ટીઆરપીના પાપે આ ધારાવાહિકોની નૈયા ડૂબાડી
એ વાત જગજાહેર છે કે ટીવી સીરિયલો ટીઆરપીની ધરી પર ફરે છે. જે રીતે ફિલ્મી કલાકારો કહેતા હોય છે કે અમારી કિસ્મતનો ફેંસલો શુક્રવારના હાથમાં હોય છે તેવી જ રીતે દૈનિક ધારાવાહિકોના કલાકારો હવે એમ કહેવા માંડે કે દર અઠવાડિયે આવતું ટીઆરપી અમારી દશા અને દિશા નક્કી કરે છે તો નવાઈ નહીં પામતા. અત્યાર સુધી તો ભાગ્યે જ કોઈ કલાકારે મોઢું ખોલીને આ વાત કહેવાની હિમ્મત કરી છે. આમ છતાં કહાણીને બદલે ટીઆરપી પર ચાલતી ધારાવાહિકો આજની તારીખની વાસ્તવિકતા છે. ટીઆરપી નીચે ઉતરતાં જ શોના કથાનક અચાનક નવા વળાંક લે, લીપ લે, કોઈક કલાકાર ગુમ થઈ જાય તો કોઈક નવા કલાકારની એન્ટ્રી થાય એ હવે સામાન્ય થઈ પડયું છે. આવી સ્થિતિમાં લીપનો સહારો લેવા છતાં કેટલીક સિરીયલોનો દાટ વળી ગયો છે તેનો યશ ટીઆરપીના ફાળે જાય છે. જેમ કે...
ગુમ હૈ કિસી કે પ્યાર
યે રિશ્તા ક્યા કહલાતા હૈ
ઝનક
પરિણીતી
ગુમ હૈ કિસી કે પ્યાર
તાજેતરમાં જ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં ત્રીજી વખત જનરેશન લીપ આવ્યું. પરંતુ દર્શકો અગાઉની જેમ આ શો સાથે જોડાઈ ન શક્યાં તેથી એમ કહેવાય છે કે તેમાં ચોથો લીપ લેવાની તૈયારી થઈ રહી છે. વાસ્તવમાં આ શોના પ્રથમ બે ભાગ ખાસ્સાં લોકપ્રિય થયાં હતાં. પરંતુ ત્રીજો ભાગ ખાસ કાંઈ જામ્યો નહીં. શક્ય છે કે ચોથા લીપ સાથે આવનારા કલાકારો આ ધારાવાહિકનો ભાર પોતાના ખભે ઊંચકી લે.
ઝનક
'ઝનક'માં વધુ એક લીપ આવશે એમ કહેવાઈ રહ્યું છે. આ ત્રીજા કૂદકામાં 'અનિરૂધ્ધ' અને 'ઝનક' વધુ એક વખત વિખૂટાં થઈ ગયા હશે. તેમાં 'ઝનક' કાશ્મીરની કલી નહીં, બલ્કે બિહારની ગોરીના રૂપમાં દેખા દેશે.
યે રિશ્તા ક્યા કહલાતા હૈ
થોડા સમય પહેલા જ કેટલાંય વર્ષોથી ચાલતા આ શોમાં વધુ એક કૂદકો મારવામાં આવ્યો. જોકે આ લીપ માત્ર ત્રણ મહિનાનો હતો. આમ છતાં તેને કારણે ટીઆરપી નીચે ઉતરી ગઈ. લીપ પછી 'રૂહી' આ શોની મુખ્ય જોડી 'અરમાન' અને 'અભીરા'ની સરોગેટ મધર બની છે.
સુમન ઇન્દોરી
'સુમન ઇન્દોરી'માં પણ ટીઆરપીના કારણે જ લીપ લેવામાં આવ્યો. આમ છતાં સર્જકો તેનો કોઈ ફાયદો ન થયો. રેટિંગને ઉપર લાવવામાં નિષ્ફળતાં મળતાં છેવટે આ શો પર પડદો પાડી દેવામાં આવ્યો.
પરિણીતી
ધારાવાહિક 'પરિણીતી'નું નામ પણ આ યાદીમાં છે. અત્યાર સુધી ઘણાં કૂદકા મારી ચૂકેલી આ સીરિયલના રેટિંગમાં હજી પણ કોઈ સુધારો નથી દેખાઈ રહ્યો. હવે ટીઆરપી આ શોના ભાગ્યનો કેવો ફેંસલો કરે છે એ તો સમય જ કહેશે.
કુમકુમ ભાગ્ય
તાજેતરમાં 'કુમકુમ ભાગ્ય'માં ચોથો કૂદકો મારવામાં આવ્યો. પરંતુ તે હનુમાન કૂદકો પુરવાર ન થયો. ચોથા લીપમાં પ્રણાલી રાઠોડ જેવી લોકપ્રિય અભિનેત્રીની એન્ટ્રી પણ ખાસ કાંઈ ઉકાળી શકી નહીં.