- આંજનેય: સન ઓફ વાયુ
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇનું જીવનના તમામ ક્ષેત્રમાં આગમન થઇ ચૂક્યુ છે તો સિનેમા તેમાંથી કઇ રીતે બાકાત રહી શકે? ભારતમાં નવી પેઢીના ફિલ્મ નિર્માતાઓ એઆઇ સર્જિત કન્ટેન્ટ બનાવી નવા યુગના મંડાણ કરવા થનગની રહ્યા છે. આવા એક સ્ટુડિયો ઇન્ટેલિકન્ટેન્ટની સ્થાપના ૨૦૨૪માં શાંતનુ સહજપાલ અને શાન જી દ્વારા કરવામાં આવી. શાંતનુ સહજપાલ સોશ્યલ મિડિયાનો બહોળો અનુભવ ધરાવે છે તો શાન એક લેખક અને ફિલ્મ માર્કેટિયર છે. આ બંને જણાંએ નવી પેઢી માટે ભારતના પ્રથમ ભક્તિ સિનેમેટિક યુનિવર્સને સર્જવાનું ભગીરથ કામ શરૂ કર્યું છે. તેમના ભક્તિ યુનિવર્સના પ્રથમ ચેપ્ટરનું નામ છે. આંજનેય- સન ઓફ વાયુ. જેને તેઓ ૨૦૨૬માં હનુમાન જયંતિએ રિલિઝ કરવાની યોજના ધરાવે છે. તેઓ કઇ રીતે આ એઆઇ સર્જિત ભક્તિ યુનિવર્સને સાકાર કરી રહ્યા છે તેની રસપ્રદ વાતો જાણીએ.
દેશ વિદેશમાં ભક્તિ અને આધ્યાત્મિક સામગ્રીના ૫૦ કરોડ કરતાં વપરાશકારો છે. એક અંદાજ અનુસાર એઆઇ સર્જિત સામગ્રીનો બિઝનેસ ૨૦૩૦માં સવા ટ્રિલિયન ડોલર્સે પહોંચવાની ધારણાં છે. શાંતનુ સહજપાલ અને શાન જી એઆઇ સર્જિત હનુમાનજીનો કન્સેપ્ટ સમજાવતાં કહે છે, હાલ જે એઆઇ મોડેલ્સ વાપરવામાં આવે છે તેમાં આર્ટ વર્કમાંથી પાત્રોની તસવીર સર્જવામાં આવે છે. પણ તમે અનુભવ્યુ હશે કે તેમાં તેમનો ચહેરો એકસમાન દેખાતો નથી. દરેક તસવીરમાં ચહેરો સહેજ અલગ દેખાય છે. અમે આ મર્યાદા દૂર કરવા માટે મોડેલ ટ્રેનિંગ પદ્ધતિ અપનાવી છે. અમે હનુમાનજીનું ફોટોરિયલિસ્ટિર્વર્ઝન સર્જવા માટે ડિફ્યુઝન મોડેલ્સને તાલીમ આપી છે. એક એઆઇ મોડેલને સ્ટુડિયો જેવા વાસ્તવિક હનુમાનજી સર્જવા માટે સાંસ્કૃતિક, કળાત્મક અને શારીરિક સંદર્ભો દ્વારા સઘન તાલીમ આપવામાં આવી છે. આમ આંજનેય એ એક એઆઇ સર્જિત અવતાર હશે જે ફિલ્મ અને વિડિયોમાં એકસમાન બની રહેશે. દુનિયામાં પહેલીવાર હનુમાનજીની આવી નક્કર એઆઇ સર્જિત શક્તિશાળી ઓળખ સર્જવામાં આવી છે.
