્મ ચાલી. ગીતો પણ હિટ નીવડયાં. આ ફિલ્મમાં રવીન્દ્ર જૈને પોતે પણ એક ગીત ગાઇને પાર્શ્વગાયનમાં ડેબ્યુ કર્યું. આમ તો ફિલ્મનાં બધાં ગીતો હિટ નીવડયાં હતાં. એન્ગ્રી યંગ મેનની અમિતાભ બચ્ચનની ફિલ્મોના જમાનામાં આવી સ્વચ્છ ફિલ્મો પણ ચાલી એ દેખાડે છે કે સિનેરસિકોને પણ એકધારી એક્શન ફિલ્મોથી કંટાળો આવી જાય છે. વાવાઝોડું ક્યારેય કલાકો લાંબું હોતું નથી. એક્શન ફિલ્મોનું પણ એવું જ છે. એંગ્રી યંગ મેનની સુપરહિટ ફિલ્મો વચ્ચે રાજશ્રી, બાસુ ચેટર્જી, શ્યામ બેનેગલ વગેરેની ફિલ્મો પણ સારી ચાલી હતી.
વિસ્મયજનક વાત તો એ છે કે એક્શન ફિલ્મોના આ યુગમાં પણ રાજશ્રીની આ ફિલ્મમાં નવથી દસ ગીતો હતાં એેટલું જ નહીં, ગીતો હિટ નીવડયાં હતાં. એટલે કે સિને ઓડિયન્સમાં હજુય એવા અસંખ્ય ચાહકો હતા જેમને અર્થસભર ગીતો અને મધુર સંગીત સાંભળવું ગમતું હતું. રવીન્દ્ર જૈને પોતે ભોજપુરી બોલીમાં એક ગીત ગાયું જે મોટે ભાગે પ્રભુ પ્રાર્થના જેવું હતું. અથવા એમ કહીએ કે એક પ્રકારની રાવ-ફરિયાદ હતી. એના શબ્દો હતા- 'અચરા મેં ફૂલવા લઇ કે આયે રે હમ તોહરે દ્વાર, અરે હો હમરી અરજી ન સુન લે, અરજી પે કર લે ના વિચાર, હમ સે રૂઠ લે વિધાતા, હમાર કાહે રૂઠ લે વિધાતા, હમાર બડે હી જતન સે, હમને પૂજા કા થાલ સજાયા, પ્રીત કી બાતી જોડી, મનવા કા દિયરા જલાયા...' એનો અર્થ એવો પણ થાય કે રવીન્દ્ર જૈન ગીતકાર અને સંગીતકાર હોવા ઉપરાંત હિન્દી ભાષાની વિવિધ બોલીના પણ અભ્યાસી હતા. 'અચરા મેં ફૂલવા લઇ કે...' ગીતમાં રવીન્દ્રે પોતાના હલકદાર કંઠે ભક્તિની ભાવના ઉપસાવી છે.
અહીં ફિલ્મનાં બાકીનાં ગીતોમાંથી બે-ચારનો આસ્વાદ કરીએ. નવ-દસ ગીતોમાંથી એક તો સંગીતકારે પોતે ગાયું છે, માત્ર એક ગીત મોહમ્મદ રફીને ફાળે આવ્યું છે. બાકીનાં ગીતો હેમલતા અને યેસુદાસ વચ્ચે વહેંચાઇ ગયાં છે. અભણ ફૂલવાળીને કથાનાયક પોતાના દાદાને મળવા લઇ આવે છે ત્યારની લાગણીને હેમલતાના કંઠે આ રીતે વ્યક્ત કરાઇ છે. અહીં સંગીતકારની સૂઝબૂઝનો પરિચય મળે છે. કારણ? કથાનાયકને તો ફૂલવાળી માટે કોઇ અંગત પ્રેમ કે લાગણી નથી. એટલે ગીતકારે લખ્યું- 'લે તો આયે હમેં સપનોં કે ગાંવ મેં, પ્યાર કી છાંવ મેં બિઠાયે રખના, સજના ઓ સજના...' અવ્યક્ત વેદનાને સાકાર કરવા આ ગીતમાં રાગ ધાનીનો આધાર લીધો છે. સંગીતના સ્વરો દ્વારા આક્રંદ રજૂ કરતું મુબારક બેગમે ગાયેલું અજોડ ગીત 'કભી તનહાઇયોં મેં ભી હમારી યાદ આયેગી...' (ફિલ્મ 'હમારી યાદ આયેગી', સંગીત સ્નેહલ ભાટકર) આ રાગ ધાની પર આધારિત હતું.
ફિલ્મનું ઔર એક યાદગાર ગીત રાગ ઝિંઝોટીમાં છે. એ પણ હેમલતાના કંઠમાં છે. અહીં પ્રગટ થતી સંવેદનાને સુદ્રઢ કરવા સંગીતકારે ચૌદ માત્રાનો દીપચંદી તાલ અજમાવ્યો છે. આપણા સૌરાષ્ટ્ર-કચ્છની સંતવાણીમાં આ તાલ ખૂબ સાંભળવા મળે. ગીતના બોલ છે- 'જહાં પ્રેમ કા પાવન દિયરા જલે, જહાં બોલે બચન જબ નીર ભરે, ઉસી આંગન મેં, ઉસી દ્વારે મેં, બીતે હમરા ભી જીવન, રામ કરે...' આ ગીતમાં દીવા માટે દિયરા શબ્દ ખૂબીપૂર્વક વાપર્યો છે.
બાળકને કે વડીલને શાંતિથી ઊંઘ આવી જાય એ માટે એક હાલરડા ટાઇપનું ગીત પણ અહીં છે. એ પણ હેમલતાના કંઠમાં છે- 'પુરવૈયા કે ઝોંકે આયે, ચંદન બન કી મહક ભી લાયે, દૂર વો નીંદિયા રાની મુસ્કાયે, મૂંદ લો નૈના, તો નૈનોં મેં ભી આ જાયે...' ચહેરા પર મોરપીંછ ફરતું હોય એવા મુલાયમ શબ્દો અહીં કવિએ પાથર્યા છે.
મોહમ્મદ રફીના ફાળે આવેલું ગીત લગ્નની શુભેચ્છાનું છે- 'બજ જાયેગા બાજા બજ જાયેગા, સજ જાયેગા ડોલા સજ જાયેગા, પરીયોં કી શહજાદી, જબ હોગી તેરી શાદી, તો ફિર ક્યા હોગા, બજ જાયેગા બાજા...' બાકીનાં ગીતો પણ મધુર અને કર્ણપ્રિય છે. મધુર સંગીતના રસિયા હો તો એકવાર આ ફિલ્મનાં ગીતો શાંતિથી માણવા જેવાં છે.


