Get The App

સાત દિલવાલે અને સાત દુલ્હનિયાની સોલિડ ધામધૂમ

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
સાત દિલવાલે અને સાત દુલ્હનિયાની સોલિડ ધામધૂમ 1 - image


- શું તમે જાણો છો કે હોલિવુડની મ્યુઝિકલ 'સેવન બ્રાઈડ્સ ફોર સેવન બ્રધર્સ' પરથી બનેલી 'સત્તે પે સત્તા'માં હિરોઈન તરીકે મૂળ રેખાની પસંદગી કરવામાં આવી હતી? પહેલાં રેખા અને પછી પરવીન બાબીએ પણ ના પાડી દેતાં આખરે હેમા માલિનીની વરણી કરવામાં આવી, જે તે સમયે પ્રેગનન્ટ હતાં! 

ઘણાં વર્ષો પહેલાં એક નાનકડા રજવાડામાં બે શિલ્પીઓ રહેતા. રાજાએ તેમના માટે સ્પર્ધા જાહેર કરી. જે સૌથી સુંદર મૂર્તિ બનાવશે તે રાજશિલ્પી બનશે. પહેલો શિલ્પી મંદિરમાં ગયો. રાજાને ઘણા સમય પહેલા જે મૂર્તિ ગમી હતી તેની હૂબહૂ કોપી બનાવી કાઢી. બીજો શિલ્પી પણ મંદિરમાં ગયો. તેણે નકલ કરવાની જગ્યાએ એ મૂર્તિને ધ્યાનથી જોઈ. તેને ખ્યાલ આવ્યો કે, ભગવાન આ મૂર્તિમાં શક્તિશાળી લાગે છે. પરંતુ, કરુણાનું શું..? તે પાછો ગયો અને પોતાનું વર્ઝન બનાવ્યું. તેની મૂર્તિમાં દયાળુ એવા ભગવાન જાણે આશીર્વાદની સાથે હૂંફ આપી રહ્યા હતા. રાજાએ બંને મૂર્તિઓ જોઈ. પહેલા શિલ્પીને કહ્યું કે, તમારી મૂર્તિ દેખાય છે સારી પરંતુ, નિર્જીવ છે, જૂની મૂર્તિના પડછાયા જેવી લાગે છે. જ્યારે, બીજાને કહ્યું, આ મારા દિલ સાથે ડાયરેક્ટ વાત કરે છે. તમે નકલ નથી કરી, તમે આત્માને સમજ્યા છો અને જૂની મૂર્તિને નવું સ્વરૂપ આપ્યું છે. 

કહેવાય છે ને કે, એવરીથિંગ ઇઝ કનેક્ટેડ. બધું એકમેક સાથે કોઈક રીતે જોડાયેલું છે. મહાન કલાકૃતિઓના સંદર્ભમાં પણ કંઈક આવું જ છે. દરેક ઉત્તમ આર્ટવર્ક અગાઉના કોઈ આર્ટવર્ક સાથે સંવાદ કરતું જોવા મળે છે. માઈકલ એન્જેલોના ડેવિડ અને તેની એક સદી પછી બનાવેલા બેનિનીના ડેવિડને જ લઈ લો. બંને બાઈબલનાં જ પાત્રો છે. પરંતુ, તેમની સ્ટાઇલ અલગ છે. તેઓ જે વિચાર રજૂ કરી રહ્યાં છે તે પણ અલગ છે. શેક્સપિયરના કેટલાય નાટકો જૂની દંતકથાઓ, ઈતિહાસ કે અગાઉના નાટકો પર આધારિત હતાં, પરંતુ ક્યારેય તેમની પર નકલનો આરોપ લાગ્યો નહોતો, કારણ કે તેઓ પ્રેરણા અને ચોરી વચ્ચેની પાતળી ભેદરેખાને જાણતા હતા. ફિલ્મોમાં પણ આવા અનેક કિસ્સાઓ છે. જ્યોર્જ લુકાસની 'સ્ટારવોર્સ' પાછળ અકિરા કુરોસાવાની 'ધ હિડન ફોટ્રેસ' પ્રેરણા હતી. લુકાસની જેમ ઘણી હિન્દી ફિલ્મોમાં અન્ય ફિલ્મોના આઈડિયા ઉધાર લેવાય છે, અને તેને નવું રૂપ, નવો વિચાર અને ક્યારેક નવો આત્મા આપે છે. ફિલ્મની નકલ કરવામાં અને પ્રેરિત થઈને નવું સર્જન કરવામાં આસમાન-જમીનનો ફરક છે. નકલમાં આત્મા નથી હોતો. 

