- જુડવા, બીવી નં.1, મુઝ સે શાદી કરોગે, પાર્ટનર, દિવાના મસ્તાના એમ કુલ આઠ ફિલ્મમાં એમણે સાથે કામ કર્યું છે : સલ્લુની કારકિર્દીમાં ડેવિડ ધવનનું ઘણું યોગદાન છે
'સલમાન ખાનનો આત્મવિશ્વાસ જબરો છે. મારી ફિલ્મમાં બીજા હીરો હોય તો સલમાન એ સૌને આવકારે છે. તે જરાય અસલામતી અનુભવતો નથી, બલ્કે એમની પાસેથી એ ઘણું શીખે છે...'
હિન્દી ફિલ્મ જગતમાં અમુક ચોક્કસ કલાકાર, નિર્માતા, દિગ્દર્શક, સંગીતકાર વગેરેનું ગૂ્રપ હોય છે. હિન્દી ફિલ્મ જગતના મહાન ફિલ્મ સર્જક અને શો મેન રાજકપૂર સાથે ગીતકારતરીકે શૈલેન્દ્ર -- હસરતપૂરી, સંગીતકાર તરીકે શંકર -જયકિશનની ટીમ હતી. એવરગ્રીન દેવ આનંદ સાથે દિગ્દર્શક તરીકે તેનો નાનો ભાઇ વિજય આનંદ, સંગીતકાર તરીકે સચિન દેવ બર્મનની ટીમ હતી.
બરાબર આ જ રીતે બોલીવુડમાં દિગ્દર્શક ડેવિડ ધવન અને સ્ટાર સલમાન ખાનની પણ ટીમ છે. ડેવિડ ધવન અને સલમાન ખાને કુલ આઠ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આમ તો ડેવિડ ધવન અને અભિનેતા ગોવિંદાએ કુલ ૧૮ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.
આમ છતાં બોલીવુડમાં આજે સલમાન ખાન સુપર સ્ટાર ગણાતો હોવાથી તેની કારકિર્દીમાં કયા કયા નિર્માતાઓએ અને દિગ્દર્શકોએ મહત્વનું યોગદાન આપ્યું છે તે અગત્યનો મુદ્દો છે. આ દ્રષ્ટિએ ડેવિડ ધવન અને સલમાન ખાનની જોડી સુપરહીટ ગણાય છે. એમ કહો કે સલમાન ખાનની કારકિર્દીમાં દિગ્દર્શક તરીકે ડેવિડ ધવનનું યોગદાન મહત્વનું ગણાય છે.
દિગ્દર્શક ડેવિડ ધવન અને સલ્લુમિયાંની પહેલી મુલાકાત ક્યારે અને ક્યાં થઇ, બંનેએ પહેલી વખત કઇ ફિલ્મમાં સાથે કામ કર્યું, દિગ્દર્શક તરીકે ડેવિડ ધવનનો અભિપ્રાય સ્ટાર સલમાન ખાન વિશે કેવો છે, બંનેની ફિલ્મ યાત્રા કેવી રહી તેની રસપ્રદ વિગતો જાણવા જેવી છે.
ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા(એફ.ટી.આઇ.આઇ.-પુણે)માં એડિટિંગ અને ફિલ્મ મેકિંગની તાલીમ સાથે ગોલ્ડ મેડલનું સન્માન પ્રાપ્ત કરનારા ડેવિડ ધવન(ડેવિડ ધવનનું સાચું નામ રાજીન્દર ધવન છે) કહે છે, મને હિન્દી ફિલ્મ જગતના પ્રતિષ્ઠિત ગણાતા રાજશ્રી પ્રોડક્શનની યાદગાર ફિલ્મ સારાંશ (૧૯૮૪)માં એડિટર તરીકે પહેલી તક મળી હતી.
સારાંશ ફિલ્મની ઉજળી સફળતાથી મને મજેદાર ફિલ્મ નામ(૧૯૮૫-૮૬) ના એડિટર તરીકે પણ તક મળી. નામ ફિલ્મની કથા સલીમ ખાન(સલમાન ખાનના પિતા, પેલા સલીમ-જાવેદની જોડીવાળા) લખતા હતા. ફિલ્મની ચર્ચા માટે હું સલીમ ખાનના ઘરે અવારનવાર જતો. હું સલીમ ખાન પાસેથી ઘણું ઘણું શીખ્યો છું. તેમનું વિવિધ વિષયો પર બહોળું વાંચન અને જ્ઞાાન છે.
