દિલીપકુમાર, સંજીવકુમાર, ઓમ પુરી, અજય દેવગન, અક્ષયકુમાર સહિત અભિનેત્રીઓ તબુ અને રાની મુખરજીએ પણ બાહોશ પોલીસ ઓફિસરનાં પાત્ર ભજવીને દર્શકોની વાહ વાહી મેળવી છે. રાજકુમાર એક માત્ર એવા અભિનેતા હતા જે મુંબઇના માહિમ પોલીસ સ્ટેશનમાં સાચુકલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રહી ચૂક્યા હતા. એમણે ફિલ્મોમાં પણ ફરજપરસ્ત પોલીસ ઓફિસરની ભૂમિકાઓ ભજવી હતી
હિન્દી ફિલ્મ જગતમાં અભિનય સમ્રાટ ગણાતા દિલીપ કુમાર, ડાયલોગના બાદશાહ ગણાતા રાજ કુમાર, એન્ગ્રી યંગમેન ગણાતા અમિતાભ બચ્ચનથી લઇને શત્રુઘ્ન સિંહા, અક્ષય કુમાર, અજય દેવગણ, રાની મુખરજી, તબુ વગેરેએ વિવિધ પાત્રો ભજવ્યાં છે. જોકે આ જ બધાં કલાકારોએ પોલીસ ઓફિસરની ભૂમિકામાં દમદાર કહી શકાય તેવો અભિનય કરીને દર્શકોની વાહ વાહની તાળીઓ મેળવી છે.
આ જ બોલીવુડના જગદીશ રાજ એક એવા અભિનેતા હતા જેમણે કુલ ૧૪૪ ફિલ્મોમાં પોલીસ ઓફિસરનું પાત્ર ભજવીને ગીનેસ બુક ઓફ રેકોર્ડ્ઝમાં સન્માન મેળવ્યું છે.
આજે આપણે આ બધાં પોલીસ ઓફિસર કલાકારોની મજેદાર વાતો માણીએ.
* દિલીપકુમાર :
ટ્રેજેડી કિંગ ગણાતા દિલીપ કુમારે સમય જતાં શક્તિ(૧૯૮૨), કર્મા(૧૯૮૬), કાનુન અપના અપના(૧૯૮૯) એમ ત્રણ ફિલ્મોમાં પોલીસ કમિશનરની પ્રભાવશાળી ભૂમિકા ભજવી છે. શક્તિ ફિલ્મમાં દિલીપ કુમાર(પિતા) અને એન્ગ્રી યંગમેન ગણાતા અમિતાભ બચ્ચન(પુત્ર) ના અભિનયની જુગલબંદી જોવા મળી છે. દિલીપ કુમારે કાનૂન અપના અપના(૧૯૮૯) ફિલ્મમાં પણ પોલીસ ઓફિસરનું પાત્ર ભજવ્યું છે.
* સંજીવ કુમાર :
સંજીવ કુમારે શિકાર, હમ હિન્દુસ્તાની, બેરહમ વગેરે ફિલ્મોમાં પોલીસ ઓફિસરની અફલાતૂન ભૂમિકા ભજવી છે.
શિકાર ફિલ્મમાં તો સંજીવ કુમારે હત્યાના કેસની ઘેરી તપાસ કરતા ઇન્ટેલિજન્ટ પોલીસ ઓફિસરનું પાત્ર ભજવીને શ્રેેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ મેળવ્યો હતો.
* અમિતાભ બચ્ચન :
મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચને ફિલ્મ ઝંજીર (૧૯૭૩), પરવરીશ (૧૯૭૭), શહેનશાહ (૧૯૮૮),ઇન્દ્રજિત (૧૯૯૧), ખાખી(૨૦૦૪) એમ કુલ પાંચ ફિલ્મમાં પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે.
અમિતાભ બચ્ચને ઝંજીર ફિલ્મમાં એન્ગ્રી યંગમેનનું વિશિષ્ટ પાત્ર ભજવ્યું છે.
* શત્રુઘ્ન સિંહા :
બોલીવુડના શોટગન શત્રુઘ્ન સિંહાએ ફિલ્મ સાજન(૧૯૬૯), કાલીચરણ(૧૯૭૬), કોતવાલ સાબ (૧૯૭૭), બેરહમ(૧૯૮૦), ગંગા તેરા દેશ મેં(૧૯૮૮) એમ કુલ પાંચ ફિલ્મમાં પોલીસ ઓફિસરની મજેદાર ભૂમિકા ભજવી છે. શત્રુઘ્ન સિંહાએ ફિલ્મ કાલીચરણમાં તો હિંમતબાજ પોલીસ ઓફિસરની અને જબરા માથાભારે કેદીની એમ બેવડી ભૂમિકા ભજવી છે.
* ઓમ પુરી :
હિન્દી ફિલ્મ જગતના આલા દરજ્જાના અભિનેતા ઓમ પુરીએ અર્ધ સત્ય, ગુપ્ત, કગાર, ફર્ઝ વગેરે ફિલ્મોમાં ફરજ પરસ્ત પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. અર્ધ સત્ય ફિલ્મમાં ઓમ પુરીએ ભ્રષ્ટ રાજકીય નેતાઓ અને પોલીસની કડીને તોડતા જબરા હિંમતબાજ અને પ્રામાણિક અનંત વેલણકરનું પાત્ર ભજવ્યું હતું. અર્ધ સત્ય ફિલ્મમાં પોલીસ ઓફિસરની શ્રેષ્ઠ ભૂમિકા માટે ઓમ પુરીને નેશનલ એવોર્ડનું સન્માન મળ્યું હતું.