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સલીમ-જાવેદની જોડી કંઈક અલગ હતી. તેમણે 'શોલે' માટે હોલિવુડની ફિલ્મ 'ધ મેગ્નિફિસેન્ટ સેવન' પરથી પ્રેરણા લીધી હતી. આ અંગ્રેજી ફિલ્મ અકીરા કુરોસાવાની જાપાનીઝ ફિલ્મ 'સેવન સમુરાઈ' પરથી પ્રેરિત છે, જ્યારે અકીરા કુરોસાવાએ 'સેવન સમુરાઈ' બનાવવા માટે હોલિવુડ ડિરેક્ટર જ્હોન ફોર્ડના કામ પરથી પ્રેરણા લીધી હતી. આ પ્રેરણાના ઝરણાના અંતે બનેલી 'શોલે' આજે પણ દર્શકોની મનપસંદ ફિલ્મ છે. ઈન્સ્પિરેશનનો આવો જ જાદુ 'સત્તે પે સત્તા'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 'સેવન બ્રાઈડ્સ ફોર સેવન બ્રધર્સ' નામની હોલિવુડ મ્યુઝિકલની પ્રેરણાનું જ ફળ હતી. 

સેવન બ્રાઈડ્સ ફોર સેવન બ્રધર્સ 

'સેવન બ્રાઈડ્સ ફોર સેવન બ્રધર્સ'માં નામ પ્રમાણે ગુણ છે. સાત ભાઈઓ માટે સાત કન્યા. જંગલની વચ્ચે રહેતા ભાઈઓનો ભેટો તેમની પત્નીઓ સાથે કેવી રીતે થાય છે તેની આ સ્ટોરી છે. સાત ભાઈઓમાંના સૌથી મોટા ભાઈ એડમની મુલાકાત મિલી નામની છોકરી સાથે થાય છે. વાત વાતમાં પ્રેમ થાય છે અને ત્યારબાદ લગ્ન. જેવી મિલી લગ્ન કરીને ઘરે આવે છે ત્યારે જુએ છે કે, એડમની સાથે તેના છ ભાઈઓ પણ રહે છે. વર્ષે એક વાર વરસાદમાં નહાતા, પ્રાણીઓની જેમ ખોરાક ઝાપટતા, બાળકોની જેમ ઝગડતા ભાઈઓને જોઈને મિલી ચોંકી જાય છે. મિલીને થયું કે, કામવાળી મળી નહીં એટલે પ્રેમનું નાટક કરીને મને ઘરમાં લઈ આવ્યા છે. થોડા દિવસના રિસામણા બાદ મિલી આ ચિત્રવિચિત્ર પરિવારને સ્વીકારી લે છે. મિલીની ટ્રેનિંગ બાદ ભાઈઓમાં સારો બદલાવ આવે છે. હવે, તેમના માટે કન્યા શોધવાનો સમય આવે છે. એડમ ગ્રીક ફિલોસોફરની બુકમાંથી એક પ્રસંગ વાંચીને ભાઈઓને કહે છે કે, રોમન કાળ દરમિયાન પત્નીઓને અપહરણ કરીને લાવવામાં આવતી. ભાઈઓ તેનો બુદ્ધિ વાપર્યા વિના અમલ કરે છે. શહેરમાં જઈને છોકરીઓનું અપહરણ કરીને લઈ આવે છે. આ દરમિયાન આ ભાઈઓનો પ્રેમ કેવી રીતે ખીલે છે તેની આ સ્ટોરી છે. જેમાં, દરેક ખાસ ક્ષણ માટે એક સોંગ એમ કુલ ૧૩ સોંગ્સ છે. આ ફિલ્મે ૧૯૫૫માં ૩૧ લાખ ડોલરની કમાણી કરી હતી. 

