નીત નવી સ્ત્રી સાથે મોજ માણવાની કુટેવ ધરાવતા ત્રણ વુમનાઇઝર યુવાનો. અકસ્માતે એક બાળકી એમના જીવનમાં આવી ચડે છે. આ ત્રણેને આ બાળકી પોતાની મોજમસ્તીમાં અવરોધરૂપ લાગે છે. એટલે એનો પીછો છોડાવવા એક ચર્ચના દરવાજે મૂકી આવે છે. પણ પછી આ બાળકી વિના ગમતું નથી એટલે પાછી લઇ આવે છે. બાળકી સાથે મન મળી ગયું છે ત્યાં એક દિવસ એક મહિલા આવીને કહે છે કે આ બાળકી મારી છે. હું લઇ જાઉં છું... વધુ વાર્તા કહેતો નથી, કારણ કે યુટયુબ પર ફિલ્મ માણવી હોય તો માણી શકો.
નિર્માતા સાજિદ નડિયાદવાલા, નિર્દેશક સાજિદ ખાન અને કલાકારો અક્ષયકુમાર, લગભગ ભૂલાઇ જવા આવેલો અભિનેતા ફરદીન ખાન, રિતેશ દેશમુખ, વિદ્યા બાલન, જુઆના સંઘવી અને બોમન ઇરાની. આ ફિલ્મ એટલે 'હે બેબી'. ફિલ્મ હિટ નીવડેલી. માત્ર ૩૬ કરોડની ખર્ચે બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૮૩ કરોડની કમાણી કરી હતી.
ઓહ, જસ્ટ વેઇટ. આ ફિલ્મનું કથાબીજ એક વિદેશી ફિલ્મે આપેલું. એ ફિલ્મનું હિન્દી રૂપાંતર ૧૯૬૯માં 'નન્હા ફરિશ્તા' રૂપે ૧૯૬૯માં રજૂ થયેલું. એક અભિપ્રાય મુજબ હિન્દી રૂપાંતર મૂળ તમિળ ફિલ્મ પરથી કરાયું હતું. એમાં ત્રણ રીઢા અપરાધી હતા, એક વ્યક્તિની હત્યા કરીને એની બાળકીને ઉપાડી લાવે છે અને એ બાળકી અપરાધીઓનું હૃદય પરિવર્તન કરે છે એવી કથા હતી. કલાકારો હતા પ્રાણ, અજિત અને અનવર હુસૈન. એ હિન્દી કે પછી અમેરિકી ફિલ્મ પરથી ૧૯૮૭માં એક મલયાલમ ફિલ્મ બનેલી. એ પણ હિટ નીવડેલી. તમિળ અને હિન્દી રૂપાંતર મૂળ વિદેશી ફિલ્મ એટલે એક અમેરિકી ફિલ્મ 'થ્રી મેન એન્ડ અ બેબી' પર આધારિત હતી. આગળ કંઇ વિચારો એ પહેલાં કહી દઉં કે આ અમેરિકી ફિલ્મ મૂળ ફ્રેન્ચ ફિલ્મ 'થ્રી મેન એન્ડ અ ક્રેડલ' પર આધારિત હતી.
આગળ ચાલીએ. 'નન્હા ફરિશ્તા'માં પદ્મિની અને બલરાજ સાહની પણ હતાં. આ બાળકીનો પ્રેમ ત્રણે અપરાધીનું હૃદય પરિવર્તન કરે છે એવો સુખાંત હતો. અહીં 'હે બેબી'માં થોડાક ગૂંચવાડા પછી સુખાંત આવે છે. શાહરુખ ખાન, અનુપમ ખેર અને કીમ શર્મા મહેમાન ભૂમિકામાં છે. 'નન્હા ફરિશ્તા'માં કલ્યાણજી-આણંદજીનું સંગીત હતું. અહીં સમીરનાં ગીતોને શંકર-એહસાન-લોયે સ્વરાંકિત કર્યાં છે. ખાસ્સા મોટ્ટાં કે લાંબાં કહી શકાય એવાં આઠ ગીતો છે જેમાં બે ગીત રિપીટ થાય છે એટલે છ ગીત ગણો તો ચાલે.
