Get The App

પહેલી ફિલ્મ ભલે ફલોપ ગઇ, પણ રાશા થડાણી હિટ છે

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
પહેલી ફિલ્મ ભલે ફલોપ ગઇ, પણ રાશા થડાણી હિટ છે 1 - image


- 'મને જે નકારાત્મક પ્રતિભાવો મળ્યા છે તેને હું મારા કામને સુધારવાનાં સૂચનો તરીકે જોઉં છું. હું આ ફીડબેકને નેગેટિવ ગણતી જ નથી, કારણ કે દર્શકો તો એમને જે લાગે એ જ કહે

હિન્દી ફિલ્મોની એક જમાનાની મસ્ત મસ્ત ગર્લ તરીકે જાણીતી હિરોઇન રવિના ટંડને પછી તો 'આરણ્યક' નામની વેબ સિરીઝ કરીને નવી ઇનિંગ્સમાં પણ ઓડિયન્સને પ્રભાવિત કર્યા. જોકે હવે સ્પોટલાઇટ રવિના પરથી ખસીને એમની રૂડીરૂપાળી દીકરી રાશા પર આવી ગઈ છે. રાશા થડાનીએ બોલિવૂડમાં 'આઝાદ' ફિલ્મથી સાથે એન્ટ્રી મારી, આ ફિલ્મ તદ્દન ફ્લોપ થઈ છતાંય આજે એકલું બોલિવુડ જ નહીં દર્શકોમાં પણ  રાશાની ચર્ચા થઈ રહી છે. તેમાંય 'ઉઇ અમ્મા...' ગીતમાં રાશાના ડાન્સ મૂવ્ઝ જોઇને ભલભલા આફરીન પોકારી ગયા છે. સોશિયલ મીડિયા પર આ ડાન્સની નકલ કરતી ગણી ગણાય નહીં એટલી રીલ્સ બની છે. રાશા એક 'નેપો કિડ' છે, પણ આ મામલે એ એકદમ સંતુલિત માનસિકતા ધરાવે છે. 

આજે હિન્દી ફિલ્મોમાં થોડા મહિના ન થાય અને એક નવા સ્ટાર કિડની એન્ટ્રી થાય છે. જોકે એમાંથી અમુક જ દર્શકોને પ્રભાવિત કરી શકે છે, જ્યારે  મોટા ભાગનાં સ્ટાર કિડ્ઝની તુલના તેેમનાં માતાપિતા સાથે થતાં એમની હાલત કફોડી થઈ જાય છે.  

દેશના ટોપ-મોસ્ટ કોરિયોગ્રાફર્સમાંના એક રેમો ડિસોઝાને એક શોમાં કોઇએ પૂછ્યું કે ફિલ્મ ઉદ્યોગમાં આગળ જતાં મોટી ડાન્સર બને એવી સંભાવના અને પ્રતિભા તમે શામાં જુઓ છો? રેમોએ તરત કહ્યું, 'એક છોકરી ફેન્ટેસ્ટિક છે. તેનું કામ મેં જોયું છે અને મને લાગે છે કે ભવિષ્યમાં તે બહુ ઉત્તમ પરફોર્મન્સીસ આપશે. આ છોકરીનું નામ છે રાશા. 'ઉઇ અમ્મા'માં તેનો ડાન્સ અફલાતૂન છે.' 

મોમી રવિના ટંડનને આ સાંભળી જરુર હાશ થઇ હશે! 

આ જ શોમાં હાજર રહેલી છૈયા છૈયા ગર્લ મલાઇકા અરોરાએ પણ રેમો સાથે સંમત થતાં ઉમેર્યું હતું કે, 'રાશા તો એક જબરદસ્ત ડાન્સર છે. મને લાગે છે કે આપણે હજી તેની પ્રતિભાને પુરી જોઇ નથી. રાશા એક જ એવી હિરોઇન છે જેણે લોકપ્રિય ગીતમાં પોતાનો કસબ બતાવ્યો છે.' મલાઇકાએ ઉમેર્યું હતું કે, 'નવી પેઢીના કલાકારો એકદમ તૈયાર બોલિવુડમાં એન્ટ્રી મારે છે. તેમાંય રાશા તો અફલાતૂન ડાન્સર છે.'