ભારતીય મસાલાની કમાલ

કાદર ખાન, સતીષ ભટનાગર અને જ્યોતિ સ્વરૂપની ત્રિપુટીને 'સેવન બ્રાઈડ્સ ફોર સેવન બ્રધર્સ'ની સ્ક્રિપ્ટ ખૂબ જ પસંદ પડી હતી. હવે, સમય હતો આ ફિલ્મને ભારતીય રંગ રૂપ આપવાનો. તેમણે શરુઆત નામથી કરી. 'સેવન બ્રાઈડ્સ ફોર સેવન બ્રધર્સ', 'સત્તે પે સત્તા' (૧૯૮૨) બની ગઈ. સાત ભાઈઓનાં નામ અઠવાડિયાના વાર પ્રમાણે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આપ્યા. તેમાં ગામડાં, ગીતો, જોક્સનો ભારતીય મસાલો છાંટયો. વિચાર આવ્યો કે, વિલન વિના હીરોગીરી શું કામની..? એટલે 'શોલે'ના ગબ્બર અમજદ ખાનને પણ લઈ આવ્યા. હાથમાં દેસી તમંચાની જગ્યાએ પ્રોપર્ટીના પેપર્સ અને 'કિતને આદમી થે..?'ની જગ્યાએ 'પ્રોપર્ટી મેરે નામ કબ હોગી?' વિચારતો ગબ્બર વિલનની ખોટ પૂરી કરે છે. હજી લાગ્યું કે, કંઈક ખૂટે છે તો રવિ અને બાબુના કેરેક્ટરમાં અમિતાભનો ડબલ રોલ કરાવી દીધો. આ ડબલ રોલ પણ ગજબનો. જેલમાંથી છૂટેલો અમિતાભ વિલન છે, ખૂન કરવાની તૈયારી કરીને આવ્યો છે. પરંતુ, તેનો આત્મા જીવિત છે. આ કેરેક્ટર હિન્દી ફિલ્મોમાં જ જોવા મળે એવું. પહેલાથી વિચાર જ કરી લીધો હતો કે, ફિલ્મમાં ફૂલ કોમેડી રાખવી છે અને મગજ નથી વાપરવું એટલે ડાયલોગ પણ એવા. જુસ્સો વધારવા માટે, 'ચેન કુલી કી મેન કુલી કે ચેન' જેવું સ્લોગન છાંટવામાં આવ્યું. હવે આનો કશો મતલબ થતો નથી, પરંતુ તે પોપ્યુલર એટલી હદે થયું કે, દોરડા ખેંચની રમત રમાતી હોય કે બંધ પડેલી કારને ખેંચવાનો વારો આવ્યો હોય ત્યારે આ સૂત્ર બોલાવા લાગ્યું. ફિલ્મના કેટલાક સીન કોમેડી, પણ તમને વિચારવા પર મજબૂર કરે. જેમ કે, વિલન અમિતાભ જ્યારે અમજદ ખાનની સોપારી મુજબ ખૂન કરવા જાય છે ત્યારે એકદમ જ રંજીતા કૌર પોતાની વ્હીલચેરમાંથી ઉતરીને દોડવા લાગે છે. તેના નિર્જીવ થયેલા પગ એકદમ જ કામ કરવા લાગે છે. તમને સમજાવે છે કે, જ્યારે કોઈ તમારું ખોટું કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે, તે અનાયાસે તમારા માટે સારું જ કરે છે. 

