Get The App

દેવર્ષિ શાહ બચુભાઈનો બાબલો .

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
દેવર્ષિ શાહ બચુભાઈનો બાબલો                                . 1 - image

- 'સિદ્ધાર્થ રાંદેરિયા અને રત્ના પાઠક પાસેથી ખૂબ શીખવા મળ્યું. સેટ પર તેમનો ઉત્સાહ, થનગનાટ તેમજ તૈયારીને ગજબની પ્રેરણા મળે. આપણને રીતસર હંફાવી દે આ બન્ને સિનિયર કલાકારો!' 

આજકાલ 'બચુભાઈની બેનપણી' નામની ગુજરાતી ફિલ્મ ચર્ચામાં છે. કેમ ન હોય? ફિલ્મની મુખ્ય જોડી જ જોઈ લો - સિદ્ધાર્થ રાંદેરિયા અને રત્ના પાઠક. આના કરતાં વધારે 'ડેડલી કોમ્બિનેશન' બીજું કયું હોવાનું' કોકોનટ મોશન પિકચર્સ બેનર હેઠળ બનેલી આ ફિલ્મના ડિરેક્ટર વિપુલ મહેતા છે અને નિર્માતા છે, રશ્મિન મજીઠિયા. જોકે અત્યારે વાત કરવી છે, બચુભાઈના બાબલાની, એટલે કે  આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયાના નાના પુત્રની ભૂમિકા ભજવનાર તેજસ્વી યુવા અભિનેતા, દેવષ શાહની. આપણે એમની વાત એમના જ શબ્દોમાં સાંભળીએ, પ્રથમ પુરુષ એકવચનમાં. ઓવર ટુ દેવષ...

***

ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ. 'બચુની બેનપણી' ફિલ્મમાં કામ કરવાનો મને તો જોરદાર જલસો પડયો છે. ઇન ફેક્ટ, હું વિપુલસર (મહેતા)ના સંપર્કમાં પહેલથી હતો. મેં ભૂતકાળમાં એમના ડિરેક્શનમાં બનેલી કેટલીક ફિલ્મો માટે ઓડિશન પણ આપેલાં છે. આ વખતે એમની સાથે તક મળી અને તે પણ સિદ્ધાર્થ રાંદેરિયાના દીકરાના રોલમાં. આ ફિલ્મમાં હું એમનો દીકરો પણ છું, વેશ બદલીને એમનો ટૂર ગાઇડ પણ બની જાઉં છું, ફાધર-સનના ઇમોશનલ એંગલ ઉપરાંત મારો એક રોમેન્ટિક ટ્રેક પણ છે, સોંગ-એન્ડ-ડાન્સ પણ છે... કહોને કે, એક એક્ટર તરીકે જુદા જુદા શેડ્ઝની આખી રેન્જ પેશ કરવાની મને આ ફિલ્મમાં તક મળી. એક અલગ જ યુનિવર્સ હતું આ.  

સિદ્ધાર્થ રાંદેરિયાસર અને રત્ના પાઠકમેમ પાસેથી ખૂબ શીખવા મળ્યું. બન્ને બહુ જ જુદી સ્કૂલ-ઓફ-એક્ટિંગમાંથી આવે છે. સિદ્ધાર્થસર પાસે રંગભૂમિનો દાયકાઓનો અનુભવ. ફિલ્મોમાં પણ તેઓ આટલા સફળ. એમને બરાબર ખબર હોય કે કયા ડાયલોગ પર, કઈ મોમેન્ટ પર ઓડિયન્સનું કેવું રિએક્શન આવશે. રત્નામેમ પણ આટલાં સિનિયર એક્ટ્રેસ... તેઓ વધારે ઇન્ટર્નલાઇઝ કરે, જે-તે સીનમાં પોતાના પાત્રનો મોટિવ (ઉદ્દેશ) શું છે, કોન્ફ્લિક્ટ ક્યાં છે, કેરેક્ટર-ગ્રાફ શી રીતે આગળ વધે છે, તેની ચર્ચા કરવી એમને બહુ ગમે. સેટ પર રતનામેમ અને સિદ્ધાર્થસરનો ઉત્સાહ, થનગનાટ તેમજ તૈયારી જોઈને ગજબની પ્રેરણા મળે. આપણને રીતસર હંફાવી દે આ બન્ને સિનિયર કલાકારો! એમનો એક જ ઉદ્દેશ હોય: સીનને વધારેમાં વધારે બહેતર શી રીતે બનાવવો.