રાશા એક સારી ડાન્સર છે તે તો બધા જાણે છે પણ રાશાને પાર્ટીમાં ડાન્સ કરતી જોવી એક લહાવો છે. તાજેતરમાં એક પાર્ટીમાં ગોવિંદાના પુત્ર યશવર્ધન સાથે રાશાએ ૨૦૦૨નું વિખ્યાત ગીત 'અખિંયો સે ગોલી મારે' રિક્રિએટ કર્યું હતું. કહેવાની જરૂર નથી કે ગોવિંદા અને રવિનાને તો તેમનાં સંતાનોને પોતાના આ ગીત પર ડાન્સ કરતાં જોઇ મજા પડી હશે. અરે, પાર્ટીમાં હાજર રહેલા મહેમાનોને પણ મોજ પડી ગઈ હતી. રાશાને તેની મોમનું આ ડાન્સ ગીત સૌથી વધારે ગમે છે. 

પોતાની પહેલી ફિલ્મ 'આઝાદ' બોક્સ ઓફિસ પર ધાર્યો બિઝનેસ ન કરી શકી એ બાબતે રાશાએ કહે છે, 'મને જે નકારાત્મક પ્રતિભાવો મળ્યા છે તેને હું મારા કામને સુધારવાનાં સૂચનો તરીકે જોઉં છું. હું આ ફીડબેકને નેગેટિવ ગણતી જ નથી, કારણ કે દર્શકો તો એમને જે લાગે એ જ કહે. હું એમની બધાી વાતોને મારી હવે પછીની ફિલ્મો કરતી વખતે ધ્યાનમાં રાખીશ.' 

રસપ્રદ બાબત એ છે કે રવિના ટંડને ફિલ્મોમાં એન્ટ્રી મારી ત્યારે તેની ઉંમર સત્તર જ વર્ષની હતી. તેની સામે રાશાની ઉંમર ૧૯ વર્ષ છે. રાશા કહે છે, 'મારી મોમ મને કહેતી હતી કે એ સમય જુદો હતો. એ સમયે વેનિટી વાન નહોતી. એ મને સતત કહ્યા કરે છે કે તારી જનરેશન માટે તો બધું બહુ સરળ બની ગયું છે. પણ મારી મમ્મી આજે જે સ્થાને છે ત્યાં પહોંચવા માટે તેણે ઘણો સંઘર્ષ કર્યો છે. મમ્મી મને એક વ્યક્તિ તરીકે પણ સતત મને પ્રેરણા આપે છે. તે હંમેશા સૌની સાથે એવી સરસ શાલીનતાથી પેશ આવે છે કે બસ તમે તેના પ્રશંસક બની જાવ. ગમે ત્યાં ગમે તેવી સ્થિતિ હોય તે હંમેશા પોતાનું આગવું વ્યક્તિત્વ જાળવી રાખે છે.' 

અને છેલ્લે પ્રેમ વિશે વાતકરતાં રાશા કહે છે, 'મને હજી મને તેનો અનુભવ થયો નથી. આજે પ્રેમ એટલે સોશિયલ મીડિયા, ટેક્સ્ટિંગ અને ડેટિંગ એપ્સ એવો અર્થ થાય છે. પણ આ બધું નહોતું ત્યારે નિર્દોષ પ્રેમ વધારે આસાનીથી પાંગરી શકતો હતો. બંને રીતે પ્રેમ કરવાના તેના આગવા લાભ અને ગેરલાભ છે. પણ આ મામલે હું જૂના જમાનાની છું.' 

 રાશા હવે પછી કદાચ 'પતિ, પત્ની ઔર વોહ'ની સિક્વલમાં દેખાશે. 

Tags :