સદા સુહાગિન રાગિણી ભૈરવીમાં શંકર મહાદેવને ગાયેલું ગીત કદાચ સૌથી સરસ રચના છે. 'દિલ કા મામલા હૈ દિલબર, હુદ ના હૈ ઇસ દિલ પર, ખલબલી મચી હૈ દિલ કે અંદર, હો મસ્ત મસ્ત કલંદર, વન ટુ થ્રી ફોર...' લચકદાર કહેરવામાં ગીત માણવા જેવું બન્યું છે.
બ્રિટિશ અભિનેતા-ગીતકાર અને ગાયક પરવેઝ કાદિર, ભારતીય પોપ સિંગર (બોમ્બે વાઇકીંગ બેન્ડ ફેમ ) અને સંગીતકાર લોયના કંઠે ટાઇટલ ગીત રજૂ થાય છે. ત્રણે છેલબટાઉની માનસિકતા છતી કરે એવા શબ્દોથી ગીતનો ઉપાડ થાય છે- 'ઇશ્ક, મુહબ્બત પ્યાર કી બાતેં, બેકાર કી બાતેં, જૂઠે હૈં સબ વાદે રસમે ના જાને કસમે, ના માને, કર વો, જો કરના ઠાને હમ તો બિગડે શહજાદે, હે બેબી, જી લેને દે ઇસ પલ કો...' ખૂબ મસ્ત તર્જ-લયથી ગીત જમાવટ કરે છે. જેટલું સરસ પરદા પર જામ્યું એટલું જ ઓડિયોમાં સાંભળવાની મોજ પડે છે.
એક ગીત ત્રણે યુવાનો બાળકી પ્રત્યેના પોતાના પ્રેમને વ્યક્ત કરે છે એવા શબ્દો ધરાવે છે. જોકે આ શબ્દો પ્રિયતમાને પણ લાગુ પડી શકે. ઉપાડ છે- 'તૂ હી મેરી દુનિયા દુનિયા રે, મેરી ખુશિયાં ખુશિયાં તૂ હી રે, રાત દિન તેરે લિયે સજદે કરું, દુઆયેં માંગુ રે...' રમતિયાળ તર્જ લય વડે આ ગીત સજાવાયું છે પણ એવરગ્રીન બને એવું નથી બન્યું.
મુહબ્બતના મનાતા રાગ પહાડીમાં સ્વરાંકિત અને ગીતને અનુરૂપ કહરવા તાલમાં સજ્જ એવું ગીત આ રહ્યું જે બીજીવાર રિમિક્સ તરીકે રિપિટ થાય છે. ડાન્સ ગીત છે- 'આંખોં મેં મુહબ્બત લીખ દે, સાંસોં પે મુહોબ્બત લીખ દે, હોટોં પે મુહબ્બત લીખ દે, કહતા હૈ દિલ દિવાના, ઢોલિયા ઢોલના, રાઝે દિલ ખોલના, ઢોલના ઢોલિયા, આગે કુછ તો બોલના...'
શબ્દો જોડકણાં જેવા લાગે એવું એક ગીત શંકર, મહાદેવન અને લોયે ગાયું છે. શબ્દોની ગોઠવણીમાં ગીતકાર પોતે ગૂંચવાયા હોય એવું જણાય છે. જુઓ મુખડું- 'ઓ મેરી જાન ના લે લે કે મેરી જાન તેરી અદા, જાન જલા ના, તુજ પે દિવાના મૈં હું ફિદા...' પરદા પર આ ગીત ઓડિયન્સને ગમેલું. કદાચ તમને પણ ગમી જાય.
આમ 'હે બેબી'એ સંગીતકારો શંકર-એહસાન-લોયને વધુ એકવાર કામિયાબી અપાવી. ફિલ્મ અગાઉ કહ્યું એમ હિટ નીવડી.