પ્રથમ એઆઇ પાત્ર તરીકે હનુમાનજીને કેમ પસંદ કર્યા તેવા સવાલના જવાબમાં શાંતનુએ જણાવ્યું હતું કે માનવ ઇતિહાસમાં હનુમાનજી એ સૌ પ્રથમ સુપરહીરો છે. અમે જે સિનેમેટિક યુનિવર્સ સર્જવા માંગીએ છીએ તેમાં તેમનું સ્થાન ખૂબ મહત્વનું છે. હનુમાનજી તાકાત, ભક્તિ, નમ્રતા અને સેવાના પ્રતીક છે.લોકો તેમને રક્ષક અને મિત્ર તરીકે પૂજે છે. હનુમાનજીના પાત્ર સાથે શરૂઆત કરી અમે આ ભક્તિ સિનેમેટિક યુનિવર્સમાં સમર્પણ, વફાદારી અને હિંમતના પાયાના મૂલ્યોને સિંચવા માંગીએ છીએ.આ મૂલ્યો કોઇપણ આધ્યાત્મિક વ્યક્તિને સ્પર્શે છે.
શાન કહે છે, અમને લાગે છે કે કળા અને કહાનીઓમાં હનુમાનજીને પૂરતો ન્યાય મળ્યો નથી. તેમનો કરિશ્મા, પ્રભાવ અને તેમની જાદુઇ હાજરીને ન્યાય આપવા માટે સિનેમા બળક્ટ માધ્યમ છે. બીજું હનુમાનજી અર્ધ વાનર અને અર્ધ માનવ હોઇ તેમને આકાર આપવા માટે એઆઇને ટ્રેઇન કરવાનું કામ સૌથી વધારે પડકારજનક હતું. આથી અમે સૌથી મુશ્કેલ કામથી જ શરૂઆત કરી છે. આજના ઓનલાઇન ઓડિયન્સને ભક્તિ અને પ્રેરણા ફિલ્મો ઉપરાંત શોર્ટ ફોર્મ કન્ટેન્ટ, ઇમર્સિવ એક્સપરિયન્સ અને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે.
શાન જી કહે છે, આ વાર્તાઓ સાંભળીને આપણે મોટાં થયા છીએ. પણ હવે તેમને એક સિનેમેટિક યુનિવર્સ તરીકે હાઇ સ્પિડ એક્શન ફોર્મમાં રજૂ કરવામાં આવશે. આ પ્રાચીન મહાકાવ્યમાં બધું જ છે, ધર્મ માટે ગાદીનો ત્યાગ કરતો રાજા, સન્માન માટે લડાતું યુદ્ધ અને વફાદારી, બલિદાન અને બહાદુરી દાખવતાં લડવૈયાઓ પણ તેમાં છે. આ નવી પેઢી માટે તેમના વારસાને નવા સ્વરૂપમાં રજૂ કરવાનું અભિયાન છે.
જ્યારે અમે ે એમ કહીએ કે તેમાં ભક્તિને નવા સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે એટલો તેનો અર્થ એ કે ભારતમાં ભક્તિનો અર્થ સદીઓથી મંદિર, તહેવારો, ધાર્મિક વિધિઓ, કળા અને સંગીત સ્વરૂપે રજૂ થતો રહ્યો છે. આજનાઓડિયન્સને તેના પ્રિય સ્ક્રિન્સ પર અમે ભક્તિનો અનુભવ કરાવવા માંગીએ છીએ. અમે તેમાં ભક્તિના તત્વને અકબંધ રાખીશું. પરિણામે આજના મુંબઇ કે ન્યુ યોર્કનો ભારતીય યુવાન આંજનેય જુએ તો તેને મંદિરમાં જવા જેવો જ આધ્યાત્મિક અનુભવ થશે.
હનુમાનજીના આ નવા અવતાર માટે સોનુ સુદ તેનો અવાજ આપે તેવી તમામ શક્યતાઓ છે. સોનુ સુદના અવાજમાં શક્તિ અને સહાનુભૂતિ બંને છે એટલે તેમનો અવાજ હનુમાનજીના પાત્ર માટે આદર્શ બની રહેશે તેમ શાંતનુ સહજપાલ કહે છે. જય બોલો હનુમાન કી!