* રાજ કુમાર :
રાજ કુમાર એટલે મૂળ તો કશ્મીરી કુલભૂષણ પંડિત. આ કુલભૂષણ પંડિત ૧૯૪૦માં મુંબઇના માહિમ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ફરજ બજાવતા હતા. બોલીવુડનાં જાણકાર સૂત્રોના કહેવા મુજબ એક દિવસ રાજ કુમાર મુંબઇના પ્રસિદ્ધ મેટ્રો સિનેમા ગૃહ પાસે તેમની ફરજ બજાવતા હતા ત્યારે જાણીતા ફિલ્મ નિર્માતા -દિગ્દર્શક અને અભિનેતા સોહરાબ મોદીની નજર રાજ કુમાર પર પડી. રાજ કુમારનો રૂઆબદાર ચહેરો અને મોટી ચમકદાર આંખો જોઇને સોહરાબ મોદી બહુ પ્રભાવિત થયા. સોહરાબ મોદીએ રાજ કુમારને હિન્દી ફિલ્મોમાં અભિનય કરવા ઓફર કરી હતી.
જોકે શરૂઆતના તબક્કે ખચકાટ બાદ રાજ કુમારે હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યોહતો. રાજ કુમારે રંગીલી(૧૯૫૨) ફિલ્મથી હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો. સમય જતાં રાજ કુમારે પોલીસ પબ્લિક(૧૯૯૦), પોલીસ ઔર મુજરીમ(૧૯૯૨) ફિલ્મોમાં પોલીસ ઓફિસરની જ્યારે તિરંગા(૧૯૯૩)માં ભારતીય લશ્કરના જાંબાઝ બ્રિગેડિયરનું પ્રભાવશાળી પાત્ર ભજવ્યું હતું.
* અજય દેવગન :
અજય દેવગને ગંગાજલ, સિંઘમ, સાજન, ગંગા તેરા દેશમ વગેરે ફિલ્મોમાં પોલીસ ઓફિસરની પ્રભાવશાળી ભૂમિકા ભજવી છે. અજય દેવગણ ે પડદા પર એક પ્રામાણિક અને શિસ્તબદ્ધ પોલીસ ઓફિસરનું પાત્ર ભજવીને દર્શકોની ભરપૂર પ્રશંસા મેળવી છે.
* અક્ષય કુમાર :
બોલીવુડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે રાવડી રાઠોડ અને સૂર્યવંશી એમ બે ફિલ્મોમાં બહાદુર પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. અક્ષય કુમારે રાવડી રાઠોડ ફિલ્મમાં તો એક્શન સાથે કોમેડી પણ કરીને દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું.
* સલમાન ખાન :
બોલીવુડના સલ્લુમિયાંએ દબંગ ફિલ્મમાં ચુલબુલ પાંડે નામના પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. સલમાન ખાને દબંગ ફિલ્મમાં ભ્રષ્ટ પણ મજાકિયા પોલીસ ઓફિસરનું પાત્ર ભજવીને દર્શકોને ખુશ કર્યા હતા.
* રણવીર સિંહ :
રણવીર સિંહે પણ સિમ્બા ફિલ્મમાં પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. રણવીર સિંહ સિમ્બા ફિલ્મમાં પૈસો મારો પરમેશ્વરનું સૂત્ર અપનાવે છે. રણવીર સિંહે આ ફિલ્મમાં જુદા જુદા રંગ દર્શાવ્યા છે.
* રણદીપ હુડા :
રણદીપ હુડાએ ઇન્સ્પેક્ટર અવિનાશ નામની વેબ સિરિઝમાં જાંબાઝ પોલીસ ઓફિસરનું પાત્ર ભજવ્યું છે. દર્શકોએ આ વેબ સિરિઝને આવકારી હોવાના અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા છે.
* રાની મુખરજી :
બોલીવુડની અભિનેત્રીઓએ પણ ફરજ પરસ્ત અને બહાદુર પોલીસ ઓફિસરનાં પાત્ર ભજવીને દર્શકોનો બહોળો પ્રતિસાદ મેળવ્યા ે છે. રાની મુખરજીએ ફિલ્મ મર્દાની(૨૦૧૪), મર્દાની -૨( ૨૦૧૯), મર્દાની - ૩ ( ૨૦૨૬) માં શિવાની શિવાજી રાવ નામની બાહોશ પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. આ ત્રણેય ફિલ્મમાં રાની મુખરજીના અભિનયની ભરપૂર પ્રશંસા થઇ છે.
* તબુ :
પ્રતિભાશાળી અભિનેત્રી અભિનેત્રી તબુએ ફિલ્મ દ્રીશ્યમ ફિલ્મમાં શિસ્તબદ્ધ ઇન્સ્પેક્ટર જનરલ મીરા દેશમુખનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં તબુના અભિનયની પ્રશંસા થઇ છે.
* પ્રિયંકા ચોપડા :
પ્રિયંકા ચોપરાએ પણ જય ગંગાજલ ફિલ્મમાં બહોશ પોલીસ આફિસરનું પાત્ર ભજવ્યું છે.


