- નાના પાટેકરના પિતા ગણપતિના પરમભક્ત હતા અને પહેલેથી જ પાટેકર પરિવારમાં ઘરે ગણપતિ લાવવાની પરંપરા છે. છેલ્લા બે દાયકાથી નાના ઊલટભેર ગણપતિની સ્થાપના કરે છે.
થોડાં વર્ષો પહેલાં શહેરનાં સાર્વજનિક ગણેશોત્સવમાં ફિલ્મસ્ટારોની હાજરીનો ખૂબ મહિમા હતો. કહેવાય છે કે ઉત્સવમાં હાજરી પુરાવવા કેટલાક કલાકારો 'સારી એવી અપિયરન્સ ફી' પડાવે છે. સાચું-ખોટું તો ગણપતિ જાણે, પણ બોલીવૂડના કલાકારોમાં ઘરે ગણપતિ લાવવાની અનોખી પરંપરા છે. આનંદ ઉલ્લાસના ગણેશોત્સવ પર્વ સાથે અનેક કલાકારોની શ્રદ્ધાં સંકળાયેલી છે. બોલીવૂડમાં ઊજવાતા ગણેશોત્સવની વાત આજે આપણે કરીએ.
આર.કે.સ્ટૂડિયોની ધૂળેટી જેમ પ્રખ્યાત છે એમ આર.કે.નો ગણેશોત્સવ પણ ફિલ્મી વર્તુળમાં ખાસ્સો પ્રસિદ્ધ છે. હવે તો આર.કે.સ્ટુડિયોની એ જાહોજલાલી રહી નથી, તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે આર.કે. સ્ટુડિયો વેંચી મારવામાં આવશે.પણ રાજ કપૂર જીવતા હતા ત્યારે અહીંના ગણેશોત્સવની અનોખી બોલબાલા હતી. હજી આજે પણ રાજકપૂરના પુત્રો રિષી, રણધીર અને રાજીવ કપૂર ગણપતિ લેવા પોતે જાય છે. ગણેશ ચતુર્થીના દિવસે આ કલાકારોને જોવા આજે પણ ફિલ્મરસિયાઓ ભીડ કરી મૂકે છે. રાજ કપૂરના કાળમાં આ ઉત્સવની ઉજવણી નજરોનજર નિહાળનારાઓનું કહેવું છે કે હવે એવો ઉમંગ કે ઉત્સાહ જોવા નથી મળતો. જમ્પિંગ જેક જિતેન્દ્રના ઘરે તો છેક ૧૯૭૪થી ગણરાયાની સ્થાપના થાય છે. છેક બાળપણથી જ જિતેન્દ્રને એકદંત સાથે અનોખો નાતો રહ્યો છે. બાળપણમાં ગિરગાંવમાં રહેતા ત્યારથી જિતેન્દ્ર ગણેશોત્સવ દરમિયાન ગણપતિમય થઈ જતા. પહેલા બાન્દરા સ્થિત પાલીહિલના ઘરે અને હવે જુહૂના જે.વી.પી.ડી.સ્કીમમાં આએવેલા 'ક્રિષ્ણા' બંગલામાં દર વર્ષે ગણપતિનું સ્થાપન થાય છે. પહેલા દોઢ દિવસ માટે ગણપતિની સ્થાપના થતી. હવે છેલ્લાં થોડાક વર્ષોથી પાંચમા દિવસે વિધ્નહર્તાનું વિસર્જન થાય છે. સવાર-સાંજ આરતી અને પૂજામાં જિતેન્દ્રના પરિવારના તમામ સભ્યો હાજર રહે છે. વ્યસ્ત જીવનમાંથી આ પાંચ દિવસ સમય કાઢી એકતા કપૂર અને તુષાર કપૂર પણ હાજર રહે છે. ગમે એટલી વ્યસ્તતા કે મહત્ત્વનું કામ હોય, ગણપતિ દરમિયાન ઘરનું કોઈ ને કોઈ ઘરમાં હાજર રહે છે. 'મારા પપ્પાના મિત્રો દાદા - દાદી તથા અન્ય સગાંસંબંધીઓ ઘરે આવે. બધા સાથે ભોજન લઈએ. વિસર્જનના દિવસે હું પણ ગણપતિના વિસર્જન માટે જુહૂ ચોપાટી જાઉં છું,' તુષાર જણાવે છે. જિતેન્દ્રના ઘરે દર્શન માટે રાકેશ રોશન, સુજિતકુમાર, પ્રેમ ચોપરા અને રિષી કપૂર જેવા એમના નિકટના મિત્રો અને કલાકારો પણ આવે છે. ગણેશોત્સવ દરમિયાન એકવાર જિતેન્દ્ર ગિરગાંવ સ્થિત પોતાના જૂના ઘર નજીક સ્થપાતા ગણપતિના દર્શન કરવા પણ અચૂક જાય છે. રિષી કપૂર અને નીતુ સિંગ પણ પોતાના ઘરે ધામધૂમથી