ખરી કસોટી હૃતિક-જુનિયર એનટીઆરની નહીં, અયાનની છે
- હૃતિક અને જુનિયર એનટીઆરની જોડીએ ઓડિયન્સ ઉપરાંત ઇન્ડસ્ટ્રીના લોકોના મનમાં પણ ખૂબ ઊંચી અપેક્ષા પેદા કરી નાખી છે
'હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની 'વૉર'ની સફળતા પછી હવે 'વૉર-ટુ'ની રાહ જોવાઈ રહી છે. મધ્ય ઓગસ્ટમાં ફિલ્મ રિલીઝ થઈ શકે તેવી તૈયારી જોરશોરથી ચાલી રહી છે.
દિગ્દર્શક અયાન મુખરજી કહે છે, 'આ વખતે અમે 'વૉર-૨' ની વાર્તા પર ધ્યાન વધુ કેન્દ્રીત કર્યું છે, કારણ કે હું એક એવો સંઘર્ષ ઈચ્છતો હતો જે ભારતીય સિનેમાના બે ટોપ એક્ટરો - હૃતિક રોશન અને જુનિયર એનટીઆર - આ બન્નેની હાજરીને જસ્ટિફાય કરી શકે. બોક્સ ઓફિસ પર 'વૉર' જેવી ફ્રેન્ચાઈઝીને આગળ ધપાવવી અને તેના પર પોતાની છાપ છોડવી - આ એક બહુ મોટી જવાબદારી છે.'
કદાચ એટલે જ અયાન કહે છે કે આટલી મોટી બ્લોકબસ્ટર ફ્રેન્ચાઈઝ જોડાઈને તમે જલસા તો ન જ કરી શકો.
'આ ફિલ્મની પ્રિક્વલ સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટે કરી હતી. હું આ સેટ-અપમાં નવો ઉમેરાયો છું. તેથી મારે આ માહોલ સાથે, આગલી ફિલ્મના સૂર સાથે સૂર મિલાવવા પડયા. વળી, આ ફિલ્મમાં હૃતિક અને જુનિયર એનટીઆર જેવા બબ્બે સુપરસ્ટાર્સ છે. બન્નેનું વિશાળ ચાહકગણ છે. આ ફિલ્મ પાસેથી તેમને જબ્બર અપેક્ષાઓ હશે, જે મારે સંતોષવી જ પડે. એક દિગ્દર્શક તરીકે મારે પ્રામાણિક રહેવું પડે. તેથી જ મેં મારી જાતને આ ફિલ્મમાં પૂરેપૂરી હોમી દીધી છે. હું દિવસ-રાત 'વોર-ટુ'માં જ રમમાણ રહું છું.'
બોલિવુડમાં હવે મેકરો સામે ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવી કે ઓટીટી પર એવું નવું કન્ફ્યુઝન શરુ થયું છે. અલબત્ત, હૃતિક અને એનટીઆર જેવા હીરો હોય એટલે ઓટીટી રિલીઝ તો ન જ હોય.
'હા, એ વાત સાચી, પણ ઓડિયન્સ થિયટરો તરફ ખેંચાઈ એવો એવો જબરદસ્ત સિનેમેટિક એક્સપિરીયન્સ અમારે તેમને આપવો પડશે. તેથી જ એક્શન સિકવન્સીસ શૂટ કરવામાં અમારો મહત્તમ સમય પસાર થયો હતો.'
આટલું કહીને અયાન આ ફિલ્મના કથાનક વિશે આટલું જ કહે છે, ''વૉર-૨' ભારતીય સિનેમાની તાકાત સેલિબ્રેટ કરે છે. હું બોલિવુડ શબ્દ નથી વાપરતો, હું ભારતીય સિનેમા કહું છું. હૃતિક અને જુનિયર એનટીઆર બે અલગ અલગ ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરે છે. અમે જાણીએ છીએ કે આ જોડીએ તેમના ચાહકાના મનમાં જ નહીં, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોના મનમાં પણ ખૂબ ઊંચી અપેક્ષા પેદા કરી છે.'
હાલ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું
કામ ઝપાટાભેર ચાલી રહ્યું છે. અયાન મુખરજીના મનમાં એક જ વાતની ચટપટી છે કે ક્યારે પ્રેક્ષકો થિયેટરમાં આવે અને ક્યારે પોતે બનાવેલી આ બિગ બજેટ ફિલ્મ માણે. કસોટીની ઘડી ઉત્તરોત્તર નજીક આવી રહી છે. જોઈએ, 'વોર-ટુ' ઓડિયન્સની પરીક્ષામાં પાસ થાય છે કે નહીં.