આ જ તબક્કે એટલે કે ૧૯૮૭માં મારી સલમાન ખાન સાથે પણ મુલાકાત થઇ હતી. મને તાકતવર ફિલ્મ(૧૯૮૭)માં પહેલી જ વખત દિગ્દર્શક તરીકે તક મળી. હું બોલીવુડમાં મારી પ્રતિભા સાબિત કરવા ઇચ્છતો હતો. ૧૯૮૯ માં સલમાન ખાનની પહેલી ફિલ્મ મૈંને પ્યાર કિયા( રાજશ્રી પ્રોડક્શન) રજૂ થઇ. ફિલ્મ સુપરહીટ થઇ અને સલમાન બોલીવુડનો મોટો સ્ટાર બની ગયો. જુડવા, બીવીનં.૧, સ્વર્ગ, આંખે, શોલા ઔર શબનમ, બોલ રાધા બોલ , કુલી નં.૧, રાજાબાબુ એમ કુલ ૪૫ ફિલ્મોનું દિગ્દર્શન કરનારા ડેવિડ ધવન કહે છે, મેં મારી ફિલ્મ જુડવા(૧૯૯૭)માં પહેલી વખત સલમાન ખાન સાથે કામ કર્યું. સલમાન ખાન એક સ્ટાર તરીકે બહુ જ સરળ છે. દિગ્દર્શકનો સ્ટાર છે. સાથોસાથ તેનામાં સર્જનશક્તિ અને કલ્પનાશક્તિ પણ હોવાથી તે શૂટિંગ દરમિયાન બહુ સરસ અને ઉપયોગી સૂચનો પણ કરે છે. ક્યારેક પોતાના દ્રશ્યમાં સુધારો પણ કરીને તેને મજેદાર બનાવી દે.
સલમાન ખાન જબરો આત્મવિશ્વાસુ પણ છે. ફોડ પાડીને કહું તો મારી ફિલ્મમાં સલમાન સાથે ગોવિંદા, અનિલ કપૂર, ઋષિ કપૂર, સંજય દત્ત જેવાં મોટાં નામ હોય તો પણ તેણે (સલમાને) તે બધાને આવકારે છે. તે જરાય અસલામતી નથી અનુભવતો. એમ માને છે કે આવા જાણીતા અને અનુભવી કલાકારો સાથે કામ કરવાથી તો મને ઘણું જાણવા,સમજવા, શીખવા મળે છે.
મેં અને સલમાન ખાને મારી જુડવા, બીવી નં.૧, દુલ્હન હમ લે જાયેંગેં, ચલ મેરે ભાઇ, યહ હૈ જલવા, મુઝસે શાદી કરોગે, પાર્ટનર, મેૈં તેરા હીરો, જુડવા નં.૨, દિવાના મસ્તાના એમ કુલ આઠ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. અમુક ફિલ્મમાં ફક્ત કેમિયો કર્યો છે.
આટલું જ નહીં, સલમાને મારી કોઇ ફિલ્મની કથા-પટકથા વાંચવા માગી નથી. બસ, હું જે કહું તેનો સીધો અને સરસ રીતે અમલ કરે. ન માની શકાય તેવી બાબત તો એ છે કે મારી દિવાના મસ્તાના ફિલ્મમાં સલમાન ખાને ફક્ત કેમિયો (કોઇ પ્રસિદ્ધ કલાકાર નાટકમાં કે ફિલ્મમાં બહુ નાનું કે થોડા સમય માટે પાત્ર ભજવે કે ડાન્સ કરે તેને કેમિયો કહેવાય છે) કર્યો છે. બન્યું હતું એવું કે મારી દિવાના મસ્તાના ફિલ્મમાં સલમાન ખાનની કોઇ ભૂમિકા નહોતી. જોકે સમય જતાં મને સલમાન ખાનના કેમિયો વિશે વિચાર આવ્યો. મેં તેને ફોન કરીને કેમિયા વિશે કહ્યું. બીજા જ દિવસે સલમાન ખાન બેંગલુરુ આવ્યો અને પોતાનો કેમિયો કરીને જતો પણ રહ્યો. તેને મારા પર ભારે ભરોસો છે. સગા ભાઇ જેવો.
અરે, મારી જુડવા : ૨ ફિલ્મમાં પણ સલમાનનું કોઇ પાત્ર નથી. જુડવા : ૨ ફિલ્મનો હીરો મારો દીકરો વરુણ ધવન છે. અમે આ વખતે પણ સલમાનખાનના ડબલ કેમિયો વિશે આયોજન કર્યું. મેં તેને ફોન કરીને વિગત કહી. એક હોટેલમાં શૂટિંગ હતું. બીજા દિવસે સલ્લુમિયાં તે હોટેલમાં આવ્યો . ફિલ્મનાં અંતિમ દ્રશ્યો માટે ફક્ત એક કલાક શૂટિંગ પૂરું કર્યું. અમે બધાંએ સલમાન ખાનનો આભાર માન્યો.
એક ખાસ પ્રસંગ વિશે. મારી ફિલ્મ મેૈં તેરા હીરો(૨૦૧૪) માં પણ મારો પુત્ર વરુણ છે. સલમાન ખાન નથી. જોકે અમે આ ફિલ્મમાં પણ સલમાનની હાજરી વિશે વિચાર્યું. વોઇસઓવર તરીકે. મેં સલમાન ખાનને આ કાર્ય વિશે કહ્યું તો તરત જ કહ્યું, અરે, જરૂરથી કરીશ.


