- દાસ્તાન-એ-સિનેમા
- ઓલ ઈન્ડિયા રેડિયોએ ફિલ્મી ગીતો પર પ્રતિબંધ મૂક્યો ત્યારે શ્રીલંકાનું રેડિયો સીલોન ભારતીય ફિલ્મ સંગીતનું તારણહાર બન્યું હતું. બુધવારે રાત્રે પ્રસારિત થતા કાર્યક્રમને સાંભળવા માટે દુકાનો વહેલી બંધ થઈ જતી.
ક્યારેક મૌન બોલે છે. અને જ્યારે તે બોલે છે ત્યારે, જે વાત શબ્દો નથી કહી શકતા તે કહી જાય છે.. મૌન સત્ય છે. મૌન પ્રેમ છે. મૌન શ્રદ્ધા છે. શબ્દો મર્યાદિત છે. મૌન અનંત છે. શબ્દો તો ઘણીવાર નકાબ પહેરી લે છે. પરંતુ, મૌન તો નિખાલસ છે. મૌન પ્રેમ છે તો વિયોગ પણ છે. મૌન શક્તિ છે અને શરણાગતિ પણ છે. મૌન શાંતિ છે અને તોફાન પણ. મૌન જવાબ છે તો ક્યારેક સવાલ પણ. તેની અલાયદી ભાષા છે. જે તમારી મૌનની ભાષા સમજે છે, એ તમને સમજે છે. એટલે જ કહેવાય છે કે, સંબંધોની સાચી ઊંડાઈ મૌનમાં જ વસે છે. કોઈ શબ્દ ન બોલાયો અને બધુ જ કહેવાય ગયું. આ જાદુ ત્યારે જ થાય જ્યારે, સંબંધોમાં ઊંડાઈ હોય. હિંદી ફિલ્મોમાં પણ મૌનનો ખૂબ જ સુંદર ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાયલન્ટ ફિલ્મોના સમયમાં ફિલ્મમેકર્સ પાસે મૌન સિવાય કોઈ વિકલ્પ નહોતો. પરંતુ, ત્યારબાદની ફિલ્મોમાં પણ જે ભાવનાઓ શબ્દો વ્યક્ત ન કરી શક્યા તેને કહેવા માટે મૌનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 'આવારા'માં નરગીસને શોધતી રાજ કપૂરની આંખો નિર્દોષ પ્રેમ વ્યક્ત કરતી હતી ત્યારે, મૌન પ્રેમનો એકરાર હતો. 'મુઘલ-એ-આઝામ'માં દિલીપ કુમાર અને મધુબાલાનું મૌન સમર્પણની નિશાની હતું. 'પાકીઝા'માં મીના કુમારીનું મૌન પ્રેમ, પીડા, અને તડપ સાથે ઘણું બધું કહેતું હતું. 'કાગઝ કે ફૂલ'માં પડછાયામાં ઝૂકેલા ચહેરા સાથે બેઠેલા ગુરુ દત્તના મૌન દ્રશ્યો હૃદયને ચિરનારા હતા.
પરંતુ, મૌન હંમેશા પૂરતું નથી. ક્યારેક તે દિલના ઊંડાણમાં છુપાયેલા તોફાનોને કહી નથી શકતું. ત્યારે શબ્દોની જરૂર પડે છે. આ શબ્દો જ છે જે, મૌનની પીડાને સ્વર આપે છે. આ શબ્દો આંખોની ભાષાને ગીતમાં ફેરવી નાખે છે. એટલે કહી શકાય કે, મૌનથી શરૂ થયેલી લાગણીઓ શબ્દોમાં ઢળી અને ગીત બની. જ્યારે, તે ગીત બની ત્યારે અમર થઈ ગઈ.
જ્યારે મૌન બોલતું હતું: 1913-1930
દાદા સાહેબ ફાલકેએ ૧૯૧૩માં ફિલ્મ 'રાજા હરિશચંદ્ર' બનાવી હતી. તે સમયે થિયેટરના સ્ક્રીન પર બ્લેક એન્ડ વ્હાઈટ દ્રશ્યો અને તેમાં પણ કોઈ ડાયલોગ નહીં. કોઈ મ્યુઝિક નહીં. તે સમયે થિયેટરના પડદા પાસે બેઠેલા કલાકારો પ્રસંગો પ્રમાણે મ્યુઝિક બનાવતા. યુદ્ધમાં ઢોલ-નગારા, મિલન-વિદાયમાં વાયોલિન સાથે દર્શકોને જકડી રાખવાનો પ્રયત્ન કરવામાં આવતો. આ સમય હતો જ્યારથી ભારતીય સિનેમાના દર્શકોએ કહ્યું કે, ફિલ્મ અને મ્યુઝિક એક સિક્કાની બે બાજુ છે. એક સિવાય બીજાનું અસ્તિત્વ હૃદય વિનાના શરીર જેવું છે.