દોઢ દિવસ ગણપતિની સ્થાપના કરે છે. નાના પાટેકર આમ તો ભગવાનમાં માનતો નથી પણ દર વર્ષે ગણપતિની અર્ચના અને પૂજામાં એ ખાસ્સો સમય ગાળે છે. નાના જાતે જ ગણેશચતુર્થીના દિવસે જઈ મૂર્તિકારને ત્યાંથી ગણેશમૂર્તિ લાવે છે. આ વર્ષે તો વિધ્નહર્તાની સૂંઢ નાનાએ જાતે જ સાંઈબાબાનું ચિત્ર દોરી છે. નાના પાટેકર અચ્છો ચિત્રકાર છે. વર્ષો પહેલાં ગુનેગારના વર્ણન પરથી એનું સ્કેચ બનાવવામાં પોલીસની મદદ કરતો હતો. નાના પાટેકરના પિતા ગણપતિના પરમભક્ત હતા અને પહેલેથી જ પાટેકર પરિવારમાં ઘરે ગણપતિ લાવવાની પરંપરા છે. એ વખતે નાના ગણેશોત્સવમાં ઝાઝો રસ લેતો નહોતો. પણ પિતાના અવસાન પછી નાનાની માતાએ નાનાને ગણપતિ લાવવા દબાણ કર્યું. એટલું જ નહીં જ્યાં સુધી હું જીવું છું તું ઘરે ગણપતિ લાવીશ એવું વચન પણ એમણે નાના પાસેથી લીધું હતું. છેલ્લા બે દાયકાથી નાના ઊલટભેર ગણપતિની સ્થાપના કરે છે. પાછળ વિશાળકાય અરીસો રાખી સિસમતા બાજઠ પર નાનાના ઘરે ગણપતિની પ્રતિષ્ઠા કરાય છે. ગણપતિની આસપાસની જગ્યા વિવિધ ફૂલો વડે શણગારવાનું કામ નાના જાતે કરે છે, અત્યારે સામાન્યપણે પોતાના વતન મુરુડ જંજીરામાં રહેતો નાના ગણપતિ પૂર્વે માટુંગા સ્થિત પોતાના ઘરે આવે છે અને અનંત ચૌદશના દિવસે ઉઘાડા પગે વિસર્જન માટે જાય છે.
ખલ્લાસ ગર્લ ઈશા કોપીકર ગણપતિની ભક્ત છે. માહિમમાં રહેતી ઈશા આ વર્ષથી ઘરે ગણપતિની સ્થાપના કરવાની હતી. પણ ઘરમાં સમારકામ ચાલતું હોવાથી એ શક્ય બન્યું નહોતું. ઈશા કહે છે, 'મારા નામનો અર્થ પાર્વતી થાય છે અને પાર્વતી ગણપતિની માતા છે. એટલું જ નહીં મારા જીવનમાં અનેક મહત્ત્વની ઘટનાઓ મંગળવારે બની છે. ગણપતિ સાથે મારે આવો સંબંધ છે. અમારી સોસાયટીમાં આવતા ગણપતિના વિસર્જન બાદ થોડાક દિવસ ગમતું જ નહીં. આવતા વર્ષે ચોક્કસ મારા ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરીશ.' ઈશાની જેમ અન્ય મહારાષ્ટ્રીયન કલાકારો અને કસબીઓ પણ ઘરે ગણપતિ લાવે છે. સુરેશ વાડકર, મોહન જોશી અને મધુર ભંડારકરના ઘરે ગણપતિ આવે છે. સ્વરસામ્રાજ્ઞાી લતા મંગેશકરના ઘરે ગણપતિની આરતી વખતે અલગ જ માહોલ જામે છે. તો જગ્ગુદાદા તરીકે ઓળખાતા જેકી શ્રોફના ઘરે પણ ધૂમ્રવર્ણની સ્થાપના થાય છે. દોઢ દિવસના ગણપતિની પૂજા કરે છે. જેકીની પત્ની આયેશા ઉત્સાહથી પૂજા કરે છે. જેકીને તો ગણપતિ વિશે પૂછીએ એટલે તરત જ એમના ગુણોનું વર્ણન કરવા માંડે છે. જેકીની જેમ રિષિતા ભટ્ટ પણ ગુજરાતી હોવા છતાં ઘરે ગણપતિ લાવે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી એના ઘરે દોઢ દિવસ માટે ગણપતિ આવે છે. આ વર્ષે પોતાનું બધું કામ પડતું મૂકી રિષિતા ગણપતિની પૂજામાં વ્યસ્ત હતી. નમ્રતા શિરોડકર પોતાની બહેન શિલ્પા શિરોડકરના સાસરે ગણેશપૂજા માટે જાય છે.