હું મારી વાત કરું તો, નાનપણથી મને ડાન્સ-એક્ટિંગ જેવી ઇતર પ્રવૃત્તિઓ કરવી બહુ ગમે. મેં અમદાવાદમાં શ્યામક દાવરનું ડાન્સ ગુ્રપ જોઈન કર્યું હતું, પછી મારું પોતાનું ડાન્સ ગુ્રપ પણ બનાવ્યું હતું. અમે જુદી જુદી જગ્યાએ ડાન્સ પર્ફોર્મન્સીસ આપતાં ને પોકેટમની જેટલું કમાઈ લેતા. સિવિલ એન્જિનીયરિંગ કર્યા પછી મેં થોડો વખત જોબ પણ કરી, પણ મારું દિલ અભિનયમાં હતું. મેં એક વર્ષનો બ્રેક લીધો. મુંબઈ જઈને અનુપમ ખેરની એક્ટિંગ સ્કૂલમાં ત્રણ મહિનાનો કોર્સ કર્યો. મને સમજાતું ગયું કે એક્ટિંગ એ માત્ર મારો શોખ નથી, આ કામ હું દિવસ-રાત કરી શકું તેમ છું. સદભાગ્યે, પરિવાર તરફથી મને પૂરતો સપોર્ટ મળ્યો.  

મુંબઈમાં હું દસ છોકરાઓ સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. હું ઓડિશનો આપતો. રણબીર કપૂર-કેટરીનાની 'જગ્ગા જાસૂસ' (૨૦૧૭) ફિલ્મમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું. પછી 'હાદક અભિનંદન' નામની ગુજરાતી ફિલ્મમાં પહેલી વાર લીડ એક્ટર તરીકે અભિનય કર્યો. આ ફિલ્મમાં ત્રણ દોસ્તારોની સ્ટોરી હતી. અમદાવાદ-મુંબઈ વચ્ચે હું આવ-જા કરતો રહ્યો. હજુય કરું છું. મારા માટે કામ મહત્ત્વનું છે. પછી એ હિન્દી ફિલ્મમાં હોય કે ગુજરાતી ફિલ્મમાં.   

મુંબઈમાં રહીને મે 'રિશ્તોં કા ચક્રવ્યુહ' નામની એક સિરીયલ કરી, જે સ્ટાર પ્લસ પર ટેલિકાસ્ટ થઈ હતી. આ અનુભવમાંથી પણ હું ઘણું શીખ્યો, અને માનસિક સ્પષ્ટતા પણ થઈ કે સ્મોલ સ્ક્રીનની તુલનામાં ફિલ્મો મને વધારે આકર્ષે છે. મેં રાઇટર-એક્ટર તરીકે 'બાત સુનો' નામની એક શોર્ટ ફિલ્મ બનાવી. ત્યાર બાદ મારી એક્ટર તરીકે એક પછી એક ગુજરાતી ફિલ્મો આવતી ગઈ - 'બઉ ના વિચાર' (૨૦૧૮), 'જય શ્રી ક્રિશ' (૨૦૨૦), 'રાડો' (૨૦૨૨), 'ધે ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની' (૨૦૨૪) અને હવે આ - 'બચુની બેનપણી' (૨૦૨૫). આમ, 'બચુની બેનપણી' કંઈ મારી પહેલી ફિલ્મ નથી, પણ ગુજરાતી ઓડિયન્સ સામે આ રીતે હું કદાચ પહેલી વાર પહોંચ્યો. કોકોનટ જેવા એસ્ટાબ્લિશ્ડ બેનરની ફિલ્મમાં આટલા સરસ ડિરેક્ટર એક્ટર્સ સાથે કામ કરવાનો આ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. આ જ ઉદ્દેશ છે: એકધારું અને સરસ કામ કરતા રહેવું, બસ...