ટોકી ફિલ્મો અને ગીતોનો જન્મ : 1930
૧૯૩૧માં હિંદી ફિલ્મોમાં આત્મા ઉમેરાયો. અર્દેશિર ઈરાનીએ 'આલમ આરા' ફિલ્મ સાથે, 'ઓલ ટોકિંગ, ઓલ સિંગિંગ, ઓલ ડાન્સિંગ' ફિલ્મોના યુગની શરૂઆત કરી. ફિલ્મના સાત ગીતો સાથે દેશ ઝૂમી ઉઠયો. થિયટરોની બહાર લાંબી લાઈનો લાગી. દર્શકોને ફિલ્મના ગીતો સાંભળવાની તાલાવેલી હતી. આ ફિલ્મે ગીતો પર દર્શકોની સહમતીનો સ્ટેમ્પ લગાવી દીધો હતો. ત્યારબાદથી એક્ટર્સ પોતે જ ગીતો ગાતા. રંગમંચની શૈલીનો ઊંચો સ્વર, શાીય રાગોથી ભરપૂર ગીતો તે સમયના મ્યુઝિકની ઓળખ બની ગયા. આ એ જ સમય હતો જ્યારે, કે. એલ. સાયગલ છવાઈ ગયા હતા. ૧૯૩૮માં તેમની ફિલ્મ 'સ્ટ્રીટ સિંગર'નું ગીત 'બાબુલ મોરા નૈહર છૂટો જાય' એ દર્શકોને ચોધાર આંસુએ રડાવ્યા હતા. હિંદી સિનેમામાં પ્લેબેક સિંગિંગની શરૂઆત આર.સી. બોરાલ અને પંકજ મલિકે કરી હતી. ધીમે ધીમે ઈન્ડિયન અને વેસ્ટર્ન ઈન્સ્ટ્રુમેન્ટ્સની જુગલબંધી જોવા મળી.
ગોલ્ડન વોઈઝનો જમાનો : 1940
હિંદી ફિલ્મ મ્યુઝિક માટે ૧૯૪૦નો દાયકો સૌથી મોટો ટનગ પોઈન્ટ હતો. આ એ જ સમય હતો જ્યારે, પ્લેબેક સિંગિંગનો મજબૂત પાયો નખાયો હતો. અનિલ બિસ્વાસ હિંદી ફિલ્મ મ્યુઝિકમાં ઓસ્કેસ્ટ્રાને લઈને આવ્યા. ગાયકના સૂર સાથે વાયોલિન, સિતાર, તબલા અને વેસ્ટર્ન ઈન્સ્ટ્મેન્ટ્સના કોમ્બિનેશનને સૌએ પસંદ કર્યા. આ દાયકાના સૌથી મોટા સ્ટાર નૌશાદ અલી રહ્યા હતા. તેમણે હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકને પોપ્યુલર બનાવ્યું. ૧૯૪૪માં રિલીઝ થયેલી ફિલ્મ 'રત્તન'ના ગીતો 'અખિયા મિલાકે જિયા ભરમા કે', 'જબ તુમ હી ચલે પરદેશ', 'પરદેશી બલમા'.. ઘરે ઘરે ગુંજતા થયા હતા. 'રત્તન'ની ફિલ્મની ટિકિટો કરતા તેના રેકોડર્સ વધુ વેચાયા હતા. નૌશાદે ૧૯૪૬ની ફિલ્મ 'શાહજહાં'માં પણ મ્યુઝિક આપ્યું હતું. જેમાં, કે.એલ. સાયગલે ગાયેલું 'જબ દિલ હી તૂટ ગયા, હમ જી કે ક્યા કરેંગે, ઉલ્ફત કા દિયા હમને ઈસ દિલ મે જલાયા થા, ઉમ્મીદ કે ફૂલો સે ઘર કો સજાયા થા, એક ભેદી લૂટ ગયા, માલૂમ ન થા ઈતની મુશ્કિલ હૈ મેરી રાહેં, અરમાં કે બહે આંસુ હસરત ને ભરી આહેં હર સાથી છૂટ ગયા...'તૂટેલા દિલોની એન્થમ બન્યું હતું.