 રેખાની જગ્યાએ પ્રેગનન્ટ હેમાની એન્ટ્રી 

અમિતાભ અને રેખાની કેમેસ્ટ્રીએ 'દો અંજાને', 'આલાપ', 'ખૂન પસીના', 'ગંગા કી સૌગંધ', 'મુકદ્દર કા સિંકદર', 'મિસ્ટર નટવરલાલ', 'સુહાગ', 'રામ બલરામ' અને 'સિલસિલા' જેવી ફિલ્મોમાં ધૂમ મચાવી હતી. આ સફળ ફિલ્મો બાદ ફેન્સ તેમને 'સત્તે પે સત્તા'માં સાથે જોવા માગતા હતા. આ ફિલ્મ માટે રેખા લગભગ નક્કી જ હતી. પરંતુ, છેલ્લી ઘડીએ રેખાએ ના પાડી. રેખાની જગ્યાએ પરવીન બાબીને કાસ્ટ કરવામાં આવી પરંતુ, તેણે પણ સ્વાસ્થ્યના કારણોસર ફિલ્મ ના કરી. ત્યાર બાદ હેમા માલિનીનો નંબર લાગ્યો. તેમનું કમિટમેન્ટ જુઓ. આખી ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ પ્રેગનન્ટ હતાં છતાં પણ તેમણે ફિલ્મમાં કોઈ કસર છોડી નહોતી. ઈશા દેઓલ ગર્વ સાથે કહી શકે કે, અભિમન્યુની જેમ એ એક્ટિંગ માના પેટમાંથી શીખીને આવી હતી. 

 પંચમ દાની ક્રિએટિવિટી   

આર. ડી. બર્મન એટલે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવનારા સંગીતકાર. ત્રણ દાયકા સુધી તેમણે અનેક યાદગાર ગીતો આપ્યા હતા. 'સત્તે પે સત્તા'માં તેમના બે સોંગ્સ સુપરહીટ રહ્યા હતા. 'પ્યાર હમે કિસ મોડ પે લે આયા..'  અને 'દિલબર મેરે...' આજે પણ લોકપ્રિય છે. 'દિલબર મેર..' માટે અમિતાભને કિશોર કુમારે અને હેમા માલિનીને એનેટ પિંટો નામની સિંગરે અવાજ આપ્યો હતો. આ સોંગનો ગજબનો કિસ્સો છે. સોંગ રેકોર્ડ થયા બાદ એનેટને પંચમ દાએ સ્ટુડિયો પર બોલાવી હતી. તેમને થયું કે, સોંગનો કોઈ ભાગ ફરી ગાવો પડશે. પરંતુ, સીન કંઈક અલગ હતો. એનેટ જેવી સ્ટુડિયો પહોંચી પંચમ દાએ તેને પાણીનો ગ્લાસ ધરી દીધો અને કહ્યું કે, આ ધૂન પર કોગળા કર. પંચમ દાની વાત સાંભળીને પહેલા તો એનેટ ડરી ગઈ. તેને થયું મારો અવાજ તેમને ના ગમ્યો તો સીધું કહી દેવું હતું. અપમાન કરવાની જરૂર ન હતી. પંચમ દાએ તેને સમજાવી અને છેવટે જે કોગળા રેકોર્ડ થયા તે અમિતાભ બચ્ચનના ડબલ રોલ બાબુની એન્ટ્રી પર સંભળાય છે.   

બચ્ચનની ચર્ચાસ્પદ પાર્ટીઝ 

એક ઈન્ટરવ્યુમાં 'સત્તે પે સત્તા'ના સૌથી નાના ભાઈ શનિ બનેલા સચિન પિલગાંવકરે અમિતાભ બચ્ચનનો કિસ્સો સંભળાવ્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં ચાલી રહ્યું હતું. તે સમયે જયા બચ્ચન બે બાળકો શ્વેતા અને અભિષેક સાથે કાશ્મીર પહોંચ્યાં હતાં. સચિને કહ્યું કે, બચ્ચન શૂટ બાદ મોડી રાત સુધી પાર્ટી કરતા હતા. બચ્ચન જ્યારે પણ મોડા પડતા ત્યારે જયા તેમને શોધવાં માટે નીકળી પડતાં હતાં. 

 બોક્સ ઓફિસ પર ધમાલ

 તે સમયે સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. પહેલા જ દિવસે ફિલ્મ સાત લાખ રૂપિયા કમાઈ હતી. આ ફિલ્મ  લાઈફ ટાઈમ રુપિયા ૪ કરોડની કમાણી સાથે ૧૯૮૨ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. દુરદર્શન પર સૌથી વધુ જોવામાં આવતી ફિલ્મોમાં તેનું નામ સામેલ થયું હતું. આ ફિલ્મે સાબિત કર્યું કે, ભારતીય મસાલા ભોજનની જેમ ફિલ્મને પણ સ્વાદિષ્ટ બનાવી દે છે. 

એન્ડ ક્રેડિટ 

Stay Original, and let the world copy you.

Tags :