- સિને મેજિક- અજિત પોપટ
- અનાથ કિશોર પોતાની વાત કરતાં કહે છે- ધરતી મેરી માતા, પિતા આસમાન, મુઝ કો તો અપના સા લાગે સારા જહાન.. જસપાલના કંઠે આ ગીત સચિન પર ફિલ્માવાયું હતું. મૈં વો હી દર્પણ વો હી...
અમિતાભ બચ્ચન અને નૂતનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સૌદાગર ફ્લોપ નીવડી પરંતુ રવીન્દ્ર જૈને આપેલાં એનાં ગીત-સંગીતને સરસ આવકાર મળેલો એ વાત આપણે કરી ગયા. રવીન્દ્ર જૈનના કામથી સંતુષ્ટ રાજશ્રીના તારાચંદ બડજાત્યાએ રવીન્દ્રને બીજી ફિલ્મ ઓફર કરી. ઇત્તેફાક જુઓ, સૌદાગરની કથા પણ એક બંગાળી વાર્તા પર આધારિત હતી. રાજશ્રીએ રવીન્દ્ર જૈનને ઓફર કરેલી બીજી ફિલ્મ પણ બંગાળી વાર્તા પર આધારિત હતી. નોબેલ પારિતોષિક વિજેતા કવિવર રવીન્દ્રનાથ ટાગોરની એક વાર્તા અતિથિ પર આધારિત ફિલ્મ રાજશ્રીએ બનાવી. ગીત ગાતા ચલ. ફિલ્મનું ટાઇટલ સૂચવે છે એમ આ ફિલ્મની કથા ગીત સંગીત પર આધારિત હતી. સદૈવ હસતા રમતા ગાતા નાચતા એક અનાથ કિશોરને એક સુખી દંપતી .
પોતાના પાલક પુત્ર જેવો ગણીને પોતાને ઘેર લઇ આવે છે
આ દંપતીની પુત્રી અજાણતામાં આ કિશોરને એકપક્ષી પ્રેમ કરવા માંડે છે. પેલા કિશોરના મનમાં એવો કોઇ ભાવ નથી. પાલક માતાપિતા પોતાને પરણાવી દેવાની હિલચાલ કરે છે એવું લાગતાં એ કિશોર ઘર છોડીને ચાલ્યો જાય છે. પછીની વાર્તા કહેતો નથી. ફક્ત એટલો ઇશારો કરું છું કે ફિલ્મ સુખાંત હતી. નાયક નાયિકા અંતે એક થાય છે. કિશોર કલાકાર જોડી તરીકે સચિન પિલગાંવકર અને સારિકાને લીધાં હતાં. સચિને મોટે ભાગે સ્વચ્છ ભૂમિકાઓ વધુ કરી છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચને એકવાર એમના બ્લોગ પર એક પ્રસંગ લખ્યો હતો. સચિનના સંદર્ભં .
એ પ્રસંગ મહત્ત્વનો છે એટલે અહીં ટૂંકમાં રજૂ કરું છું.
રમેશ સિપ્પીની સદાબહાર ફિલ્મ શોલેના એક દ્રશ્યમાં રહીમ ચાચાનું અંધ પાત્ર ભજવતા એ કે હંગલનો હિટ ડાયલોગ છે- આજ યહાં ઇતના સન્નાટા ક્યૂં હૈ... ગબ્બર સિંઘે સચિનના પાત્રની હત્યા કરીને એને ઘોડા પર રામગઢ મોકલ્યો છે. અમિતાભે સચિનને બિરદાવતાં કહ્યું કે મૃત વ્યક્તિ તરીકે તેં સરસ અભિનય કર્યો ત્યારે સચિને નમ્રતાથી કહ્યું કે સર, મને અભિનય કરતાં પચીસ વર્ષ થયાં. અમિતાભ ચકિત થઇ ગયા. તે દિવસથી અમિતાભ સચિનને માનથી બોલાવતા થયા.
ગીત ગાતા ચલ ફિલ્મમાં સચિને અનાથ કિશોર શ્યામનો રોલ કર્યો છે. કમાલની વાત એ છે કે અહીં રવીન્દ્ર જૈને ભગવાન કૃષ્ણની બાળલીલા પર આુધારિત ગીતોને ફિલ્મની કથા સાથે સાંકળી લઇને અત્યંત મધુર સંગીત પીરસ્યું છે. બધાં ગીતો હિટ નીવડયાં હતાં. શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં બાળકૃષ્ણની લીલા વહ્ણવી છે. ભારતની લગભગ દરેક ભાષામાં આ કૃષ્ણલીલાનાં પદો-ગીતો મળે છે. ગુજરાતીમાં એવું એક ગીત ખૂબ લોકપ્રિય થયું હતું- રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વહેતું ન મેલો ઘનશ્યામ... દરેક નાના-મોટા ગાયકે આ ગીત ગાયું છે. ફિલ્મ ગીત ગાતા ચલમાં પણ એવું એક ગીત છે. આ ગીતના રચનારા તરીકે રવીન્દ્ર જૈનનું નામ મૂકાયું છે. અહીં કવિએ થોડી છૂટ લીધી છે. રાધા સાથે ભક્ત કવયિત્રી મીરાંબાઇનું નામ જોડી દીધું છે- શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ, લોગ કરે મીરાં કો યૂં હી બદનામ, શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ, રાધા કા ભી શ્યામ ઔર મીરાં કા ભી શ્યામ.... આ ગીત લચકદાર દાદરા તાલમાં છે. અગાઉ આપણને શંકર જયકિસને કર્ણાટક સંગીતમાંથી ઉત્તર ભારતીય સંગીતમાં આવેલા રાગ ચારુકેશી પર આધારિત અદ્ભુત ગીત આપેલું- બેદર્દી બાલમા તુઝ કો મેરા મન યાદ કરતા હૈ... એ ગીત પણ દાદરા તાલમાં હતું. શ્યામ તેરી બંસી પુકારે... ગીત પણ રાગ ચારુકેશી અને દાદરા તાલમાં છે. તર્જ અને લય બંને હૃદયસ્પર્શી છે. આજે પણ જન્માષ્ટમી જેવા તહેવારોમાં આ ગીત અચૂક સાંભળવા મળે છે. પરદા પર આ ગીત જસપાલ સિંઘ અને આરતી મુખરજીએ ગાયું છે.