આ દાયકા દરમિયાન જ ભારતની આઝાદીની ચળવળ નવી ઊંચાઈએ પહોંચી હતી. ૧૯૪૩માં રિલીઝ થયેલી ફિલ્મ 'કિસ્મત'નું સોંગ 'દૂર હટો એ દુનિયા વાલો હિન્દુસ્તાન હમારા હૈ', જ્યારે થિયેટરોમાં વાગતું ત્યારે દર્શકો પોતાની સીટ પર ઊભા થઈને સૂરથી સૂર મિલાવતા હતા. ત્યારબાદ, થિયેટર અંગ્રેજો ભારત છોડોના નારાથી ગુંજવા લાગતું હતું. આ ગીત અમીરબાઈ કર્ણાટકીએ ગાયું હતું. તેમના સિવાય ઝોહરાબાઈ અંબાલેવાલી અને શમશાદ બેગમે તે સમયની હીરોઈનોને અવાજ આપ્યો હતો. મેલ સિંગરની યાદીમાં ૧૯૪૭ સુધી કે.એલ. સાયગલનો પ્રભાવ રહ્યો હતો. આ દાયકામાં ભવિષ્યની ઝલક જોવા મળી હતી. લતા મંગેશકરે નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. આ દાયકામાં જ મુકેશ અને મોહમ્મદ રફી જેવા સ્ટાર્સ પણ આગળ આવ્યા હતા. ગીતો સાથે ફિલ્મોનું આયુષ્ય વધ્યું. તે સૂર-તાલ સાથે દર્શકોના દિલોદિમાગમાં જીવંત બની. ઘરે ઘરે ગ્રામોફોન રેકોર્ડ વાગતા થયા. લગ્નમાં બેન્ડબાજા ફિલ્મી ગીતો ગાતા થયા. જ્યારે, રેડિયોએ શહેરો અને ગામડાઓને જોડવાનું કામ કર્યું.
1950 : મેલોડીનો ગોલ્ડન ટાઈમ
૧૯૪૦ના દાયકામાં ફિલ્મોમાં મ્યુઝિકનો પાયો નખાયો. ૧૯૫૦ના દાયકામાં ગીતોએ ફિલ્મોને નવી ઓળખ આપી. લોકો ફક્ત ગીતોની લોકપ્રિયતાને કારણે ફિલ્મો જોવા થિયેટરોમાં ઉમટી પડતા. મ્યુઝિક ડિરેક્ટર્સે હિન્દુસ્તાની અને કર્ણાટકી રાગના મિશ્રણ એવા શાીય સંગીતની સાથે પ્રાદેશિક લોકપરંપરાઓને જોડી. નૌશાદના 'બૈજુ બાવરા'માં 'મન તરપત હરિ દર્શન' જેવા રાગ-આધારિત ગીતોએ આધ્યાત્મિક ઊંડાઈ આપી. જ્યારે, શંકર-જયકિશનના 'મેરા જૂતા હૈ જાપાની..'માં ભારતીય મ્યુઝિક સાથે જેઝી બીટ્સનું અનોખું મિશ્રણ જોવા મળ્યું. ઓ.પી. નૈયરે 'નયા દૌર' ફિલ્મમાં 'યે દેશ હૈ વીર જવાનો કા..' સોંગ સાથે હિન્દી મ્યુઝિકમાં જોશ ઉમેર્યો. શંકર જયકિશનની જોડીએ આ દાયકામાં ૫૦થી વધુ ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું. તેમણે ગીતકાર શૈલેન્દ્ર અને સિંગર મુકેશ સાથે જોડી બનાવીને આર.કે. ફિલ્મ્સને અનેક હિટ સોંગ્સ આપ્યા. જ્યારે, ગુરુ દત્તે એસ.ડી. બર્મન અને સાહિર લુધિયાનવી સાથે પ્યાસા જેવી માસ્ટરપીસ આપી.
