ધુરંધર રણવીર ઘાયલ સિંહની જેમ ત્રાટકવાની તૈયારીમાં
'ઘાયલ હું ઈસલિયે ઘાતક હૂં'... હું ઘવાયો છું એટલે વધુ ખતરનાક છું એમ કહી રણવીર સિંહે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પોતાના હરીફો અને હિતશત્રુઓને ચેતવણી આપી છે. એક્ટરે પોતાની શ્રેણીબદ્ધ ફિલ્મો ફ્લોપ ગયા બાદ ફેન્સને પ્રોમિસ આપ્યું છે કે હું સિલ્વર સ્ક્રીન પર વધુ સ્ટ્રોંગ બનીને આવી રહ્યો છું.
રણવીરે પોતાના ૪૦મા બર્થ ડે પર પોતાની આગામી મલ્ટીસ્ટારર અને મહત્ત્વાકાંક્ષી ફિલ્મ 'ધુરંધર'નો ફર્સ્ટ લુક રિલીઝ કરીને બધાને ચોકાવી દીધા. ફર્સ્ટ લુકમાં મહાકાય હીરો એકદમ ડરામણા અને બરછટ અવતારમાં જોવા મળે છે. ફર્સ્ટ લુક સાથે મુકેલી પોસ્ટમાં રણવીર ઘોષણા કરે છે, 'એક મહાદુષ્ટ (નાયક)નો ઉદય થશે અને એની સાથે એક અજાણી વ્યક્તિની સત્યકથા પરથી પડદો ઉંચકાશે. આ લુકમાં એક્ટરની એકદમ કસાયેલી બોડી અને લાંબા વાળ એવો નિર્દેશ કરે છે કે પોતાના રોલને ન્યાય આપવા એણે કઈ હદે પોતાની કાયાનું રૂપાંતર કર્યું છે.
'ઉરી : ધ સર્જીકલ સ્ટ્રાઈક' ફેમ આદિત્ય ધરે ડિરેક્ટ કરેલી 'ધુરંધર' એક જાસૂસી થ્રિલર ફિલ્મ હોવાનું મનાય છે. આવતા મહિને સિનેમાઘરોમાં રિલીઝ થનારી મૂવીમાં રણવીરનો સાથ પુરાવવા આર. માધવન, અક્ષય ખન્ના, સંજય દત્ત અને અર્જુન રામપાલ જેવા સિનિયર એક્ટર્સને સામેલ કરાયા છે. સારા અર્જુન ફિલ્મની લીડ હિરોઇન છે.
ફર્સ્ટ લુકમાં પ્રોમોમાં ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે એમ કહેવાયું છે, પણ સ્ટોરીની વિગતો નથી અપાઈ. એક્શન થ્રિલર હોવાને કારણે પ્રોમોમાં લોહીની રેલમછેલ છે. રણવીર હાથમાં ગન અને બોમ્બ સાથે શત્રુઓ પર સિંહની જેમ તૂટી પડતો દેખાય છે, જ્યારે સંજય દત્ત અને અક્ષય ખન્ના હાથોહાથની લડાઈમાં ઉતરતા જોવા મળે છે. માધવનનો સેમી બોલ્ડ લુક દર્શકોમાં કુતૂલહ જગાડવામાં સફળ થયો છે એ તો નક્કી. અર્જુન રામપાલનું સોનાના ચળકતાં દાંત સાથે ખંધુ હાસ્ય એ વિલન બનીને કશાક ઘાતક કાવતરાને અંજામ આપવાની તૈયારી હોવાનો સંકેત આપી જાય છે. જોઈએ, આ ફિલ્મથી રણવીરના દુખના દહાડા પૂરા થાય છે કે કેમ.