કૃષ્ણની બાળલીલા પર આધારિત અન્ય ગીત છે- કર ગયા કાન્હા મિલને કા વાદા, જમુના કિનારે ખડી હૈ કબ કી રાધા...આરતી મુખરજીના કંઠે આ ગીત કહરવા તાલમાં રજૂ થયું છે. ફરી એકવાર શંકર જયકિસનને યાદ કરીએ. ફિલ્મ મેરે હુઝૂર માટે આ બંનેએ રાગ બૈરાગીમાં એક અત્યંત કરુણ ગીત આપેલું- ગમ ઊઠાને કે લીયે મૈં તો જિયે જાઉંગા, સાંસ કી લય પે તેરા નામ લીયે જાઉંગા... આ ગીત મુહમ્મદ રફીએ બુલંદ કંઠે ગાયેલું. અહીં રવીન્દ્ર જૈને રાગ બૈરાગીનો આધાર લઇને ગીતનો ઉપાડ સ્વરાંકિત કર્યા પછી અંતરામાં રાગ ચારુકેશી ઉમેરી દઇને રાધાની વેદનાને વધુ ઘેરી બનાવી છે.
ઔર એક ગીત કૃષ્ણલીલાને યાદ કરાવે છે. આશા ભોંસલે અને મુહમ્મદ રફીના કંઠે ગવાયેલું એ ગીત પણ દાદરા તાલમાં છે. અહીં સંગીતકારે રાગ કાફી અજમાવ્યો છે. વાત તો વિરહની જ છે. શ્યામ અભિમાની ઓ શ્યામ અભિમાની, તુમ તો ભયે મથુરા કે રાજા, રોતી રહી રાધારાની... જવાબમાં શ્યામ કહે છે, રાજા હુઆ મૈં ઔરોં કા, લેકિન રાધા મેરે મન કી રાની...
નાયિકા નાયકના એકપક્ષી પ્રેમમાં પડી જાય છે ત્યારની એની મનોદશા આ ગીતમાં રજૂ થઇ હતી- મૈં વો હી, દર્પણ વો હી, ન જાને યે ક્યા હો ગયા, સબ કુછ લાગે નયા નયા... આરતી મુખરજીના કંઠે ગવાયેલું આ ગીત અને હવે પછી જે બે ત્રણ ગીતોની વાત કરીશું એ પરદા પર માણવા જેવાં હતાં.
અનાથ કિશોર પોતાની વાત કરતાં કહે છે- ધરતી મેરી માતા, પિતા આસમાન, મુઝ કો તો અપના સા લાગે સારા જહાન.. જસપાલના કંઠે આ ગીત સચિન પર ફિલ્માવાયું હતું. મૈં વો હી દર્પણ વો હી... અને આ ઘરતી મેરી માતા... બંને ગીતો રાગ પહાડી પર આધારિત છે અને કહરવા તાલમાં નિબદ્ધ છે.
રાગ પહાડી આઘારિત ઔર એક ગીત જસપાલ સિંઘના કંઠમાં છે. આ ગીતને આપણે ટાઇટલ ગીત કહી શકીએ. એસ ડી બર્મનની શૈલીમાં આ ગીતની તર્જ રવીન્દ્ર જૈને બંગાળી સંગીત પર આધારિત કરી છે. ગીતનું મુખડું છે- ગીત ગાતા ચલ ઓ સાથી ગુનગુનાતા ચલ, ઓ બંધુ રે, હંસતે હંસતે બીતે હર ઘડી હર પલ... ખૂબ મધુર તર્જ લય છે.
કિશોર વયના નાયકની મનોદશાને વ્યક્ત કરતું એક ગીત કિશોર કુમારના કંઠમાં સંગીતકારે જમાવ્યું છે. અહીં ફરી રાગ કાફી અજમાવ્યો છે. ગીતમાં સુષુપ્ત વેદના અનુભવાય છે. મુખડું છે- બચપન હર ગમ સે બેગાના હોતા હૈ, જનમ કા શુભ દિન હર દિન સે બેગાના હોતા હૈ... શબ્દો પરથી સમજાય છે કે નાયકના જન્મ દિવસને કેન્દ્રમાં રાખીને આ ગીત ફિલ્માવાયું હશે.
એક ગીત પરદા પર રમૂજ પ્રગટાવવા લેવાયું હોય એવી છાપ પડે છે. જસપાલ સિંઘ અને હેમલતાના કંઠમાં છે. મુખડું છે- મોંહે છોટા મિલા ભરથાર જવાની કૈસે કટે, બડી મુશ્કીલ મેં હું સરકાર જવાની કૈસે કટે....
અત્યંત સ્વચ્છ કથાવસ્તુ ધરાવતી આ ફિલ્મ એંગ્રી યંગ મેનની બોલબાલા વચ્ચે હિટ નીવડી હતી અને એનાં ગીત સંગીતને પણ પ્રચંડ આવકાર મળ્યો હતો. રવીન્દ્ર જૈનની કારકિર્દી જામી ગઇ હતી.