ભારતીય મ્યુઝિકના આ ગોલ્ડન ટાઈમમાં ગાયકોનું એક એવું ગુ્રપ જોવા મળ્યું કે જેમના ગીતો આજની તારીખમાં લોકપ્રિય છે. લતા મંગેશકર કોમળ અવાજ સાથે ભારતીય નારીત્વનું પ્રતીક બની ગયા. તેમણે 'મહલ'ના 'આયેગા આનેવાલા'થી લઈને 'મુઘલ-એ-આઝામ'ના 'પ્યાર કિયા તો ડરના ક્યા..' સહિત ૧,૦૦૦થી વધુ ગીતો આપ્યા. બીજી તરફ હતા, મોહમ્મદ રફી. જેઓ ભજન, કવ્વાલી, રોમેન્ટિક ગીતોથી લઈને દેશભક્તિના ગીતો ગાઈ શકતા. તેમણે 'બૈજુ બાવરા'માં 'ઓ દુનિયા કે રખવાલે..' જેવા ભજનથી લઈને 'ચૌધવી કા ચાંદ હો..' જેવા રોમેન્ટિક ગીતોને યાદગાર બનાવ્યા. આ બાજુ મુકેશનો અવાજ રાજ કપૂરના ચહેરાની ઓળખ બની ગયો. તલત મહમૂદનો કર્ણપ્રિય અવાજ અને દર્દભરી ગઝલનું કોમ્બિનેશન દર્શકોને ખૂબ પસંદ આવ્યું. અનેક સુમધુર ગીતો સાથે મન્ના ડેએ પોતાની આગવી ઓળખ બનાવી. આ ચહેરાઓ સિવાય પણ ગીતા દત્ત અને આશા ભોંસલેએ અનેક સુપરહિટ ગીતો આપ્યા છે.
હિંદી ફિલ્મ મ્યુઝિકનું શ્રીલંકા કનેક્શન
આકાશવાણી ૧૯૫૨ની આસપાસ શાીય સંગીતને પ્રાધાન્ય આપતું અને હિંદી ગીતો વગાડવામાં સંકોચ અનુભવતું હતું. આ સમયે અચાનક ભારતમાં ક્રાંતિ આવી. આ ક્રાંતિ મુંબઈ કે દિલ્હીથી નહીં પરંતુ, સીધી શ્રીલંકાની રાજધાની કોલંબોથી આવી હતી. શ્રીલંકાના રેડિયો સિલોનની 'બિનાકા ગીતમાલા'એ હિંદી ફિલ્મ મ્યુઝિકની દિશા બદલી નાખી. આ વીકલી શોને હિટ બનાવનાર અવાજ અમીન સયાનીનો હતો. તેમનું 'બહેનો ઔર ભાઈઓ..' સાંભળવા દર અઠવાડિયે રેડિયો ટયુન કરવામાં આવતા. દેશભરમાં બુધવાર રાતની આતુરતાથી રાહ જોવામાં આવતી. આ કાર્યક્રમમાં ફક્ત ગીતો જ નહીં, પરંતુ, તેની પાછળની કહાનીઓ, ગાયકો-સંગીતકારોની ઓળખ અને લોકપ્રિયતાને આધારિત ગીતોને ક્રમ આપવામાં આવતો. શ્રીલંકાથી શોર્ટવેવ તરંગોને કારણે સંભળાતા રેડિયોના શોની લોકપ્રિયતા એટલી હદે વધી કે, ગીતો ફિલ્મોથી મોટા બન્યા. ભારતમાં ઉત્તરથી દક્ષિણ સુધી પૂર્વથી પશ્ચિમ સુધી લોકો એક જ સમયે ગીતો સાંભળતા થયા. બુધવારની રાત્રે દુકાનો વહેલી બંધ થતી. ગામડાંમાં લોકો એક જ રેડિયો પાસે ભેગા થતા અને ઘરોમાં પરિવાર આ રેડિયોના તહેવારની ઉજવણી કરવા તૈયાર રહેતો. ઘણીવાર ફિલ્મો ફ્લોપ થઈ પરંતુ, તેના સોંગ્સ સુપરહિટ રહ્યાં. રેડિયો સિલોન ભારતીય ફેન્સના પત્રોથી છલકાવવા લાગ્યું હતું. બિનાકા ગીતમાલાને કારણે દેશમાં બ્રાન્ડિંગનો નવો યુગ શરૂ થયો હતો.


